Updated: Mar 18th, 2023
તા.૧૮ ડોમેસ્ટિક વાયોલેન્સના કેસ માટે બેંક સ્ટેટમેન્ટ લેવા માટે વડોદરાથી ચાંણોદ આવેલી યુવતી અને તેની માતા પર યુવતીના પતિ અને તેના મિત્રએ બેંક બહાર જ હુમલો કરી માતા અને પુત્રીને માર માર્યો હતો. હુમલો કરનાર કરનાળી ગામના પૂર્વ ડે.સરપંચ અને તેના મિત્રની પોલીસે ધરપકડ કરી હતી.
વડોદરાના કિશનવાડી વિસ્તારમાં નુર્મ આવાસ યોજનામાં રહેતી સેજલ ભૂપેન્દ્ર માછીએ ચાંણોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા લગ્ન વર્ષ-૨૦૧૧માં કરનાળી ખાતે રહેતાં ભૂપેન્દ્ર નારણભાઇ માછી સાથે થયા હતાં. લગ્ન બાદ બે સંતાનો છે. વર્ષ-૨૦૨૦માં મેં પતિ સામે ડોમેસ્ટિક વાયોલેન્સનો કેસ દાખલ કર્યો હતો અને વર્ષ ૨૦૨૧માં પતિએ મને મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે પણ પોલીસ કેસ થયો હતો. બંને કેસ હાલ ડભોઇ કોર્ટમાં ચાલે છે. જ્યારે ભરણપોષણનો કેસ વડોદરા કોર્ટમાં કર્યો હતો.
ડોમેસ્ટિક વાયોલેન્સના કેસમાં કોર્ટમાં બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવાનું હોવાથી હું મારી માતા કોકિલાબેન સાથે ચાંણોદમાં એસબીઆઇ ખાતે બપોરે આવીને પગથિયા પાસે ઊભા હતા ત્યારે મારો પતિ ભૂપેન્દ્ર અને તેનો મિત્ર મિતેશ હરેશ પ્રજાપતિ કાર લઇને આવીને મને તેમજ મારી માતા પર હુમલો કરી માર માર્યો હતો. લોકો ભેગા થઇ જતાં બંને જતા રહ્યા હતા અને હવે પછી તમારું પૂરું કરી નાંખવું છે તેવી ધમકી જતા જતા આપી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે ચાંણોદ પોલીસે કરનાળીના પૂર્વ ડેપ્યૂટી સરપંચ ભૂપેન્દ્ર માછી અને તેના મિત્રની ધરપકડ કરી હતી.