Get The App

ગુજરાત યુનિ.ને દેશની ટોપ 50 યુનિ.માં સ્થાન ખાનગી યુનિ.ઓ ટોપ-100માંથી પણ બાકાત

- કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ રેન્કિંગ -2020નો રિપોર્ટ જાહેર

- ઓવરઓલ રેન્કિંગમાં દેશની ટોપ 100 શૈક્ષણિક સંસ્થામાં IIT ગાંધીનગર 35મા અને ગુજરાત યુનિ.માં 60મા ક્રમ સાથે રાજ્યની બે જ સંસ્થાનો સમાવેશ

Updated: Jun 11th, 2020

GS TEAM


Google News
Google News
ગુજરાત યુનિ.ને દેશની ટોપ 50 યુનિ.માં સ્થાન ખાનગી યુનિ.ઓ ટોપ-100માંથી પણ બાકાત 1 - image


અમદાવાદ, તા. 11 જૂન, 2020, ગુરૂવાર

કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા આજે 2020નો નેશનલ રેન્કિંગ રિપોર્ટ (નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક-એનઆઈઆરએફ) જાહેર કરવામા આવ્યો છે.જેમાં ઓવરઓલ રેન્કિંગમાં દેશની ટોપ 100 શૈક્ષણિક સંસ્થાઓમાં આઈઆઈટી ગાંધીનગર 35માં ક્રમે આવી છે અને ગુજરાત યુનિ.60માં ક્રમે આવી છે.

ગુજરાતની બે જ સંસ્થા ટોપ 100માં સ્થાન મેળવી ચુકી છે.જ્યારે યુનિવર્સિટી કેટેગરીમાં દેશના ટોપ 50 રેન્કમાં 44મા રેન્ક સાથે ગુજરાત યુનિ.ને સ્થાન મળ્યુ છે.ગુજરાતની 70 જેટલી સરકારી-ખાનગી યુનિ.ઓમાંથી એક જ સરકારી યુનિવર્સિટી દેશની ટોપ 100 યુનિ.માં સ્થાન પામી શકી છે. જે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણની ગુણવત્તાના અને સ્ટડી ઈન ગુજરાતના દાવાને પોકળ સાબીત કરે છે.

ગુજરાત સરકારે રાજ્યમાં બિલાડીના ટોપની જેમ નવી નવી ખાનગી યુનિ.ઓને મંજૂરી આપવા સાથે સરકારી ફિલ્ડ યુનિ.ઓ શરૂ કરી છે ત્યારે હાલ રાજ્યમાં 15થી16  જેટલી સરકારી વોકેશનલ અને ફિલ્ડ યુનિવર્સિટી તેમજ સરકારી એગ્રિકલ્ચર યુનિ.ઓ અને અન્ય ખાનગી સહિત અંદાજે 70 યુનિ.ઓ છે.

પરંતુ જેમાંથી એક માત્ર એવી સરકારી અને રાજ્યની સૌથી જુની એવી ગુજરાત યુનિવર્સિટી દેશની ટોપ 100 શૈક્ષણિક સંસ્થામાં સ્થાન પામી છે. એમએચઆરડી દ્વારા 2016થી શરૂ કરાયેલા નેશનલ રેન્કિંગ-એનઆઈઆરએફમાં દર વર્ષે ફેબુ્ર-માર્ચમાં નેશનલ રેન્કિંગ રીપોર્ટ જાહેર થાય છે ત્યારે ચોથા વર્ષનો 2020નો રીપોર્ટ કોરોનાને લઈને થોડા મહિના મોડો આજે જાહેર કરવામા આવ્યો છે.

આ રીપોર્ટ મુજબ ઓવર ઓલ રેન્કિંગમાં દેશની ટોપ 100 સંસ્થામાં આઈઆઈટી ગાંધીનગર 35મા ક્રમે આવી છે જે ગત વર્ષે 2019માં 51માં રેન્ક પર હતી .જ્યારે ગુજરાત યુનિવર્સિટી 60માં ક્રમે આવી છે અને ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ચાર વર્ષના રેન્કિંગ રીપોર્ટમાં પ્રથમવાર ટોપ-100માં આવી છે.

ગુજરાત યુનિ.ના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડયા દ્વારા નેશનલ રેન્કિંગમાં ટોપ 100માં સ્થાન મેળવવા માટે અને નેકમાં એ ગ્રેડ મેળવવા છેલ્લા બે વર્ષથી અનેક નવા ઈન્ફ્રાસ્ટ્રકચર અને એકેડમિક સુધારા-વધારા સાથે પ્રયત્નો કરવામા આવી રહ્યા હતા અને તેઓની મહેનતનું ખરેખર પરિણામ લોકો સામે આવે તે પહેલા જ તેઓની ગત મહિને ટર્મ પુરી થઈ ગઈ છે.

જો કે કોઈ પણ યુનિ.માટે તેની સિદ્ધીનો શ્રેય દેખીતી રીતે તેના વડા એટલે કે કુલપતિને જતો હોય છે ત્યારે જેને મળવો જોઈકે લેવો જોઈએ તે હાલ  વડા તરીકે છે નહી અને જે છે તે લઈ શકે તેમ નથી, જે ખરેખર મોટી કરૂણતા છે.અગાઉ ટોપ 100માં પણ એકવાર પણ ન આવનારી ગુજરાત યુનિ.એકાએક 44માં રેન્ક્ પર આવી ગઈ હોવા પાછળ યુનિ.માં થતા કેપિટલ એક્સિપેન્ડિચર તેમજ સ્ટાર્ટઅપ-પેટન્ટ અને રીસર્ચથી માંડી યુવા પ્રોફેસરોની મહેનત કારણભૂત છે.

જો કે ગુજરાતના ઉચ્ચ શિક્ષણમાં   રાજ્યની જુની વોકેશનલ સરકારી યુનિ.માં ગુજરાત યુનિ.આમ તો પ્રથમ આવી છે અને દેશમાં 44માં ક્રમે આવી છે અને અન્ય એક પણ જાણીતી ખાનગી યુનિવર્સિટી કે સરકારી યુનિ.માં ટોપ 100માં પણ આવી નથી ત્યારે ગુજરાત યુનિ.માટે આ ઐતિહાસિક સિદ્ધી માટે પૂર્વ કુલપતિ તેમજ હાલના ઈન્ચાર્જ કુલપતિ જગદિશ ભાવસાર અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ ખુશી અનુભવી હતી.

ચાર વર્ષે પણ હજુ ગુજરાતની અનેક કોલેજો-યુનિ.ઓ અરજી જ કરતી નથી

નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કમાં કેન્દ્ર સરકારના અનેકવારના પ્રોત્સાહનો બાદ પણ હજુ ગુજરાત સહિત દેશની અનેક યુનિવર્સિટીઓ અને કોલેજો રેન્કિંગ માટે અરજી જ કરતી નથી.આ રેન્કિંગમાં ઈન્સપેકશન વગર   સંસ્થાએ કરેલ અરજી અને વિવિધ પેરામીટર્સ મુજબ સબમીટ કરેલા ડોક્યુમેન્ટસના આધારે રેન્કિંગ અપાતો હોય છે ત્યારે ગુજરાતની અનેક યુનિ.ઓ અરજી કરવામા રસ લેતી નથી.ગુજરાતમાંથી કેટલીક સરકારી યુનિ.ઓ પણ અરજી કરતી નથી.

મેડિકલ-ડેન્ટલ તેમજ આર્કિટકેચર,લૉ સહિતના ફિલ્ડમાં કોલેજો-સંસ્થા અરજી  જ નથી કરતી ત્યારે રેન્ક તો દૂરની વાત છે.જ્યારે નેશનલ રેન્કિંગ રીપોર્ટ બાદ એવી પણ ચર્ચા ઉચ્ચ શિક્ષણમાં સાંભળવા મળી હતી કે જે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સટી ગત વર્ષે ઓવરઓલ રેન્કિંગમાં ટોપ-100માં 96મા ક્રમે અને યુનિ.રેન્કિંગમાં ટોપ 100માં 67માં ક્રમે આવી હતી ત્યારે આ વર્ષના રેન્કિંગમાં ક્યાંય જોવા પણ મળી નથી તો શું એક જ વર્ષમાં એગ્રિકલ્ચર યુનિ.ની ગુણવત્તા ઘટી ગઈ કે અન્ય યુનિ.ની વધી ગઈ ?

દેશની ટોપ 100 કોલેજોમાં ગુજરાતની બે કોલેજનો રેન્ક

નેશનલ રેન્કિંગ રિપોર્ટમા દેશની ટોપ 100 કોલેજમાં ગુજરાતની બે જ કોલેજનો સમાવેશ થયો છે. ચાંગાની ચારૂસેટ યુિ.ની પી.ડી પટેલ ઈન્સ્ટિટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સ  કોલેજનો એનઆઈઆરએફમાં 61.01 સ્કોર સાથે 24મો રેન્ક આવ્યો છે અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજે 53.93 સ્કોર સાથે 59મો રેન્ક મેળવ્યો છે.ગત વર્ષે સેન્ટ ઝેવિયર્સ 56મા ક્રમે હતી અને પી.ડી પટેલ કોલેજ 26મા રેન્ક પર હતી.

લાખો રૂપિયા ફી લેતી ગુજરાતની જાણીતી  સંસ્થાઓ

નિરમા,પીડીપીયુ અને DAIICT ટોપ 100 એન્જિનિયરિંગ સંસ્થાઓમાં પણ ન આવી

મેડિકલ, ડેન્ટલની ટોપ કોલેજોમાં ગુજરાતની એકેય નહી લૉમા GNLU 7મા અને સેપ્ટ આર્કિટેકચરમાં ચોથા ક્રમે

અમદાવાદ,મંગળવાર

લાખો રૂપિયા ફી લેતી રાજ્યની જાણતી ખાનગી યુનિ.ઓ દેશના ઓવરઓલ નેશનલ રેન્કિંગમાં તો ઠીક પરંતુ યુનિવર્સિટી રેન્કિંગમાં પણ નથી આવી.એટલુ જ નહીં એન્જિનિયરિંગ સંસ્થાઓના રેન્કિંગમાં જાહેર કરાયેલા ટોપ 200 રેન્કમાં  100 રેન્ક પછીના રેન્કમાં આવી છે.

પીડીપીયુ,નિરમા અને ડીએઆઈઆઈસીટી સહિતની ટેકનિકલ-પ્રોફેશનલ શિક્ષણમાં ટોપ ગણાતી અને વિદ્યાર્થીઓની પ્રથમ પસંદ ગણાતી યુનિ.ઓનું પ્લેસમેન્ટથી માંડી એકેડમિક સ્તર અન્ય યુનિ.ઓ કરતા ઊંચુ છે પરંતુ નેશનલ રેન્કિંગમાં કેમ પાછળ આવે છે તે પ્રશ્ન છે.

આજે જાહેર થયેલા નેશનલ રેન્કિંગ રિપોર્ટ (એનઆઈઆરએફ)-2020માં ઓવરઓલ રેન્કિંગમાં કે યુનિવર્સિટી રેન્કિંગમાં આ યુનિ.ઓ ટોપ-100માં ક્યાંય સ્થાન પામી નથી .જ્યારે એન્જિનિયરિંગ કેટેગરીમાં ટોપ 200 રેન્કમાં ડીએઆઈઆઈસીટી 111માં, નિરમા યુનિ.131માં અને પીડીપીયુ 177માં ક્રમે આવી  છે.

ડીએઆઈઆઈસીટી ગત વર્ષે ટોપ 100 એન્જિનિયરિંગ કોલેજોમાં 91માં ક્રમે હતી.જો કે નિરમા યુનિવર્સિટી દેશની ટોપ 75 મેનેજમેન્ટ સંસ્થાઓમાં 44મા ક્રમે આવી છે જે ગત વર્ષે 40મા ક્રમે હતી અને પીડીપીયુ ટોપ 75માં 74માં ક્રમે દેશની ટોપ મેનેજમેન્ટ સંસ્થામાં સ્થાન પામી છે.

આ ઉપરાંત ફાર્મસીમાં  નિરમા યુનિ.માં ટોપ 75 કોલેજોમાં 17મા ક્રમે આવી છે.આ વર્ષે એન્જિનિયરિંગ કેટેગરીમાં વધુ અરજીઓ આવી હોઈ 100ને બદલે 200 રેન્ક અપાયા છે અને 100 બેન્ડ અપાયા છે સાથે 300 લિસ્ટીંગમાં છે.જેમાં આઈઆઈટી ગાંધીનગર 24મા ક્રમે આવી છે અને એસવીઆઈટી 54મા ક્રમે આવી છે .

લૉ કેટગરીમાં જીએનએલયુ ટોપ 20માં 7મા ક્રમે અને આર્કિટેકચરમાં સેપ્ટ યુનિ.ટોપ 20માં ચોથા ક્રમે આવી છે.મેડિકલમાં જાહેર થયેલી ટોપ 40 કોલેજોની યાદીમાં ગુજરાતની એક પણ કોલેજ નથી અને આ વર્ષે પ્રથમવાર જાહેર થયેલી ટોપ 30 ડેટન્લ કોલેજોની યાદીમાં પણ ગુજરાતની એક પણ નથી.

Tags :