હાટકેશ્વરમાં જોગેશ્વરી રોડ ઉપર મોટો ભુવો પડયો, હાઇવે તરફનો રસ્તો બંધ કરાયો
- શહેરના પોલા માર્ગો ચોમાસામાં વધુ ભયજનક બનશે
- રહીશોએ બે કિ.મી.ફરીને આવ-જા કરવાની ફરજ પડી રહી છે. રહીશો ભારે પરેશાન
અમદાવાદ,તા.6 મે 2019,સોમવાર
અમદાવાદમાં હાટકેશ્વરથી નેશનલ હાઇવે ૮ તરફ જવા માટેના જોગેશ્વરી રોડ પર ભુવો પડયો હતો. બાદમાં ગટર-પાણીની લાઇન વધુ લીકેજ થતા મોટો ખાડો પડી ગયો હતો. મ્યુનિ.તંત્ર દ્વારા છેલ્લા બે દિવસથી મરામતની કામગીરી હાથ ધરાઇ છે. ભુવો પડયા પછી આશરે ૩૦ ફૂટના ઘેરાવામાં ખાડો પડી જતા હાલ આ માર્ગને વાહનવ્યવહાર માટે સંપુર્ણ બંધ કરી દેવાયો છે. જેના કારણે આ રોડ ઉપર આવેલી સોસાયટીઓના રહીશોએ બે કિ.મી.નું અંતર કાપીને અવર-જવર કરવાની નોબત આવી પડી છે.
વર્ષો જુની ગટર-પાણીની લાઇનોના કારણે શહેરના માર્ગો કેટલા પોલા બની ગયા છે. તે હાટકેશ્વરમાં ઉપરા-છાપરી પડતા ભુવાઓ પરથી અનુમાન કરી શકાય તેમ છે. ભુવાના કારણે મરામત સહિતના કારણોસર આખો રોડ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિમાં રહીશોએ મુશ્કેલીઓ વેઠવાની નોબત આવી પડે છે.
છેલ્લા બે દિવસથી હાટકેશ્વરથી નેશનલ હાઇવે તરફનો જોગેશ્વરીનો ૧ કિ.મી.નો માર્ગ બંધ પડયો છે. આદર્શ એપાર્ટમેન્ટ, પ્રિતમપાર્ક, શ્રીનાથજી એપાર્ટમેન્ટ, પદ્માવતી પાર્ક, અનેક ચાલીઓ સાગર એપાર્ટમેન્ટ સહિતના રહીશો રસ્તો જ બંધ થઇ જતા મુશ્કેલીમાં મુકાયા છે.
હાલ રહીશોએ સીટીએમ, અંબિકા રોડ, સ્વસ્તિક ચાર રસ્તાના વૈકલ્પિક માર્ગે ફરીને જવું પડી રહ્યું છે. મુખ્ય રોડ પર પડેલા મસમોટા ખાડાનું મરામત કામ સત્વરે પુરૂ કરવામાં આવે તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.
નોંધપાત્ર બાબત એ છેકે ચોમાસા પહેલા શહેરના માર્ગોની આ સ્થિતિ છે. તો ચોમાસામાં શું દશા હશે. સામાન્ય રીતે ચોમાસામાં રોડ પર મહત્તમ ભુવાઓ પડતા હોય છે. જેમાં શહેરીજનોના જાનમાલની ખુવારી થવાની સંભાવના રહેલી છે.
ગત ચોમાસામાં તો શહેરના અનેક વિસ્તારોમાં ભુવાઓમાં અનેક વાહનો ફસાઇ ગયાના બનાવો બન્યા હતા. શહેરના પોલા માર્ગો જીવલેણ બને તે પહેલા મ્યુનિ.તંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી શહેરીજનો કરી રહ્યા છે.