અમદાવાદ,તા.25 ફેબ્રુઆરી 2022, શુક્રવાર
આજે તા.૨૬ ફેબુ્રઆરીને શનિવારના રોજ અમદાવાદની સ્થાપનાને ૬૧૧ વર્ષ પૂર્ણ થશે. હેરિટેજ સીટી, સ્માર્ટસિટી ગણાતું અમદાવાદ તેની આગવી ઓળખ, ખાસિયત સહિતની અનેક વિશેષતાઓને લઇને વિશ્વવિખ્યાત છે. હવે કોટ વિસ્તાર પુરતું અમદાવાદ સિમીત રહ્યું નથી.
આજુબાજુના ગામડાઓ સુધી અમદાવાદ પ્રસરી ગયું છે. પૂર્વ અમદાવાદના એક સમયના વન વગડામાં આવેલા નાના નાના અવિકસીત ગામડાઓ અમદાવાદમાં ભળ્યા બાદ શહેરીરૂપ ધારણ કરીને ચમકી રહ્યા છે. અમદાવાદનું ઘેલુ આખા દેશમાં જોવા મળે છે. દેશના તમામ રાજ્યોમાંથી લોકો રોજી-રોટી માટે અમદાવાદ આવીને વસ્યા છે.
એટલું જ નહીં નેપાળ સહિતના આજુબાજુના દેશોમાંથી પણ આવીને લોકોએ અમદાવાદને કર્મભુમી બનાવી છે, તેમની નવી પેઢીઓએ અમદાવાદની ધરતી પર જન્મ લઇને જન્મભુમી પણ બનાવી લીધી છે. પૂર્વ અમદાવાદમાં દેશના બધા રંગ જોવા મળશે. તે મીની ઇન્ડિયા બની ગયું છે.
પૂર્વ અમદાવાદે બાગ્લાદેશીઓને ચંડોળા તળાવ પાસે આશરો આપ્યો, પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા હિંદુઓે પણ શરણ આપી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમના રાજ્યોના લોકોને પણ અપનાવ્યા છે. એટલું જ નહીં નેપાળના પણ લાખો લોકો અમદાવાદમાં જોવા મળશે. ૬ સદી જુનું અમદાવાદ હાલમાં તેની સભ્યતા, સંસ્કૃતિ, વારસા અને વિકાસને ઉંચી ઉડાન ભરી રહ્યું છે.
સમયાંતરે અમદાવાદ વધુને વધુ જીવંત બની રહ્યું છે. જનજીવન ધબકી રહ્યું છે. લોકસંસ્કૃતિ તેની ઉંચાઇઓ પર છે. અમદાવાદના અસ્તિત્વથી લઇને આજદીન સુધી અમદાવાદે ઘણા ચઢાવ-ઉતાર જોયા છે. પૂર્વ અમદાવાદ કેટલું અને કેવો બદલાવ અનુભવી રહ્યું છે તેના પર એક નજર નાંખવા જેવી છે.
પાકિસ્તાનથી હિજરત કરી આવેલા હિંદુઓને પૂર્વ અમદાવાદમાં શરણ મળી
પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ લઘુમતીઓને આશ્રય આપવા માટે સરદારનગર ટાઉનશીપ ૧૨૯ એકર જમીનમાં ઉભી કરાઇ હતી. પૂર્વ અમદાવાદે પાકિસ્તાનથી હિજરત કરીને આવેલા હજારો લોકોને શરણ આપી હતી. તેઓના રહેવા અને ધંધા માટે પણ વ્યવસ્થા કરાઇ હતી.
જેતે સમયે પાયાની સુવિધાઓના અભાવે સરદારનગરના લોકોએ કામધંધા માટે કાલુપુર સુધી પગપાળા જવું પડતું હતું. તે સમયે તો સાયકલ પણ ઉચ્ચ મધ્યમવર્ગ પાસે જ રહેતી, પરિવહનનું એકમાત્ર સાધન ટ્રેન હતી. માસિક પાસ પર સરદારગ્રામ, સૈજપુર બોધાથી ટ્રેનમાં બેસીને કાલુપુર સુધી લોકો અવર-જવર કરતા હતા. જેઓની પાસે ટ્રેનની ટિકિટના પૈસા પણ ન હોય તેઓ ટ્રેનના પાટે પાટે છેક કાલુપુર સુધી પહોંચી જતા. તે સમયે વન-વગડો હતો ત્યારે લોકો સલામતી માટે પાંચ-દશ લોકો ભેગા થઇને પગપાળા મુસાફરી કરવાનું હિતાવહ માનતા હતા.
પૂર્વમાં મીલ મજૂરોની ચાલીઓ હજુ હયાત છે
અમદાવાદ કાપડ ઉદ્યોગમાં માન્ચેસ્ટર ગણાતું એક સમયે ૮૦ જેટલી મીલો અમદાવાદમાં ધમધમતી હતી. સરકારી નોકરીઓને બાજુએ મુકીને લોકો મીલમાં નોકરી મળી જાય તેવી પ્રાર્થના કરતા. મીલ મજૂરોને સારો પગાર મળતો.
લગભગ તમામ મીલો પૂર્વ અમદાવાદમાં હતી. મીલ મજૂરોને રહેવા માટે જેતે સમયે ચાલીઓ બનાવાઇ હતી. સમય જતા અને બદલાતા મીલ ઉદ્યોગ પડી ભાંગ્યો પરંતુ તે સમયની ચાલીઓ હજુ હયાત છે. મીલ કંપાઉન્ડ, મીલોના મોટા ભૂંગળા હજુ તે સમયની અમદાવાદની જાહોજલાલીની સાક્ષી પૂરે છે. આ ચાલીઓમાં રહેતા લોકો હાલ જે પણ નાના-મોટા ધંધા કરે છે ત્યાં બેકાર મીલ મજૂર એવું સુચક લખાણ આજેય લખીને ફરે છે. ચા-પાણી કે નાસ્તાની લારીઓ પર આ પ્રકારના લખાણ પૂર્વ અમદાવાદમાં દરેક રોડ પર જોવા મળી જશે.
કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો પરંતુ હીરા ઉદ્યોગે અમદાવાદને નવી ઓળખ આપી
સમયાંતરે પૂર્વમાં કાપડ ઉદ્યોગ પડી ભાંગ્યો , મીલ ટપોટપ બંધ થવા માંડી, માલિક-મજૂરના ઝડઘા કોર્ટ સુધી પહોંચ્યા. લાખો લોકો બેકારીની ગર્તામાં ઘકેલાઇ ગયા. તો પણ અમદાવાદે આગળ વધવાનું ન છોડયું ! અમદાવાદમાં હીરાના કારખાના અસ્તિત્વમાં આવ્યા. મુંબઇ, સુરત બાદ અમદાવાદમાં હીરા ઉદ્યોગ ખૂબ જ ફુલ્યો ફાલ્યો. બાપુનગર, રખિયાલ , નિકોલ સહિતના પટ્ટામાં હીરાના હજારો કારખાના સ્થપાયા અને લાખો લોકોને રોજી રોટી મળતી થઇ.
અમદાવાદનો હીરા ઉદ્યોગ ખ્યાતિ પામતા અને રોજગારીની વિપુલ તકો લઇને આવેલા આ ઉદ્યોગે અમદાવાદને આર્થિક રીતે ફરી સદ્ધર બનાવ્યું. સૌરાષ્ટરમાંથી લોકો રોજી રોટી માટે અમદાવાદ આવવા લાગ્યા અને હીરા ઉદ્યોગમાં જોડાઇને અમદાવાદને જ પોતાની કર્મભુમી બનાવી ત્યાં જ વસી ગયા.
અમદાવાદમાં બાપુનગર, ઠક્કરબાપાનગર, ખોડિયારનગર, નિકોલ, કૃષ્ણનગર, વિરાટનગર સહિતના વિસ્તારો મીની સૌરાષ્ટ્ તરીકે ઓખળાય છે. હીરા ઉદ્યોગે જ તેઓને રોજી આપી. સારી બાબત એ છેકે અમદાવાદમાં આજેય પણ હીરા ઉદ્યોગ મોટાપાયે ધમધમી રહ્યો છે. લાખો લોકો આજેય આ ઉદ્યોગ થકી રોજી રોટી મેળવી રહ્યા છે. આ સિવાય પણ અમદાવાદમાં લધુ અને ગૃહ ઉદ્યોગ , એમ્બ્રોડરી ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ પણ ઘણો વિકસ્યો છે.
અમદાવાદ-સુરત વચ્ચે 1863 માં પ્રથમ ટ્રેન દોડી હતી
અમદાવાદના વિકાસમાં રેલવેનો સિંહફાળો રહ્યો છે. તા.૨૦ જાન્યુઆરી ૧૮૬૩માં અમદાવાદથી સુરત વચ્ચે પ્રથમ ટ્રેન દોડી હતી. ૩૦૬ મીલ એટલેકે ૪૬૩ કિ.મી.નું અંતર કાપીને ટ્રેન સુરત જતી હતી. વર્ષ ૧૮૭૦માં અમદાવાદ-મુંબઇ વચ્ચે પ્રથમ ટ્રેન સેવા શરૂ કરાઇ હતી.
અમદાવાદ રેલવે સ્ટેશન શરૂઆતમાં કેવું લાગતું હતું તે ઉપરોક્ત તસવીર પરથી જાણી શકાય છે.
સાબરમતી નદીના વિસ્થાપિતોને પૂર્વ અમદાવાદમાં ઘર મળ્યું
સાબરમતી નદીના કિનારે અમદાવાદ વસેલું છે. જેતે સમયે તેમજ હમણા એટલેકે વર્ષ ૧૯૯૯-૨૦૦૦ સુધીમાં નદીના પટમાં લાખો ઝૂંપડાઓ હતા. જ્યાં લાખો લોકો વસવાટ કરતા હતા.
રિવરફ્રન્ટનો વિકાસ કરવાના નામે આ ઝૂંપડાઓને ત્યાંથી હટાવાયા અને તેઓને પણ પૂર્વ અમદાવાદમાં ઓઢવ, અંબિકાનગર, શાહઆલમ સહિતના વિસ્તારમાં શરણું અપાયું , વૈકલ્પિક મકાનો બનાવી અપાયા હતા. હાલ રિવરફ્રન્ટ અમદાવાદની શાન વધારી રહ્યો છે.


