Get The App

મતદારોને રીઝવતું ગુજરાતનું 64,000 કરોડનું લેખાનુદાન બજેટ

- 'મા અને મા વાત્સલ્ય' યોજના હેઠળનું સુરક્ષા કવચ રૂા.૩ લાખથી વધારી રૂા. ૫ લાખ કર્યું

- આંગણવાડીઓની કાર્યકર બહેનોનો પગાર રૂા. ૬,૩૦૦થી વધારી રૂા.૭૨૦૦ કર્યો

Updated: Feb 19th, 2019

GS TEAM

Google News
Google News
મતદારોને રીઝવતું ગુજરાતનું 64,000 કરોડનું લેખાનુદાન બજેટ 1 - image


પુખ્ત સંતાનોની વિધવા માતાઓને આજીવન પેન્શન: વિધવાઓનું પેન્શન રૂા. ૧,૦૦૦થી વધારી રૂા. ૧,૨૫૦ કર્યું :  : તેડાગર બહેનોને પગાર રૂા. ૩,૨૦૦થી વધારી રૂા.૩૬૫૦ કર્યો

(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા.19 ફેબ્રુઆરી, 2019, મંગળવાર

લોકસભાની આગામી મે મહિના પૂર્વે આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગરીબો, આદિવાસીઓ, ખેડૂતો અને અન્ય વર્ગની પ્રજાને રીતસર મત માટે રીઝવતું લેખાનુદાન બજેટ ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં રજૂ કર્યું હતું.

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ ૧૫ લાખ પરિવારોને વધારાના લાભ આપવા ઉપરાંત તેમણે વિધવાઓને આજીવન પેન્શન આપવાનો નિર્ણય કર્યો છે. વિધવાઓને અપાતું રૂા. ૧૦૦૦નું પેન્શન વધારીને રૂા. ૧૨૫૦ કરવાનો નિર્ણય કર્યો છે. તેમ જ વૃદ્ધોને આપવામાં આવતું પેન્શન રૂા. ૫૦૦થી વધારીને રૂા. ૭૫૦ કરવાનો નિર્ણય કર્યો છે. સવા બે લાખ વિધવાઓને આ પેન્શનમાં વધારો અને આજીવન પેન્શન આપવાના  નિર્ણયને કારણે ગુજરાત સરકાર પર રૂા.૩૪૯ કરોડનો વધારાનો ખર્ચબોજ આવશે. ૨૦૧૯-૨૦ના વાર્ષિક રૂા. ૧,૯૧,૮૧૭ કરોડના કદનું અને ચાર માસના રૂા. ૬૩,૯૩૯ કરોડનું લેખાનુદાન બજેટમાં આજે ગૃહમાં રજૂ કર્યું હતું. આ બજેટમાં ૨૦૧૯-૨૦ દરમિયાન રૂા. ૧,૫૪,૮૮૫ કરોડની મહેસૂલી આવકનો અંદાજ છે અને વાર્ષિક રૂા. ૧,૪૫,૦૨૨.૪૦ કરોડના ખર્ચનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.

નાણાં મંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચાર માસ માટેના લેખાનુદાન બજેટમાં ચાલુ સ્કીમમાં જ માત્ર વધુ નાણાંની ફાળવણી કરવામાં આવેલી છે. નવી યોજનાઓ અને તેના આયોજન સાથેના ખર્ચની વિગતો આગામી જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવનારા પૂર્ણ વાર્ષિક બજેટમાં મૂકવામાં આવશે.

મા વાત્સલ્ય યોજનાના લાભમાં વધારો

મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ ગરીબોને રૂા. ૩ લાખને બદલે રૂા. ૫ લાખનું સુરક્ષા કવચ પૂરું પાડવાનો નિર્ણય લીધો છે. અત્યારે રૂા. ત્રણ લાખનું આરોગ્ય સુરક્ષા કવચનો લાભ ૬૮ લાખ કુટુંબોને મળે છે. આ લાભ હવે ગુજરાતના ૮૦ લાખથી વધુ પરિવારોને મળશે. નવી જાહેરાતને પરિણામે ગુજરાતના ૧૫ લાખ વધુ પરિવારોને તેનો લાભ મળશે. લોકલાગણીને ધ્યાનમાં લઈને આ લાભ મેળવવા માટેની રૂા. ૩ લાખની વાર્ષિક આવક મર્યાદા હતી તે વધારીને રૂા. ૪ લાખ કરવામાં આવી છે.

વૃદ્ધોને અપાતા પેન્શનમાં વધારો

ગુજરાતના સાડા સાત લાખ વૃદ્ધ વડીલોને આપવામાં આવતા પેન્શનમાં ૫૦ ટકા વધારો કરવામાં આવ્યો છે. રૂા. ૫૦૦નું માસિક પેન્શન મેળવતા વૃદ્ધોને માસિક રૂા.૭૫૦નું પેન્શન આપવામાં આવશે. તેને પરિણામે રાજ્ય સરકાર રૂા. ૨૨૨ કરોડનો વધારાનો ખર્ચ કરશે. વૃદ્ધોને અપાતા પેન્શનનો કુલ ખર્ચ વધીને રૂા. ૬૬૯ કરોડ થશે.

વિધવાઓનું પેન્શન વધાર્યું

વિધવા સ્ત્રીનો પુત્ર સગીર મટી પુખ્ત બને તે તબક્કે તેને પેન્શન આપવાનું બંધ કરી દેવામાં આવતું હતું. પરંતુ આ નિયમને બદલીને વિધવા સ્ત્રીઓને આજીવન પેન્શન આપવાનો નિર્ણય ગુજરાત સરકારે આ વરસના બજેટમાં કર્યો છે. તેમ જ તેમનું માસિક પેન્શન રૂા. ૧૦૦૦થી વધારીને રૂા.૧૨૫૦ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બે સુધારાઓ કરવાને પરિણામે ગુજરાતની સવા બે લાખ વિધવાઓને લાભ મળશે અને રૂા. ૩૪૯ કરોડનો વધારાનો ખર્ચ બોજ આવશે.

આંગણવાડીની કાર્યકરને પગાર વધારો

આંગણવાડીઓને ૫૩૦૦૦થી વધી કાર્યકર બહેનોને આપવામાં આવતો પગાર પણ માસિક રૂા. ૬૩૦૦થી વધારીને રૂા. ૭૨૦૦ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ જ રીતે તેડાગર બહેનોને પણ આપવામાં આવતો માસિક રૂા. ૩૨૦૦નો પગાર વધારીને રૂા. ૩૬૫૦ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને માસિક પગારમાં રૂા.૪૫૦નો વધારો આપવામાં આવ્યો છે. જ્યારે આંગણવાડી કાર્યકર બહેનોને મહિને રૂા.૯૦૦નો પગાર વધારો આપવામાં આવ્યો છે.

પાક. જેલમાંના માથીમારો માટે ભથ્થું વધાર્યું

માછીમારોને પણ ખુશ કરતાં તેમણે બોટધારક માછીમારને લીટરદીઠ રૂા.૧૨ની અપાતી વેટ રાહત-સબસિડી વધારીને રૂા.૧૫ કરી દીધી છે.વલસાડ જિલ્લામાં ૨૩૦૦૦થી વધુ સક્રિય માછીમારો હોવાથી નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું નિર્માણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. માછીમારી કરવા દૂર દરિયામાં જતાં માછીમારોને મરીન એજન્સી દ્વારા પકડીને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવાની ઘટના બને ત્યારે તેમના પરિવારને દૈનિક રૂા. ૧૫૦નું અપાતું ભથ્થું વધારીને રૂા.૩૦૦ કરી આપવામાં આવ્યું છે.

આદિજાતિ વિકાસ

ગરીબ અને આદિજાતિના મતદાતાઓને રીઝવવાના હેતુથી જ આ બજેટની બહુધા જોગવાઈ કરવામાં આવેલી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હસ્તકના આઠ નિગમોમાં ઠાકોર-કોળી વિકાસ નિગમ, ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ, અનુસૂચિત જાતિ વિકાસ નિગમ જેવા આઠ નિગમો હેઠળ આપવામાં આવતા ધિરાણની યોજનાઓનો વ્યાપ વધારવા રૂા.૧૦૦ કરોડને બદલે રૂા. ૧૫૦ કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિગમો ભારત સરકારની સંસ્થાઓ પાસેથી વધુ ધિરાણ મેળવીને જરૂરિયાત મંદ લોકોને સ્વરોજગારી અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે પ્રોત્સાહન આપી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી બૅન્ક ગેરન્ટી પણ આપવામાં આવશે.

ગુજરાતની આશા વર્કરોને આપવામાં આવતા માનદ વેતનમાં માસિક રૂા. ૨૦૦૦નો વધારો કરવામાં આવ્યો છે. નાણાં મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૭-૧૮માં રાજ્યના અર્થતંત્રનો વિકાસ દર ૧૧.૨ ટકાનો રહ્યો છે. દેશની કુલ વસ્તીના ૫ ટકા જેટલી જ વસતી ધરાવતા ગુજરાતનો જીડીપીમાંનો ફાળો ૭.૮ ટકાનો છે.

૨૦૧૭-૧૮ના નાણાંકીય વર્ષ દરમિયાન ગુજરાતની માથાદીઠ આવક વધીને રૂા. ૧,૭૪,૬૫૨ની થઈ હતી. જે અગાઉના વર્ષ કરતાં ૧૨.૬ ટકા વધારે હતી. દેશના અન્ય રાજ્યની તુલનાએ ગુજરાતની માથાદીઠ આવક ૫૪.૮ ટકા ઊંચી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળના ૪૦ લાખ લાભાર્થીઓને ઓળખી કાઢવાની કવાયત સરકારે જોરશોરથી ચાલુ કરી દીધી છે.

Tags :