Get The App

પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે અધધ ખર્ચ કરાયો, અમદાવાદમાં બી.આર.ટી.એસ.ના ૧૨૩ બસ શેલ્ટર બનાવવા ૭૮ કરોડનો ખર્ચ કરાયો

પચાસ લાખ સુધીની રકમ ખર્ચ કરી બસ શેલ્ટર બનાવાયા બાદ ફરી એને તોડીને રીનોવેટ કરવામાં પણ અઢળક ખર્ચ

Updated: Feb 27th, 2022

GS TEAM

Google News
Google News
પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે અધધ ખર્ચ કરાયો, અમદાવાદમાં બી.આર.ટી.એસ.ના ૧૨૩ બસ શેલ્ટર બનાવવા ૭૮ કરોડનો ખર્ચ કરાયો 1 - image

અમદાવાદ,શનિવાર,26 ફેબ્રુ,2022

અમદાવાદ શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનના નામે બી.આર.ટી.એસ.ના કુલ ૧૪૧ પૈકી ૧૨૩ બસ શેલ્ટર બનાવવા પાછળ ૭૮ કરોડથી પણ વધુની રકમનું આંધણ કરવામાં આવ્યું છે.કેટલાક વિસ્તારમાં તો એક વખત બસ શેલ્ટર બનાવાયા બાદ ફરી જે તે બસ શેલ્ટરને તોડીને તેને રીનોવેટ કરવા પાછળ પણ અઢળક ખર્ચ કરવામાં આવ્યો છે.આમ છતાં હાલમાં પણ બી.આર.ટી.એસ.ની સેવા યથાવત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર વર્ષે આર્થિક મદદ આપે છે.

વર્ષ-૨૦૦૮-૦૯માં હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમના ડ્રીમ પ્રોજેકટ એવી બી.આર.ટી.એસ.નો આરંભ કરાવ્યો હતો.મ્યુનિ.ની બજેટ બેઠક દરમ્યાન મ્યુનિ.વિપક્ષનેતા નિરવબક્ષીએ માંગેલી માહિતીમાં આ વિગત ખુલવા પામી હતી.વર્ષ-૨૦૦૮-૦૯માં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા બી.આર.ટી.એસ.ના પહેલા ફેઝમાં શહેરના વિવિધ વિસ્તારમાં ૬૧ જેટલા બી.આર.ટી.એસ. બસ માટેના બસ શેલ્ટર બનાવવામાં આવ્યા હતા.હાલમાં શહેરમાં કુલ ૧૪૧ બસ શેલ્ટર આવેલા છે.આ પૈકી ૧૨૩ બસ શેલ્ટરની માહિતી આપવામાં આવી હતી.

શહેરમાં ૧૫ બસ શેલ્ટર બનાવવા ૧૩ કરોડ અને ૮૮ લાખથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.બાદમાં ૧૦ બસ શેલ્ટર બનાવવા પાછળ ૧૦ કરોડ અને ૫૦ લાખથી વધુની રકમ ખર્ચ કરવામાં આવી હતી.જયારે ૧૫ બસ શેલ્ટર બનાવવા પાછળ ૧૧ કરોડ અને ૯૬ લાખથી વધુનો ખર્ચ તથા છ બસ શેલ્ટર બનાવવા પાછળ ૬ કરોડ અને ૪૬ લાખથી વધુની રકમનો ખર્ચ કરવામાં આવ્યો હતો.વર્ષ-૨૦૦૮-૦૯માં બી.આર.ટી.એસ. શરુ કરવામાં આવ્યા બાદ શહેરીજનોને એ.એમ.ટી.એસ.ની સાથે બી.આર.ટી.એસ.નો વિકલ્પ મળવાથી શહેરીજનો તેમના વાહનો મુકી અમદાવાદ મ્યુનિ.ની આ બંને પબ્લિક ટ્રાન્સપોર્ટ સર્વિસનો ઉપયોગ કરતા થશે અને શહેરમાં નવા વાહનોની સંખ્યા ઘટશે એવો  ઉદેશ્ય હતો.આમ છતાં શહેરમાં નવા ટુ વ્હીલર અને ફોરવ્હીલરની સંખ્યા સતત વધી રહી છે.

અમદાવાદ મ્યુનિ.દ્વારા બી.આર.ટી.એસ.ને ૨૨૦ કરોડની સહાય અપાઈ

જનમાર્ગ લિમિટેડ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જ એક સંસ્થા છે.જે હેતુ સાથે ૧૪ વર્ષ અગાઉ બી.આર.ટી.એસ.શરૃ કરવામાં આવી હતી તે સિધ્ધ ના થતા બી.આર.ટી.એસ.બસ ઓનરોડ દોડી શકે એ માટે અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વર્ષ-૨૦૨૧-૨૨માં  ૧૧૦ કરોડની  અને વર્ષ-૨૦૨૨-૨૩ના વર્ષ માટે ૧૦૦ કરોડની રકમ આર્થિક સહાય પેટે આપવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

બસ શેલ્ટર પાછળ થયેલ ખર્ચની એક ઝલક

શેલ્ટર          ખર્ચાયેલી રકમ

કાંકરિયા લેક   ૫૧,૮૬,૧૪૮

રામબાગ       ૩૪,૩૦,૪૯૪

મણિનગર      ૬૯,૩૦,૩૩૬

જવાહર ચોક    ૩૭,૧૩,૦૮૫

સોનીની ચાલ   ૮૮,૩૩,૨૬૨

અખબારનગર  ૪૨,૭૨,૮૧૪

પ્રગતિનગર     ૪૨,૭૦,૬૭૮

શાસ્ત્રીનગર     ૪૨,૮૪,૬૧૮

શિવરંજની      ૪૫,૯૪,૦૪૬

નહેરુનગર      ૪૨,૮૮,૪૭૮

અંજલી         ૪૩,૯૦,૧૧૧

નારોલ         ૪૨,૬૩,૯૦૨