Get The App

પગારવધારો થયો તેવા ગુજરાતના 182 ધારાસભ્યોમાંથી 141 કરોડોની સંપત્તિ ધરાવે છે

- ધારાસભ્યોએ 'દલા તરવાડી' જેમ 65%નો પગાર વધારો મેળવ્યો છે ત્યારે આ પણ વાસ્તવિક્તા

- ભાજપના 99માંથી 84, કોંગ્રેસના 77માંથી 54 ધારાસભ્યો કરોડપતિ: 182 ધારાસભ્યોની સરેરાશ રૂ. 8.03 કરોડની સંપત્તિ

Updated: Sep 22nd, 2018

GS TEAM


Google News
Google News

અમદાવાદ, તા. 21 સપ્ટેમ્બર 2018 શનિવાર

ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોના પગારમાં અધધધ ૬૫%નો વધારો કરવામાં આવતા નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ગુજરાતના ૧૮૨માંથી ૧૪૧ એટલે કે ૭૭% ધારાસભ્યો કરોડપતિ છે. જે કરોડપતિ ધારાસભ્યો છે તેમાંથી ભાજપના ૯૯માંથી ૮૪, કોંગ્રેસના ૭૭માંથી ૫૪, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, નવા પગારધોરણ અનુસાર ગુજરાતના ધારાસભ્યોને મહિને રૃપિયા ૧.૧૬ લાખનો જ્યારે મંત્રીઓ-વિધાનસભામાં મહત્વનો હોદ્દો ધરાવનારાઓને રૃ. ૧.૩૨ લાખનો પગાર મળશે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ જારી કરવામાં આવેલી વિગતો અનુસાર ભાજપના સૌરભ પટેલ સૌથી વધુ રૃ. ૧૨૩ કરોડની સંપત્તિ ધરાવે છે.

ભાજપના જ ધનજીભાઇ પટેલ, કોંગ્રેસના જવાહર ચાવડાની પણ રૃપિયા ૧૦૦ કરોડથી વધુની સંપત્તિ છે. ડિસેમ્બર ૨૦૧૭ અનુસાર સૌથી ઓછી સંપત્તિ હોય તેવા ધારાસભ્યોમાં રૃ. ૧૦.૨૫ લાખ સાથે વડગામના ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણીનો સમાવેશ થાય છે.

ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો સરેરાશ રૃ. ૮.૪૬ કરોડની સંપત્તિ ધરાવે છે. પક્ષ પ્રમાણે જોવામાં આવે તો ભાજપના ૯૯ ધારાસભ્યો પાસે રૃ. ૧૦.૬૪ કરોડ, ૭૭ ધારાસભ્યો પાસે રૃ. ૫.૮૫ કરોડ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો પાસે રૃ. ૨.૭૧ કરોડ જ્યારે ૩ અપક્ષ ધારાસભ્યો પાસે રૃ. ૫૩.૮૬ લાખની સરેરાશ સંપત્તિ છે.

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો પાસે સરેરાશ રૃ. ૮.૦૩ કરોડની સંપત્તિ હતી. ડિસેમ્બર ૨૦૧૭ની વિગત અનુસાર ભાજપના ૯૯માંથી ૭, કોંગ્રેસના ૭૭માંથી ૧૦ ધારાસભ્યોએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું નથી. આવી જ રીતે ભાજપના ૯૯માંથી ૮, કોંગ્રેસના ૭૭માંથી ૪ ધારાસભ્યોએ એ વખતે એફિડેવિટમાં આવકનો સ્ત્રોત દર્શાવવાનું ટાળ્યું હતું.

સૌથી વધુ સંપત્તિ ધરાવતા ધારાસભ્યો

ધારાસભ્યો    બેઠક    પક્ષ    કુલ સંપત્તિ
સૌરભ પટેલ    બોટાદ    ભાજપ    રૃ. ૧૨૩.૭૮ કરોડ
ધનજીભાઇ પટેલ    વઢવાણ    ભાજપ    રૃ. ૧૧૩. ૪૭ કરોડ
જવાહર ચાવડા    માણાવદર    કોંગ્રેસ    રૃ. ૧૦૩.૬૭ કરોડ
પબુભા માણેક    દ્વારકા    ભાજપ    રૃ. ૮૮.૪૨ કરોડ
સંતોકબહેન આરેઠિયા    રાપર    કોંગ્રેસ    રૃ. ૮૨.૦૨ કરોડ
રમણ પટેલ    વિજાપુર    ભાજપ    રૃ. ૫૬.૫૬ કરોડ
કાંતિભાઇ બલાર    સુરત ઉત્તર    ભાજપ    રૃ. ૫૩.૯૯ કરોડ
પરસોતમ સોલંકી    ભાવનગર ગ્રામ્ય    ભાજપ    રૃ. ૪૫.૯૯ કરોડ
વલ્લભ કાકડિયા    ઠક્કરબાપા નગર    ભાજપ    રૃ. ૩૫.૩૮ કરોડ
ડો. નીમા આચાર્ય    ભૂજ    ભાજપ    રૃ. ૩૪.૭૪ કરોડ
(* એડીઆર દ્વારા દ્વારા ડિસેમ્બર ૨૦૧૭માં જારી કરાયેલા આંકડાને આધારે)

ફોન બિલ માટે ધારાસભ્યોને રૃ. ૪ હજાર ચૂકવાતા આશ્ચર્ય

નવા પગારધોરણ અનુસાર ગુજરાતના ધારાસભ્યોને મહિને રૃપિયા ૪ હજાર ફોન બિલ પેટે ચૂકવવામાં આવશે. જેની સાથે એવી ચર્ચાએ વેગ પકડયો છે કે હવે કોઇ પણ મોબાઇલ કંપનીનો અનલિમિટેડ કોલ્સ, અનલિમિટેડ એસએમએસ તેમજ દિવસના ૩ જીબી ડેટાનો પેકેજ મહત્તમ રૃપિયા ૫૦૦માં પ્લાન મળી જતો હોય છે.  આ સ્થિતિમાં લેન્ડલાઇન ફોન કે જેનો ઉપયોગ ભાગ્યે જ હવે કોઇ દ્વારા કરવામાં આવે છે તેનું મહત્તમ રૃપિયા ૧ હજારનું બિલ ગણીએ તો પણ ધારાસભ્યોનું મહિનાનું કુલ ફોન બિલ રૃ. ૧૫૦૦થી રૃ. ૨ હજાર વચ્ચે આવે. આમ, પગારવધારા વખતે ફોન બિલમાં રૃપિયા ૪ હજાર આપવા તે પાછળનો તર્ક ગળે ઉતરતો નથી.

કયા ધારાસભ્યો પાસે સરેરાશ કેટલી સંપત્તિ?

સંપત્તિ ધારાસભ્યો

રૃ. ૧૦ કરોડથી વધુ    ૩૩
રૃ. ૫ કરોડથી રૃ. ૧૦ કરોડ    ૨૩
રૃ. ૧ કરોડથી રૃ. ૫ કરોડ    ૮૫
રૃ. ૨૦ લાખથી રૃ. ૧ કરોડ    ૩૭
રૃપિયા ૨૦ લાખથી ઓછી    ૦૪

કયા પક્ષના કેટલા ધારાસભ્યો કરોડપતિ?

પક્ષ કુલ ધારાસભ્યો કરોડપતિ ધારાસભ્યો સરેરાશ
ભાજપ    ૯૯    ૮૪    ૮૫%
કોંગ્રેસ    ૭૭    ૫૪    ૭૦%
બીટીપી    ૦૨    ૦૨    ૧૦૦%
એનસીપી    ૦૧    ૦૧    ૧૦૦%
અપક્ષ    ૦૩    ૦૦    ૦૦%
કુલ    ૧૮૨    ૧૪૧    ૭૭%

Tags :