અમદાવાદમાં સરેરાશ અડધા ઈંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક
- શહેરમાં વરસાદી માહોલ જામતો નથી
- મણિનગરમાં બાર કલાકમાં 21 મી.મી.વરસાદ,દક્ષિણમાં ભૂવો પડયો
અમદાવાદ, તા. 12 જુલાઇ, 2020, રવિવાર
શહેરમાં સતત ચોથા દિવસે રવિવાર સવારથી સર્જાયેલા વરસાદી માહોલની વચ્ચે ફરી એક વખત શહેરીજનોને સરેરાશ અડધા ઈંચ વરસાદથી સંતોષ માનવો પડયો હતો.રવિવારે રજાના દિવસે અવારનવાર પડતા વરસાદની મજા માણવા શહેરીજનો લટાર મારવા નીકળી પડયા હતા.શહેરમાં રવિવાર સાંજ સુધીમાં સરેરાશ 14.29 મી.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ બાર ઈંચ થવા પામ્યો છે.
મળતી માહીતી પ્રમાણે,શહેરમાં રવિવારે સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો.સવારે છ થી સાતના સમમયમાં શહેરના મધ્ય ઝોનમાં ખાડિયા,રાયપુર ઉપરાંત પશ્ચિમના વિસ્તારોમાં એક મોટુ ઝાપટુ વરસી પડયુ હતુ.
બાદમાં બપોરે 12 થી 1ના સમયમાં કોતરપુરમાં 12,મેમ્કોમાં 11 અને નરોડામાં 10 મી.મી.વરસાદ થયો હતો.વિરાટનગરમાં 10 મી.મી.અને પશ્ચિમના ચાંદખેડામાં 9 મી.મી.વરસાદ થયો હતો.પશ્ચિમના પાલડી,ઉસ્માનપુરા ઉપરાંત દક્ષિણના મણિનગરમાં આ સમયે વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્યુ હતુ.મણિનગરમાં સાંજે છ સુધીમાં 21 મી.મી.વરસાદ થયો હતો.
ચકુડીયામાં 17 મી.મી.જયારે પાલડી અને ઉસ્માનપુરામાં 16 મી.મી.વરસાદ થયો હતો.રવિવારે દક્ષિણ ઝોનમાં એક ભૂવો પડતા તંત્ર દ્વારા સેટલમેન્ટની કામગીરી હાથ ધરવામાં આવી હતી.શહેરમાં સરેરાશ 14.29 મી.મી.વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ 12 ઈંચ થવા પામ્યો છે.વાસણા બેરેજના તમામ દરવાજા બંધ છે.