ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
- અમદાવાદમાં આવતીકાલે અતિભારે વરસાદ પડી શકે છે
- બે સિસ્ટમ સક્રિય થતાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ જામશે રાજ્યમાં હજુ સુધી મોસમનો સરેરાશ ૨૦.૩૬ ઈંચ વરસાદ
અમદાવાદ, તા. 8 ઓગસ્ટ, 2019, ગુરૂવાર
ગુજરાતમાં ચોમાસાની બે સિસ્ટમ સક્રિય થવાને પગલે આગામી ત્રણ દિવસમાં અમદાવાદ, સુરત, વડોદરા,રાજકોટ ભાવનગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ જામે તેની પૂરી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ઉત્તર છત્તીસગઢમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેની આસપાસ પહોંચ્યું છે. જે હવે જે પશ્ચિમઉત્તરપશ્ચિમ તરફ ધપશે અને આગામી ૪૮ કલાકમાં નબળું પડશે. આ ઉપરાંત દક્ષિણપશ્ચિમ રાજસ્થાનથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડીથી મધ્ય પ્રદેશ સુધી સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
આ બંને સિસ્ટમને લીધે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ' અમદાવાદમાં આજે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભેજનું પ્રમાણસવારે ૮ઃ૩૦ના ૯૯% અને સાંજે ૫ઃ૩૦ના ૭૮% નોંધાયું હતું.
વાદળછાયા વાતાવરણને લીધે ગરમીમાં ઘટાડો રહ્યો હતો અને સરેરાશ મહત્તમ તાપમાન ૩૦.૫ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આવતીકાલે સવારના સમયે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ત્રણ દિવસ વરસાદનું પ્રભુત્વ રહેશે.
અમદાવાદ જિલ્લામાં હજુ સુધી મોસમનો સરેરાશ ૧૦.૫૯ ઈંચ વરસાદ નોંધાયો છે. જે સરેરાશની સરખામણીમાં ૩૮.૬૪% છે. રાજ્યમાં હજુ સુધી મોસમનો સરેરાશ ૨૦.૩૬ ઈંચ વરસાદ પડયો છે. જેમાં ૩૨ તાલુકા એવા છે જ્યાં વરસાદનું પ્રમાણ ૩૯.૩૭ ઈંચથી વધારે છે.