Gujarat

એજ્યુકેશન કાઉન્સિલને પાંચ વર્ષે કાર્યરત કરવા સરકારની તૈયારી

By GS Team
25 Jan 20222 mins read
This article was originally published on 25 Jan 2022
એજ્યુકેશન કાઉન્સિલને  પાંચ વર્ષે કાર્યરત કરવા સરકારની તૈયારી

અમદાવાદ

ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૬માં વિધાનસભામાં ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલ એક્ટ પસાર કર્યા બાદ ૨૦૧૭માં વિધિવત રીતે નોટિફિકેશન જાહેર કરી દેવાયુ હતુ પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ કાઉન્સિલ એક રીતે કાગળ પર જ છે અને હજુ સુધી કાર્યરત નથી ત્યારે સરકારે હવે પાંચ વર્ષે કાર્યરત કરવા માટે તૈયારી શરૃ કરી છે.

ગુજરાત સ્ટેટ હાયર એજ્યુકેશન કાઉન્સિલના પ્રેસિડેન્ટ મુખ્યમંત્રી, વાઈસ પ્રેસિડેન્ટ શિક્ષણમંત્રી અને કો-વાઈસ પ્રેસિડેન્ટ રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી છે.આખી સરકાર બદલાઈ ગઈ છે પરંતુ હજુ સુધી કાઉન્સિલ  કાગળ પર જ છે.કાઉન્સિલમાં શિક્ષણ વિભાગના  અગ્ર સચિવથી માંડી વિવિધ વિભાગના સેક્રેટરી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે કુલ ૧૫ મુખ્ય સભ્યો છે.જેમાં ત્રણ મંત્રીઓ બાદ ચોથા મુખ્ય સભ્ય તરીકે એક્ઝિક્યુટિવ  કમિટીના ચેરમેન છે.એક્ટની જોગવાઈઓ મુજબ એક્ઝિક્યુટિવ કમિટી રચવાની હોય છે અને જેના દ્વારા કાઉન્સિલનું વિધિવત રીતે સંચાલન થાય છે.પરંતુ મહત્વની વાત એ છે કે કાઉન્સિલની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન જ નિમાયા નથી.અગાઉ ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્રસચિવ જ કાર્યકારી ચેરમેન રહ્યા હતા પરંતુ જેઓની બદલી થયા બાદ હવે નવા કાર્યકારી ચેરમેન બાબતે પણ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી ત્યારે સરકારે અગાઉ ચેરમેન ન નિમવા રચેલી ત્રણ સભ્યોની કમિટીને પણ અઢી વર્ષ થઈ ગયા છે.

એક્ટની જોગવાઈ મુજબ એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન નિમવા સરકારે ત્રણ શિક્ષણવિદોની કમિટી રચવાની હોય છે ત્યારે અઢી વર્ષ પહેલા ગુજરાત યુનિ.ના કુલપતિ,મધ્ય ગુજરાત યુનિ.ના કુલપતિ અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ સહિત ત્રણ કુલપતિઓની એક કમિટી રચાઈ હતી અને જેના ચેરમેન તે સમયે મધ્ય ગુજરાત યુનિ.ના કુલપતિ હતા જ્યારે હવે નવી કમિટીમાં ત્રણેય સભ્ય એ જ છે પરંતુ હોદ્દા બદલાતા હવે ચેરમેન ગુજરાત યુનિ.ના કુલપતિ છે. આ કમિટીએ ત્રણ નામો નક્કી કરી સરકારને આપવાના હતા  પરંતુ ત્રણ નામો હજુ નક્કી ન થતા અઢી વર્ષ બાદ હવે સરકારે ફરી વાર ત્રણેય કુલપતિઓને કાગળ લખીને ત્રણ નામો નક્કી કરવાની પ્રક્રિયા શરૃ કરવા જણાવ્યુ છે.જેથી સરકારે કાઉન્સિલને વિધિવત રીતે કાર્યરત કરવા માટે હરકતમા આવી હોય તેવુ લાગી રહ્યુ છે.