Updated: Mar 16th, 2023
કાપણી સમયે પડેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી
ગરમીમાં રાહત છતાં એકાદુ ઝાપટું પડવાની હવામાન ખાતાની આગાહી
આણંદ: આણંદ જિલ્લામાં બુધવારે દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફુંકાવાની સાથે માવઠું થતાં ખેતીપાકને વ્યાપક નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. જો કે આજે આકાશમાંથી વાદળો હટતા ધરતીપુત્રોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાયક્લોનીક સરક્યુલેશનના કારણે ગુજરાતના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ વરસવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. જે અંતર્ગત બુધવારે સવારથી જ સમગ્ર ચરોતર પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સુમારે અચાનક જ આકાશમાં વીજળીના ચમકારા તેમજ વાદળોની ગર્જના વચ્ચે તેજ પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. સાથે સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ વરસ્યો હતો. જેને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અષાઢી માહોલ જોવા મળ્યો હતો. મોડી રાત સુધી જિલ્લામાં ઠેર-ઠેર છુટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જો કે આજે સવારે આકાશમાંથી વાદળો હટતા સૂર્યદેવતાએ દર્શન દીધા હતા અને ધરતીપુત્રોએ રાહત અનુભવી હતી.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં ગઈકાલ રાત્રિના સુમારે કેટલાક ઠેકાણે માવઠું થયું હતું.
જેને લઈ તમાકુ, ઘઉં, કેરી સહિતના પાકોને નુકસાન પહોંચશે તેવી ચિંતા ખેડૂતોએ વ્યક્ત કરી છે. હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે વતન ગયેલ મજુરવર્ગ પરત ફરતા ખેતરોમાં તૈયાર થયેલ પાકની કાપણી ચાલી રહી છે ત્યારે અચાનક કમોસમી વરસાદ વરસતા ઘઉં સહિતના પાકને નુકસાન થવાની ભીતિ વ્યાપી છે. તો બીજી તરફ માવઠાની સંભાવનાને લઈ ખેડૂતો દ્વારા ખેતીપાકને સલામત સ્થળે ખસેડવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ગુરૂવારના રોજ આણંદ જિલ્લાનું નોંધાયેલ તાપમાન
મહત્તમ
તાપમાન |
: |
૩૦.૨
ડિ.સે. |
લઘુત્તમ
તાપમાન |
: |
૨૦.૫
ડિ.સે. |
હવામાં
ભેજનું પ્રમાણ |
: |
૬૯
ટકા |
પવનની
ઝડપ |
: |
૪.૯
કિ.મી./ક. |
સૂર્યપ્રકાશ |
: |
૦.૫ |