પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો હડતાલ ઉપર જવાની સફાઈ કામદારોની ચિમકી
કોર્પોરેશન કચેરીએ કામદારોના ધરણાં : સ્માર્ટ વોચથી હાજરીના કારણે નહીંવત પગાર મળતો હોવાથી ફરીથી રજીસ્ટર પ્રથા શરૃ કરવા માંગણી
ગાંધીનગર : ગાંધીનગર
મહાનગરપાલિકામાં આઉટ સોર્સીંગથી કામ કરતાં સફાઈ કામદારોની હાજરી સ્માર્ટ વોચથી પુરાવાના
કારણે નહીંવત પગાર મળી રહયો છે ત્યારે આ મુદ્દે અગાઉ થયેલી રજુઆતોમાં કોઈ પરિણામ નહીં
આવતાં કોર્પોરેશને કચેરીએ કામદારોએ ધરણાં કર્યા હતા અને કોર્પોરેશન તંત્રને રજુઆત કરીને
પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો તા.૧પ નવેમ્બરે સમગ્ર ગાંધીનગરમાં સફાઈ કામગીરીથી અળગા
રહીને વિરોધ કરવાનું પણ આયોજન કરવામાં આવશે.
રાજયના પાટનગર
ગાંધીનગરની મહાનગરપાલિકા પાસે સફાઈ સિવાય અન્ય કોઈ મહત્વની જવાબદારી નથી. ગાંધીનગરમાં
બે ઝોનમાં સફાઈ વહેંચીને એજન્સી મારફતે કામગીરી કરાવવામાં આવી રહી છે. ત્યારે એજન્સી
દ્વારા રાખવામાં આવતાં સફાઈ કામદારોને સ્માર્ટ વોચ આપવામાં આવી છે અને તેની હાજરીના
આધારે પગાર પણ થઈ રહયો છે. ગત સપ્ટેમ્બર મહિનામાં મોટાભાગના સફાઈ કામદારોને અડધો અથવા
તો નહીંવત પગાર આ હાજરીના કારણે મળ્યો હતો. જેને લઈ અગાઉ કમિશનરને રજુઆત કરવામાં આવી
હતી. પરંતુ આ સમસ્યાનો કોઈ નિવેડો આવ્યો નહોતો. ત્યારે આજે સફાઈ કામદારો ગુજરાત સફાઈ
કામદાર મહામંડળના નેજા હેઠળ કોર્પોરેશન કચેરી ખાતે રજુઆત કરવા માટે પહોંચ્યા હતા અને
ધરણાં ઉપર બેસી ગયા હતા. કામદારોએ રજુઆત કરી હતી કે, સ્માર્ટ વોચની જગ્યાએ અગાઉની જેમજ
રજીસ્ટર પ્રથા શરૃ કરીને હાજરી પુરવામાં આવે. તહેવારોમાં બોનસ અને એડવાન્સ વહેલી તકે
અપાય, આઉટ સોર્સીંગ સફાઈ કામદારોના પગાર વધારવામાં આવે જેવા પ્રશ્નોનું નિરાકરણ નહીં
આવે તો આગામી તા.૧પ નવેમ્બરે ગાંધીનગરમાં કયાંય પણ સફાઈ કરવામાં નહીં આવે અને વિરોધ
પ્રદર્શન કરવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.