'તાયફા કરવા હોય તો ઘરભેગા થઇ જાવ... હું બીજા ૫૦૦ સંત બનાવી લઇશ'
'ખોટો ગંદો પ્રચાર કરવો હોય તો અત્યારે જ નીકળી જવાનુ'સંતોને સંબોધતા હરિપ્રસાદ સ્વામીની ૪ વર્ષ જુની ઓડિયો ક્લિપ વાયરલ થઇ,
હરિપ્રસાદ સ્વામીએ સંસ્થાના સંતોને આવા કડક વેણ કેમ કહ્યાં ?
વડોદરા : હરિધામ સોખડામાં અનુજ ચૌહાણ નામાના ૨૨ વર્ષના હરિભક્તને ચાર સાધુઓ દ્વારા માર મારવાના બનાવ બાદ સંસ્થાનો જુથવાદ સામે આવી ગયો છે અને પ્રેમસ્વરૃપ સ્વામી તથા પ્રબોધ સ્વામીના ટેકેદારો આમને સામને ગંભીર આક્ષેપો કરવા લાગ્યા છે. દરમિયાન હરિપ્રસાદ સ્વામીનો ૪ વર્ષ જુનો એક ઓડિયો વાયરલ થયો છે. હરિપ્રસાદ સ્વામીને જાણે ચાર વર્ષ પહેલા જ સંસ્થામાં ચાલતા જૂથવાદનો ખ્યાલ આવી ગયો હોય એવુ તેમના ઓડિયો પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. આ ઓડિયોમાં હરિપ્રસાદ સ્વામી સંસ્થાના સંતોને સંબોધી રહ્યા છે કે....
બેસી જાવ હવે... માઇક બંધ કરો... મોબાઇલ બંધ કરી દો... હું બોલુ એ ટેપ કરવાનું નથી. બધા જ બંધ કરી દો.
ગંભીરતાથી એક વાત સાંભળી લો, ના સાંભળવી હોય, તાયફા કરવા હોય તો ઘરભેગા થઇ જાવ...મારી વાત પ્રમાણ વિશ્વાસ રાખવો ના હોય તો ઘર ભેગા થઇ જવાનું...
મારે કોઇની જરૃર નથી... કોઇની નહી...આ લખવાની વાત નથી, લખશો નહી, તમારા ચોપડા બંધ કરી દો.
ફરીથી બોલું છુ, ત્રીજી વખત બોલું છુ ગંભીરતાથી વાત સાંભળી લો, મારી વાતને સાચી માનવી ના હોય તો અત્યારે જ ઉઠીને સૌ સૌના પોટલા લઇ ઘર ભેગા થઇ જાવ. મારે કોઇની જરૃર નથી. મારે ૫૦૦ સાધુ બનાવવા હશે તો ... જય સ્વામિનારાયણ.... બે જ મિનિટનું કામ છે. ત્રીજી મિનિટ નહી લાગે...
મારી વાત પ્રમાણે ના જીવવું હોય ખોટો ગંદો પ્રચાર કરવો હોય તો અત્યારે જ નીકળી જવાનું... ખીચડી ખાઇને જાવ. રાત્રે તકલીફ ના પડે, આજનું પ્રવચન સાંભળીને જાવ... પણ લબાચાવેળા ચલાવી નહી લઉં... હું બે ચાર નહી ૫૦૦ સાધુ બનાવી લઇશ પણ તાયફા ચલાવી નહી લઉં...'
ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડાના સર્વાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી ગત વર્ષે જ ધામમા પધારી ગયા ત્યાર બાદ સંસ્થામાં વિવાદોએ જન્મ લીધો છે