Get The App

વેપાર સારી રીતે ન ચાલતો હોય તો આષિમા 'શટર' પાડી દે : હાઇકોર્ટ

સાબરમતી પ્રદૂષણ મુદ્દેના સુઓમોટોમાં કોર્ટનો નિર્ણય

ટેક્સટાઇલ એકમોને ફરી કનેક્શન આપવાની માંગણી ફગાવી : પર્યાવરણના ભોગે ઉદ્યોગો ચાલવા ન દેવાય

Updated: Feb 12th, 2022

GS TEAM

Google News
Google News

અમદાવાદ, શુક્રવાર

સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો કાર્યવાહીના પરિણામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના સંખ્યાબંધ ટેક્સટાઇલ એકમોના સુએજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. કંપનીઓ દ્વારા કનેક્શન પરત મેળવવા માટે કરાયેલી ૧૫થી વધુ અરજીઓ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. અરવિંદ લિમિટેડના ત્રણેય એકમોમાં એઝ.એલ.ડી. (ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ)ની પદ્ધતિને મ્યુનિસિપલ કોર્પોરેશન અને જી.પી.સી.બી. દ્વારા માન્યતા મળી હોવાથી તેઓ સુએજ લાઇનમાં પ્રદૂષિત પાણી નહીં ઠાલવે તેવી નોઁધ પણ કોર્ટે કરી છે.


સુએજ જોડાણ ફરી આપવાની ટેક્સટાઇલ એકમોની અરજીઓ મ ુદ્દે જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે ચુકાદો આપી અરજીઓ ફગાવી છે. ખંડપીઠે આદેશમાં બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ પ્રમાણે મ્યુનસિપિલ ડ્રેઇનની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો છે. આ વ્યાખ્યા અને તેની જોગવાઇ પ્રમાણે ઔદ્યોગિક કચરાને મ્યુનિસિપલ ડ્રેનેજ લાઇનમાં ઠાલવવાની પરવાનગી કોઇ કાળે આપી શકાય નહીં. ઓદ્યોગિત કચરાનું ટ્રીટમેન્ટ કરતી ઇ.ટી.પી. (એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની અત્યારની કથળેલી પરિસ્થિતિ આપણી સામે જ છે.

હાઇકોર્ટે નોંધ્યું છે કે અરવિંદ લિમિટેડની જેમ આશિમા લિમિટેડ પણ શા માટે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જની પદ્ધતિ અપનાવી રહી નથી. જેની સામે કંપની દ્વારા રજૂઆત કરાઇ હતી કે તેમણે તાજેતરમાં જ નવો ઇ.ટી.પી. શરૃ કર્યો છે, મેગા પાઇપલાઇ-૨ માટે પ્રપોઝલ આપ્યું છે. આ ઉપરાંત કંપની અત્યારે નાણાકીય મુશ્કેલીમાં છે. ગત ત્રણ નાણાકીય વર્ષથી કંપનીનાના ટર્નઓવરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે એઝ.એલ.ડી. ટેકનોલોજી અપવાનની તેમના માટે આર્થિક રીતે શક્ય નથી. જેથી હાઇકોર્ટે નોંધ્યું છે કે જો આશિમા લિમિટેડનો વેપાર સારી રીતે ન ચાલતો હોય તો તેઓ એકમ બંધ કરી શકે છે. લોકોના સ્વાસ્થય અને પર્યાવરણના ભોગે તેમને ઉદ્યોગ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં.

 

ગુજરાતની અન્ય નદીઓ પણ પ્રદૂષિત, અન્ય મ્યુનિસપલ કોર્પોરેશન ધડો લેઃ કોર્ટ

કોર્ટે નોંધ્યું છે કે આ કેસ રાજ્યની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે પણ આંખ ઉઘાડનારો છે. માત્ર સાબરમતી જ નહીં, રાજ્યની અન્ય નદીઓની પણ અત્યારે એટલી પ્રદૂષિત છે કે તેનો કોઇ ઉકેલ દેખાઇ રહ્યો નથી. આ આદેશમાંથી ધડો લઇ અન્ય કોર્પોરેશનો પણ સત્વરે કામગીરી શરૃ કરી દે તે જરૃરી છે.