ધો.૧૦ના ગુજરાતી અને અંગ્રેજી વિષયના પેપર એકંદરે સરળ
વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાના પહેલા દિવસે ધો.૧૦માં મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રથમ ભાષા તરીકે ગુજરાતી અથવા અંગ્રેજીની પરીક્ષા આપી હતી.જેમાં ગુજરાતનુ પેપર એકંદરે સરળ રહ્યુ હતુ.પેપરમાં જોકે ચાર માર્કનો છબરડો ચર્ચાનો વિષય બન્યો હતો.
આ વિષયના શિક્ષક કૃતિકા દેશમુખે કહ્યુ હતુ કે, પેપર પાઠયપુસ્તક પર આધારિત હતુ.વ્યાકરણ વિભાગ સરળ હતો.જ્યારે ડી વિભાગ સૌથી સરળ હતો.જેમાં સમયનુ મહત્વ તેમજ પરિશ્રમ પર આધારિત વિચાર વિસ્તાર પૂછવામાં આવ્યો હતો.જ્યારે મોબાઈલના લાભાલાભ અને ગામડાનુ જીવન..વિષય પર નિબંધ પૂછવામાં આવ્યો હતો.જોકે ચાર માર્કના એક પ્રશ્નમાં બરકત વિરાણી બેફામની કાવ્ય પંક્તિને રઈસ મણિયારના નામથી પૂછવામાં આવી હતી.આમ પેપરમાં ભૂલથી વિદ્યાર્થીઓને ચાર માર્કનુ નુકસાન જાય તેમ છે.બોર્ડે આન્સર કીમાં આ ભૂલ સુધારી લેવાની જરુર છે.
ધો.૧૦ના અંગ્રેજી વિષયના પેપર અંગે શિક્ષક હાર્દિક શાહે કહ્યુ હતુ કે, આજનુ પેપર પાઠય પુસ્તકના આધારે તૈયારી કરનારા વિદ્યાર્થીઓને સરળ લાગ્યુ હશે.ચાઈલ્ડ હૂડ મેમરીઝ અને ટયુશન ઈન એજ્યુકેશન ..વિષય પર નિબંધ પૂછાયા હતા.વ્યાકરણના પ્રશ્નો પણ એકંદરે સહેલા હતા.
ફિઝિક્સના પેપરમાં પાંચ માર્કના એમસીક્યૂ અઘરા
ધો.૧૨ સાયન્સમાં ફિઝિક્સના પેપર અંગે શિક્ષક પવન પટેલના જણાવ્યા અનુસાર ધો.૧૨ના વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડ પરીક્ષા આપી રહ્યા હોવાનુ ધ્યાન પેપરમાં રાખવામાં આવ્યુ હતુ અને સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓને પણ નુકસાન ના થાય તે જોવાયુ હતુ.બે માર્કના પ્રશ્નો સરળ હતા અને ત્રણ માર્કસના પ્રશ્નો યોગ્ય તૈયારી કરતા વિદ્યાર્થીઓ સરળતાથી લખી શકે તેમ હતા.ચાર માર્કના પ્રશ્નો પણ સહેલા હતા.પાંચ એમસીક્યૂને છોડીને બીજા તમામ એમસીક્યૂ પણ સહેલા હતા.
એકાઉન્ટનુ પેપર વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે તેવુ
ધો.૧૨ના આજના એકાઉન્ટના પેપર અંગે વિષય શિક્ષક ઈન્દ્રવદન પટેલે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે, વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધારે તેવુ અને સંપૂર્ણપણે પાઠય પુસ્તક આધારિત પેપર હતુ અને બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે જ પેપર સેટ કરાયુ હતુ.વિભાગ ઈના બે તેમજ વિભાગ એફના ત્રણેક હવાલા વ્યવહાર સહિતના પાંચ માર્કના પ્રશ્નો વિદ્યાર્થીઓની કસોટી કરે તેવા હતા.બાકીનુ પેપર વિદ્યાર્થીઓને સરળ લાગ્યુ હશે