હેક્ટર દીઠ ડુંગળીનું ઉત્પાદન કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે
ગુજરાતમા પ્રતિ હેક્ટરે ખેડૂતો 2400 કિલોગ્રામ ડુંગળી ઉત્પાદિત કરે છે : ભારતનો ખેડૂત 1700 કિલોગ્રામ મેળવે છે
ગાંધીનગર : સમગ્ર દેશ સહિત ગુજરાતમાં ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે ત્યારે મહત્વની બાબત એવી સામે આવી છે કે સમગ્ર દેશમાં ડુંગળી પકવતા ખેડૂતો પૈકી ગુજરાતનો ખેડૂત વધારે ડુંગળી પકવી રહ્યો છે. કૃષિ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં પ્રતિ હેક્ટર 2400 કિલોગ્રામ ડુંગળી થાય છે જ્યારે ભારતની એવરેજ 1700 કિલોગ્રામ છે.
ગુજરાતમાં ડુંગળીનો પાક સામાન્ય રીતે શિયાળામાં લેવાય છે. રાજ્યમાં 40 હજાર હેક્ટર જેટલી જમીનમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી, જામનગર અને રાજકોટમાં ડુંગળીનું વાવેતર વધારે થાય છે. ગુજરાતનો ભાવનગર જિલ્લો એવો છે કે જ્યાં ડુંગળીનું ભારતભરમાં સૌથી વધુ ઉત્પાદન થાય છે.
દેશના રાજ્યોમાં પ્રતિવર્ષ સરેરાશ 13,15,200 હેક્ટર વિસ્તારમાં ડુંગળીનો પાક લેવાય છે જેમાં ગુજરાતનો હિસ્સો માત્ર ચાર ટકા છે.વ્યાપારીઓની નફાખોરી અને સંગ્રહાખોરીના કારણે ડુંગળી, બટાટા અને ટામેટાંના ભાવ ઉંચકાય છે. ગુજરાતના છૂટક માર્કેટમાં આજે ડુંગળી 60 થી 70 રૂપિયે કિલોગ્રામના ભાવે વેચાય છે. આ ડુંગળી સામાન્ય સંજોગોમાં 10 રૂપિયે કિલોગ્રામ મળતી હોય છે. આ વખતે વધતા જતાં ભાવોના કારણે કેન્દ્ર સરકારે ડુંગળીની વિદેશમાંથી આયાત કરવી પડી છે.
ભારતના રાજ્યો પૈકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ડુંગળીનો વધારે પાક લેવાય છે. એ ઉપરાંત ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, પશ્ચિમબંગાળ અને ઉત્તરપ્રદેશમાં ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળીની ઉત્પાદકતાની બાબતમાં ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે સ્પર્ધા છે. રાજ્યના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતમાં ઉત્પાદિત થતી ડુંગળીની નિકાસ થતી હોવાથી ઘણીવાર માંગ સામે પુરવઠો ઓછો મળે છે તેથી ભાવમાં વધારો થાય છે.