Get The App

વિકલાંગ મુસાફરો રેલવેનો કન્સેશન પાસ હવે મોબાઇલ એપથી મેળવી શકશે

- ભારતીય રેલવેમાં સૌપ્રથમ અમદાવાદ વિભાગમાં અમલ

- પાસ માટે હવે રેલવે ઓફિસોના વારંવારના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે, વિકલાંગોને મોટી રાહત

Updated: Mar 15th, 2020

GS TEAM


Google News
Google News

અમદાવાદ,તા.15 માર્ચ 2020, રવિવારવિકલાંગ મુસાફરો રેલવેનો કન્સેશન પાસ હવે મોબાઇલ એપથી મેળવી શકશે 1 - image

સમગ્ર દેશમાં પશ્ચિમ રેલવેમાં  સૌપ્રથમ અમદાવાદ વિભાગમાં રેલવેના  વિકલાંગ મુસાફરો માટે કન્સેશન પાસ કઢાવવા માટે 'રેલ દિવ્યાંગ સારથી' નામની મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. જેના થકી વિકલાંગ મુસાફરોએ હવે ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેઓએ રેલવેની ઓફિસોના વારંવારના ધક્કાઓ ખાવામાંથી મુક્તિ મળશે. 

આ અંગે અમદાવાદ વિભાગના પીઆરઓે પ્રદિપ શર્માના જણાવ્યા મુજબ ભારતીય રેલવેમાં વિકલાંગો માટેની આ પ્રકારની મોબાઇલ એપ પ્રથમ વખત શરૃ કરવામાં આવી  છે. અમદાવાદ વિભાગમાં દર વર્ષે  ૧,૮૦૦  જેટલા વિકલાંગ મુસાફરો કન્સેશન પાસ કઢાવતા હોય છે. 

ટ્રેનમાં મુસાફરી માટેના કન્સેશન પાસ મેળવવા માટે  એક મહિનો લાંબી ચાલતી  પ્રક્રિયા દરમિયાન વિકલાંગ મુસાફરોએ અરજી કરવાથી માંડીને વેરિફિકેશન અને પાસ ઇસ્યુ કરવા સુધીમાં અનેક ધક્કાઓ ખાવા પડતા હોય છે. જેના કારણે તેઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી.   વિકલાંગ મુસાફરોને પડી રહેલી હાલાકી દૂર કરવાના આશયથી  જ  અમદાવાદ વિભાગના વાણિજ્ય વિભાગ દ્વારા મોબાઇલ એપ શરૃ કરવાની દરખાસ્ત કરાઇ હતી.

જેને મંજૂરી મળી જતા ગત શુક્રવારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરના હસ્તે આ એપ વિકલાંગોના હિતાર્થે લોંચ કરવામાં આવી હતી. આ એપના માધ્યમથી વિકલાંગ મુસાફરો ઘરે બેઠા જ ઓનલાઇન અરજી કરી શકશે. તેમના જરૃરી આધાર-પુરાવાઓ અપલોડ કરી શકશે. ઓન લાઇન જ તેમની અરજી સ્વીકારીને વેરિફિકેશનની કાર્યવાહી કરાશે.

ઓનલાઇન અરજીમાં કોઇ ભુલ હશે તો ફોન કરીને અરજદારને જાણ કરીને જરૃરી સુધારા-વધારા પણ કરાવાશે. ઓનલાઇન અરજી કર્યા બાદ ફક્ત કન્સેશન પાસ આપવા માટે  જ  ડીઆરએમ ઓફિસે બોલાવાશે. આમ એક જ ધક્કામાં હવે પાસ નિકળી જશે. મોબાઇલ એપના માધ્યમથી  કન્સેશન પાસની ઇ-કોપી પણ કાઢી શકાશે.

Tags :