Get The App

અમદાવાદમાં હર્ડ-ઈમ્યુનિટીનું અસ્તિત્વ જ નથી

- મ્યુનિ.એ 30 હજાર લોકોના સેમ્પલ ચકાસ્યા બાદ ચોંકાવનારૂં તારણ

- હર્ડ-ઈમ્યુનિટી માટે 70થી 80 ટકા જોઇએ તેના બદલે 17.50 ટકા પોઝિટિવિટી જ મળી

Updated: Jul 23rd, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં હર્ડ-ઈમ્યુનિટીનું અસ્તિત્વ જ નથી 1 - image


સ્પેન, સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા જેવા દેશોનો પણ આવો જ મત

અમદાવાદ, તા. 23 જુલાઇ, 2020, ગુરૂવાર

અમદાવાદના મધ્યઝોનના કોટવિસ્તારમાં અને દક્ષિણઝોનના દાણીલીમડા-બહેરામપુરાના એપી સેન્ટરમાં કોરોનાના રોજરોજ 100-100 દર્દીઓ નોંધાતા હતા અને મૃત્યુનું પ્રમાણ પણ ઊંચું હતું.

એ જ વિસ્તારમાં આજે રોજના 20ની અંદર કે 10ની અંદર કેસો નોંધાઇ રહ્યાં છે. જેનું કારણ લોક સમુહની અંદર પેદા થયેલી હર્ડ ઈમ્યુનિટી માનવામાં આવે છે. કેટલાંક જાણીતા ડોકટરોનો પણ આવો જ મત છે. જેનો છેદ ઉડાડતા મ્યુનિ.ના ઈન્ચાર્જ હેલ્થ ઓફિસરે દાવો કર્યો છે કે, કોરોનાની હર્ડ ઈમ્યુનિટી અસ્તિત્વમાં નથી.

આ અંગે તેમણે જણાવ્યું હતું કે તા. 16મી જુનથી 11 જુલાઇ દરમ્યાન મ્યુનિ. દ્વારા સૌથી મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. સાતેય ઝોનમાં થઇને 30 હજાર લોકોના સેમ્પલ લઇને તેમાં એન્ટીબોડીની ચકાસણી કરવામાં આવેલ છે.

આમાંથી માત્ર 17.50 ટકાની પોઝિટીવિટી મળી શકી છે. સામાન્ય રીતે આવી કોઇ પણ બિમારીમાં હર્ડ ઈમ્યુનિટી માટે 70થી 80 ટકા પોઝિટીવિટી હોવી જરૂરી ગણાય છે. તાજેતરમાં સ્પેન, સ્વિઝરલેન્ડ અને અમેરિકામાં પણ આ બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે. તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, કોઇ પણ દેશમાં કોરોનાની હર્ડ ઈમ્યુનિટી નથી.

આઈસીએમઆરના ચેરમેન ડો.. બલરામ ભાર્ગવ સાથે પણ મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓએ ચર્ચા કરી છે, આઈસીએમઆર દ્વારામે મહિનામાં અમદાવાદમાંથી કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આ પ્રકારના ટેસ્ટીંગ માટે 496 નમુના લેવાયા હતા, જેનો કોઇ રિપોર્ટ બહાર પડયો નથી. ઉપરાંત 70 લાખની વસ્તીમાંથી આટલી નાની સંખ્યામાં લેવાયેલાં સેમ્પલનો કોઇ અર્થ જ નથી.

આ સર્વેના પરિણામના સંદર્ભમાં દક્ષિણ ઝોન અને મધ્ય ઝોનમાંથી કેસોની સંખ્યા વધારે હોવા છતાં પણ સેરોપોઝિટીવિટીની ટકાવારી તેની સાથે સુસંગત નથી. આ સંજોગોમાં લોકો માસ્ક પહેરે, સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમો પાળે, વારંવાર સાબુથી કે સેનેટાઇઝરથી હાથ સાફ કરે તે જરૂરી છે. જોકે કોરોનાનું સ્વરૂપ વારંવાર બદલાતું હોવાથી, તેમજ તે અંગેના નિવેદનો વૈજ્ઞાાનિકો-ડોકટરો પણ બદલતા રહેતા હોવાથી, કંઇ પણ છાતી ઠોકીને કહેવું શક્ય નથી.

સર્વેના પરિણામો પર એક નજર

*   શહેરમાંથી 29891 સેમ્પલ લેવાયા હતા, તે પૈકી 5263 પોઝિટીવ જણાયેલ, જે 17.61 ટકા થાય છે.

*   પુરૂષોની 17.29 ટકા પોઝિટીવિટીની સરખામણીએ સ્ત્રીઓ 17.98 થોડી વધુ જણાયેલ છે.

*   મધ્ય ઝોનમાં કેસોની સંખ્યા વધુ હતી ત્યાં 28.43 ટકા, ઉત્તર ઝોનમાં 27.42 ટકા, પૂર્વ ઝોનમાં 23.22 ટકા, દક્ષિણ ઝોનમાં 16.15 ટકા, પશ્ચિમ ઝોનમાં 10.5 ટકા, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 6.43 ટકા અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 13.43 ટકા પોઝિટીવિટી મળેલ છે.

Tags :