ગુજરાતમાં જુલાઇના 13 દિવસમાં જ કોરોનાના નવા 10165 કેસ
- પ્રતિ કલાકે 38ને કોરોના સંક્રમણ: જુલાઇમાં કોરોનાનું વધુ વિકરાળ રૂપ
- સુરતમાં 278-અમદાવાદમાં 164 કેસ: છેલ્લા 24 કલાકમાં 10ના મૃત્યુ: એક્ટિવ કેસ 10945
અમદાવાદ, સોમવાર
ગુજરાતમાં કોરોના
વાયરસનો વ્યાપ ચિંતાજનક રીતે દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ
૯૦૨ સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે ૪૨૮૦૮ થઇ ગયો છે. આ સ્થિતિએ ગુજરાતમાં
પ્રતિ કલાકે ૩૮ વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે. ગુજરાતમાં જુલાઇના ૧૩ દિવસમાં
જ કોરોનાના કુલ કેસનો આંક હવે ૧૦૧૬૫ થઇ ગયો છે. આ ઉપરથી જ ગુજરાતમાં કોરોના વાયરસથી
સર્જાઇ રહેલી ગંભીર સ્થિતિનો તાગ મેળવી શકાય છે.
ગુજરાતમાં હાલ
એક્ટિવ કેસનો આંક ૧૦૯૪૫ છે અને આ પૈકી ૭૪ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ, એક્ટિવ કેસનો
આંક હવે ૧૧ હજારની નજીક છે. છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથ-નર્મદા-દેવભૂમિ દ્વારકા-ડાંગ
સિવાય તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૨૦૭-સુરત
ગ્રામ્યમાં ૮૦ એમ સૌથી વધુ ૨૮૭ કેસ નોંધાયા હતા. સુરતમાં જુલાઇ માસમાં જ ૩૨૮૬ કેસ નોંધાઇ
ચૂક્યા છે. હાલ સુરતમાં ૨૯૩૦ એક્ટિવ કેસ છે. બીજી તરફ અમદાવાદમાં વધુ ૧૬૪ સાથે કોરોનાના
કુલ કેસનો આંક હવે ૨૩૨૫૯ થયો છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ ૩૬૯૦ છે. ગુજરાતમાં ૩૦
જૂન સુધી ૨૦૯૧૩ કેસ હતા. આમ, જુલાઇ માસમાં અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ ધીમી પડી
છે. જોકે, અનલોક-૧ બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું
છે.
છેલ્લા ૨૪ કલાકમાં
અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં ૭૪ સાથે વડોદરા, ૪૬ સાથે જુનાગઢ, ૪૦ સાથે
ભાવનગર, ૩૪ સાથે રાજકોટ, ૨૬ સાથે સુરેન્દ્રનગર, ૨૫ સાથે ગાંધીનગરનો મુખ્યત્વે સમાવેશ
થાય છે. વડોદરા હવે ૩૧૨૬, ગાંધીનગર ૯૧૮, રાજકોટ ૬૮૯, ભાવનગર ૬૪૨, મહેસાણા ૪૫૧ કુલ કેસ
ધરાવે છે. ગુજરાતના જે જિલ્લાઓ ૧૦૦થી વધુ કેસ ધરાવે છે તેમાં હવે મોરબીનો પણ સમાવેશ
થઇ ગયો છે. મોરબીમાં વધુ ૯ સાથે કુલ કેસનો આંક ૧૦૩ થયો છે. હવે છોટા ઉદેપુર, તાપી,
દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ડાંગ જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના ૧૦૦થી ઓછો કેસ
છે.
છેલ્લા ૨૪ કલાકમાં
સુરતમાંથી સૌથી વધુ ૫, અમદાવાદમાંથી ૩ જ્યારે ગાંધીનગર-મોરબીમાંથી ૧-૧ એમ કુલ ૧૦ના
મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી કુલ મરણાંક હવે ૨૦૫૬ થયો છે. જેમાં સૌથી વધુ ૧૫૨૨ અમદાવાદ,
૨૧૯ સુરત, ૪૯ વડોદરા જ્યારે ૩૩ ગાંધીનગરમાંથી છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૦૮ સાથે કોરોનાથી
સાજા થનારા દર્દીઓનો આંક હવે ૨૯૮૦૬ થયો છે. જેમાં સુરતમાંથી ૧૮૬, અમદાવાદમાંથી ૧૨૫,
વડોદરામાંથી ૧૦૨ દર્દીઓને રજા અપાઇ છે.
ગુજરાતમાં કોરોનાના
સર્વોચ્ચ દૈનિક કેસ
તારીખ કેસ
૧૩ જુલાઇ ૯૦૨
૧૨ જુલાઇ ૮૭૯
૧૦ જુલાઇ ૮૭૫
૧૧ જુલાઇ ૮૭૨
૯ જુલાઇ ૮૬૧
૮ જુલાઇ ૭૮૩
છેલ્લા ૨૪ કલાકમાં
માત્ર ૫૬૧૯ ટેસ્ટ
ગુજરાતમાં છેલ્લા
૨૪ કલાકમાં માત્ર ૫૬૧૯ ટેસ્ટ થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક
હવે ૪,૭૦,૨૬૫ થયો છે. જુલાઇ માસના ૧૩ દિવસમાં ગુજરાતમાં કુલ ૯૯૬૫૨ ટેસ્ટ કરવામાં આવ્યા
છે.
ગુજરાતના ૫૬% કેસ મહાનગરોમાં
ગુજરાતમાં છેલ્લા
પાંચ દિવસમાં કોરોનાના કુલ ૪૩૮૯ કેસ નોંધાયા છે આ પૈકીના ૨૪૮૬ એટલે કે ૫૬.૨૦% કેસ માત્ર
આઠ મહાનગરોમાંથી છે. આઠ મહાનગરોમાંથી ૯ જુલાઇએ કુલ ૪૬૭,૧૦ જુલાઇએ ૫૩૭, ૧૧ જુલાઇએ ૪૮૬,
૧૨ જુલાઇએ ૫૦૯ અને ૧૩ જુલાઇએ ૪૯૭ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાંથી છેલ્લા પાંચ
દિવસમાં ૧૦૦૬, અમદાવાદમાંથી ૭૭૬ કેસ નોંધાયેલા છે.