ST સ્ટેન્ડ અને નાકા પરની હેલ્થ ચકાસણીમાં 21 કોરોનાગ્રસ્ત મળ્યા
- મ્યુનિ. તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું સારૂં પરિણામ
- 11ને સમરસ કેર સેન્ટરમાં, 4ને કોઠીયા હોસ્પિટલમાં, 2 હોમ-આઈસોલેશનમાં, જ્યારે સુરત-ભરૂચના 7ને પરત મોકલાયા
અમદાવાદ, તા.17 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદમાં પ્રવેશતાં જુદાં જુદાં રોડની કરાયેલી નાકાબંધી અને એસ.ટી.ના સ્ટેન્ડો પર ઉતરતા પેસેન્જરોની આરોગ્યની ચકાસણી મ્યુનિ. દ્વારા હાથ ધરવામાં આવી છે. આજે આવી ચકાસણી દરમ્યાન 24ને કોરોના હોવાનું જણાતા તેમાંથી 11ને સમરસ કેર સેન્ટર, 4ને કોઠીયા હોસ્પિટલ, 2 હોમ-આઈસોલેશ અને 7ને પરત મોકલાયા હતા.
આ અંગેની વિગત એવી છે કે, પૂર્વઝોનના હેલ્થ વિભાગ દ્વારા એક્સપ્રેસ-વેના ટોલનાકા પાસે દક્ષિણ ગુજરાત તરફથી વાહનોમાં આવી રહેલાઓની ચકાસણી હાથ ધરાઈ હતી.
જેમાંથી 4 સુરતના, 1 ભરૂચના અને 8 વડોદરાથી આવતા નાગરિકોના રિપોર્ટ પોઝીટિવ નિકળતાં 4ને કોઠીયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે, બે અમદાવાદમાં હોવાથી તેમણે ઘેરબેઠાં સારવાર લેવાનું ચાલુ કર્યું છે. જ્યારે બાકીના 7ને પરત મોકલી દેવાયા હતા. જ્યારે નેશનલ હાઈવે અસલાલી નજીક દક્ષિણઝોનની ટીમે 187ને તપાસ્યા પણ તેમાંથી એક પણ દર્દી મળી આવ્યો ના હતો.
મધ્યઝોનની હેલ્થની ટીમ દ્વારા ગીતામંદિર બસ સ્ટેન્ડે તપાસ હાથ ધરાતા 5 લોકોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા હતા. જેમાંથી 2 પાટણના, 1 મહેસાણાનો, 1 ધોળકાનો અને 1 એમપીનો રહીશ હતો. તમામને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા છે. પશ્ચિમઝોનના હેલ્થના કર્મચારીઓએ રાણીપ સ્ટેન્ડ પર 205ને તપાસતા 1ને કોરોના હોવાનું જણાતા તેમને સમરસ મોકલી અપાયા હતા.
જ્યારે ઉત્તરઝોનના હેલ્થના કર્મચારીઓએ નાના ચિલોડા નાકા પર તપાસ હાથ ધરી હતી. ત્યાં 200ને ચકાસતા 4ને કોરોના હોવાનું જણાયું હતું. જ્યારે કૃષ્ણનગર બસસ્ટેન્ડ પર 104ને તપાસતા 1નો રિપોર્ટ પોઝીટિવ આવ્યો હતો. આ પાંચેયને સમરસ હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે. શહેરમાં સંક્રમણને રોકવા આ પ્રકારની કવાયત ખૂબ જ મદદરૂપ સાબિત થશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.