હાઇકોર્ટે વર્તમાન સ્થિતિના કારણે ઉનાળુ વેકેશન રદ કર્યુ
વધુ કેસો અંગે આગામી સમયમાં નિર્ણય કરાશે
11 મેથી 7 જૂન સુધી નક્કી કરાયેલું વેકેશન રદ કરવા વકીલોએ પણ રજૂઆત કરી હતી
અમદાવાદ,
ગુરૃવાર
કોરોના વાઇરસે સર્જેલી મહામારીની પરિસ્થિતિના કારણે ગુજરાત
હાઇકોર્ટે ઉનાળુ વેકેશન રદ કરવાનો નિર્ણય કરાયો છે. વકીલોની રજૂઆત તેમજ વર્તમાન
પરિસ્થિતિને અનુલક્ષઈને ૧૧ મેથી ૭ જૂન સુધી નક્કી કરાયેલું વેકેશન રદ થયું છે.
અત્યારે એક ડિવીઝન બેન્ચ અને જરૃર પડે તેટલી સિંગલ બેન્ચ વીડિયો કોન્ફરન્સિંગના
માધ્યમથી અરજન્ટ કેસોની સુનાવણી કરી રહી છે.
હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા આજે જારી કરાયેલા
પરિપત્રમાં સૂચના આપવામાં આવી છે કે અગાઉ ૧૧મી મેથી ૭મી જૂન સુધી હાઇકોર્ટનું
ઉનાળુ વેકેશન નક્કી કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશની રજૂઆત
તેમજ વર્તમાન મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વેકેશન રદ કરવાનો નિર્ણય
કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે અગાઉ જાહેર કરેલા ઉનાળુ વેકેશન સંલગ્ન પરિપત્રો
પણ રદ કરવામાં આવ્યા છે. હાલ હાઇકોર્ટમાં એક ડિવીઝન બેન્ચ તેમજ જરૃર પડે તેટલી
સિંગલ બેન્ચ વીડિયો કોન્ફરન્સથી સુનાવણી હાથ ધરી રહી છે. આ વ્યવસ્થામાં આગામી
સમયમાં પરિસ્થિતિ અનુસાર ફેરફાર કરવામાં આવશે તેવો ઉલ્લેખ પરિપત્રમાં કરવામાં
આવ્યો છે.