Gujarat

એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન નિમવાની પ્રક્રિયા હજુ અધ્ધરતાલ

By GS Team
3 Mar 20222 mins read
This article was originally published on 3 Mar 2022
એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન નિમવાની પ્રક્રિયા હજુ અધ્ધરતાલ

અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬માં વિધાનસભામાં ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ પસાર કર્યા બાદ ૨૦૧૭માં વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી દેવાયુ હતુ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ કાઉન્સિલ એક રીતે કાગળ પર જ છે અને હજુ આગળ પણ કાગળ પર જ રહે તેવુ લાગી રહ્યુ છે.કારણકે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નિમવા માટેની પ્રક્રિયા હજુ સુધી થઈ નથી.

ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ મુખ્યમંત્રી, વાઈસ પ્રેસિડેન્ટ શિક્ષણમંત્રી અને કો-વાઈસ પ્રેસિડેન્ટ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી છે.આખી સરકાર બદલાઈ ગઈ છે પરંતુ હજુ સુધી કાઉન્સિલ  કાગળ પર જ છે.કાઉન્સિલમાં શિક્ષણ વિભાગના  અગ્ર સચિવથી માંડી વિવિધ વિભાગના સેક્રેટરી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કુલ ૧૫ મુખ્ય સભ્યો છે.જેમાં ત્રણ મંત્રીઓ બાદ ચોથા મુખ્ય સભ્ય તરીકે એક્ઝિક્યુટિવ  કમિટીના ચેરમેન છે.એક્ટની જોગવાઈઓ મુજબ એક્ઝિક્યુટિવ કમિટી રચવાની હોય છે અને જેના દ્વારા કાઉન્સિલનું વિધિવત રીતે સંચાલન થાય છે.પરંતુ મહત્વની વાત એ છે કે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન જ નિમાયા નથી.સરકારે ચેરમેન  નિમવા રચેલી ત્રણ સભ્યોની કમિટીને અઢીવર્ષ પુરા થયા બાદ ગત જાન્યુઆરીમાં ત્રણ સભ્યોના હોદ્દા ફેરબદલી કરી કમિટી રિવાઈઝડ કરી હતી.જેને પણ હવે એક મહિનો થઈ ગયો છે છતાં આ કમિટીની મીટિંગ હજુ સુધી મળી નથી કે ચેરમેન માટે બાયોડેટા-અરજીઓ મંગાવવા કોઈ પ્રક્રિયા થઈ નથી.

આ પસંદગી કમિટીમાં  ગુજરાત યુનિ.ના કુલપતિ,મધ્ય ગુજરાત યુનિ.ના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ સહિત ત્રણ કુલપતિઓની એક કમિટી રચાઈ હતી . આ કમિટીએ ત્રણ નામો નક્કી કરી સરકારને આપવાના છે.મહિના પહેલા સરકારે કમિટી રિવાઈઝડ કરી કુલપતિઓને પત્ર મોકલતા એવુ લાગી રહ્યુ હતુ કે હવે પાંચ વર્ષે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન માટે પ્રક્રિયા થશે અને વિધિવત કાઉન્સિલ અસ્તિતવમા આવશે પરંતુ હાલ ચર્ચા એવી છે કે કાઉન્સિલ હંમેશા કાગળ પર જ રહેશે.