અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં કુલ
વેક્સિનેશન ડોઝ હવે ૮ કરોડને પાર થઇ ગયો છે. અત્યારસુધી ૪.૫૭ કરોડ દ્વારા પ્રથમ ડોઝ
અને ૩.૪૩ કરોડ દ્વારા બીજો ડોઝ લેવામાં આવ્યો છે. ડોક્ટરોના મતે વેક્સિનેશનને કારણે
કોરોનાગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવાના તેમજ વેન્ટિલેટર પર રાખવાના પ્રમાણમાં
પણ મોટો ઘટાડો નોંધાયો છે. વેક્સિન લઇ ચૂકેલા કોરોનાના ૧૦૦ દર્દી હોય તો તેમાંથી માંડ
૮% જ એવા હોય છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
૮ કરોડ ડોઝથી
વધુ વેક્સિનેશન ડોઝ થયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ઉત્તર પ્રદેશમાંથી
સૌથી વધુ ૧૫.૯૩ કરોડ, મહારાષ્ટ્રમાંથી ૧૧.૧૯ કરોડ, પશ્ચિમ બંગાળમાંથી ૯.૧૫ કરોડ, મધ્ય
પ્રદેશમાંથી ૮.૫૫ કરોડ, બિહારમાંથી ૮.૦૨ કરોડ વેક્સિનેશન ડોઝ અપાઇ ચૂક્યા છે.ગુજરાતમાં
૨૭ જૂન એટલે કે ચાર મહિનાથી કોરોનાના દૈનિક કેસ ૧૦૦થી ઓછા નોંધાઇ રહ્યા છે. હાલમાં
કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાં પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીનું
પ્રમાણ ખૂબ જ સાધારણ હોય છે.
કોરોનાના જે દર્દીને
હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમાંના મોટાભાગના કોમોર્બિડ હોય છે. અમદાવાદની જ વાત કરવામાં
આવે તો હાલમાં ૧૦૦ દર્દી કોરોનાનની સારવાર હેઠળ છે. જેમાંથી ખાનગી હોસ્પિટલોમાં માત્ર
ચાર જ્યારે સિવિલ હોસ્પિટલમાં માંંડ ૧-૨ દર્દી સારવાર લઇ રહ્યા છે. કોરોનાના દર્દીને
હોસ્પિટલમાં દાખલ કરવામાં થઇ રહેલા ઘટાડા માટે વેક્સિનેશને સંજીવની જેવી ભૂમિકા ભજવી
છે.
આ અંગે અસારવા
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રાકેશ
જોશીએ જણાવ્યું કે, 'દિવાળી બાદ કોરોનાના કેસમાં સાધારણ વધારો નોંધાયો હતો પરંતુ તેમાં
પણ હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ સાધારણ હતું. સિવિલમાં કોરોનાના
જે દર્દીને દાખલ કરવામાં આવ્યા તેઓ સ્ટેબલ હતા અને ઓક્સિજન-બાયપેપની જરૃર પડી નહોતી.
દિવાળી વખતે બજાર, ફરવાના સ્થળોએ જે પ્રકારની ભીડ હતી તેમાંથી બે ટકાને પણ કોરોના થયો
હતો તો તમામ હોસ્પિટલ દર્દીઓથી પેક થઇ જાત. પરંતુ વેક્સિનેશનને કારણ આવી ભયાવહ સ્થિતિનું
પુનરાવર્તન થયું નહોતું. બીજી વેવ માર્ચ થી
મે દરમિયાન પીક પર હતી ત્યારે વેક્સિનેશન શરૃ થયાને બે મહિના પણ થયા નહોતા. વેક્સિનેશનની
ગતિ વધતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેવા દર્દીઓનું પ્રમાણ પણ ઘટવા લાગ્યું છે. '
કયા જિલ્લામાં
કુલ સૌથી વધુ વેક્સિનેશન?
જિલ્લો/કોર્પો. પ્રથમ ડોઝ બીજો
ડોઝ કુલ
અમદાવાદ કોર્પો. ૪૭.૬૩ લાખ ૩૦.૬૮
લાખ ૭૮.૩૨ લાખ
સુરત કોર્પો. ૩૭.૬૧ લાખ ૨૪.૫૩
લાખ ૬૨.૧૪ લાખ
બનાસકાંઠા ૨૧.૬૮ લાખ ૧૮.૩૯
લાખ ૪૦.૦૮ લાખ
આણંદ ૧૫.૧૨ લાખ ૧૩.૨૪
લાખ ૨૮.૩૬ લાખ
વડોદરા કોર્પો. ૧૫.૨૩ લાખ ૧૨.૮૫
લાખ ૨૮.૦૮ લાખ
ગુજરાતમાં વયજૂથ
પ્રમાણે વેક્સિનેશન
વયજૂથ વેક્સિનેશન
૧૮-૪૪ ૪.૭૩ કરોડ
૪૫-૬૦ ૨.૦૫ કરોડ
૬૦થી વધુ ૧.૨૧ કરોડ

