હાટકેશ્વરમાં દબાણ હટાવવામાં ભેદભાવના મુદ્દે મહિલાઓનો હોબાળો
- મ્યુનિ.અધિકારીઓ કામગીરી પડતી મૂકી જતા રહ્યા
- ફૂટપાટ પરના અમુક દબાણો છોડી દેવાયાનો મહિલાઓએ આક્ષેપ કર્યો
અમદાવાદ, તા.20 ઓક્ટોબર 2018, શનિવાર
અમદાવાદના હાટકેશ્વર-ભાઇપુરા વોર્ડમાં આજે દબાણ હટાવ કામગીરી દરમિયાન મહિલાઓના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. ફૂટપાટ પરના દબાણો હટાવવામાં ભેદભાવ રખાઇ રહ્યો હોવાના આક્ષેપ સાથે મહિલાઓનું ટોળુ ધસી આવતા મ્યુનિ.અધિકારીઓ ત્યાંથી પલાયન થઇ ગયા હતા.
આ અંગે જાણવા મળતી માહિતી મુજબ આજે શુક્રવારે બપોરે લાલભાઇ સેન્ટર સામેની ફૂટપાટ પરના દબાણો મ્યુનિ.ના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે હટાવી રહ્યા હતા. ત્યારે કેટલીક મહિલાઓ દોડી આવી હતી.
જેમણે દબાણ હટાવ કામગીરીમાં ભેદભાવ રખાઇ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે ફૂટપાટ પરના કેટલાક દબાણો તોડાય છે. તો કેટલાકને તોડાતા નથી. આમ કેમ ? . આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે મહિલાઓનું રોદ્ર સ્વરૃપ જોઇએ અધિકારીઓ પણ ગભરાઇ ગયા હતા.
આ મામલે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા અને તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. મહિલાઓએ રજૂઆત કરી હતી કે દબાણ તોડવાના જ હોય તો તમામ દબાણો એકસરખા ન્યાયે તોડી પાડો પરંતું ભેદભાવ રાખીને અમુક દબાણો તોડી પાડો અને અમુક દબાણો સામે આંખઆડા કાન કરો તે યોગ્ય નથી.