Get The App

ગુજરાતની દસ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના મધ્યમાં

Updated: Nov 12th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાતની દસ હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્બરના મધ્યમાં 1 - image


એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ સાથે થશે, આ ચૂંટણીઓ ઇવીએમ નહીં પણ બેલેટ પેપરથી યોજાશે

ગાંધીનગર : ગુજરાતની ખાલી પડતી 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બર મહિનાના મધ્યમાં યોજાશે. આ સાથે એક હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી પણ સાથે થવાની છે. આ ચૂંટણીમાં ઇવીએમ નહીં પણ બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે.

રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું કે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર થશે. રાજ્ય ચૂંટણી પંચે મતદાર યાદી સહિતની ચૂંટણીલક્ષી તમામ કાર્યવાહી પૂર્ણ કરી છે. ગુજરાતમાં આ ચૂંટણી યોજવા માટે પુરતી સંખ્યામાં ઇવીએમ નહીં હોવાથી બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. ડિસેમ્બરના પ્રથમ સપ્તાહ પછી ઉમેદવારીપત્રો ભરી શકાશે.

રાજ્ય સરકાર દ્વારા 153 ગ્રામ પંચાયતોના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે, કારણ કે રાજ્યના 300 ગામો એવાં છે કે જ્યાં લોકોની વસતી 200 કરતાં ઓછી છે જેમને મર્જ કરવામાં આવશે. રાજ્યમાં હાલ 18225 ગામડાઓ પૈકી 14929 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.

જેમાં વધુ 191 ગ્રામ પંચાયતોને મંજૂરી મળતાં તે સંખ્યા વધીને 14483 થશે. પંચાયત વિભાગે ગ્રામ પંચાયતોની મંજૂરી માટે નોટીફિકેશન પણ જાહેર કરી દીધું છે. સરકારનો ઇરાદો છે કે દર વખતની જેમ વધુને વધુ ગ્રામ પંચાયતો સમરસ બને, પરંતુ વિપક્ષ તમામ પંચાયતોમાં કોંગ્રેસ ચૂંટણી ઇચ્છી રહ્યું છે.

રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ માટે મહત્વની બની રહે છે. જો કે આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ તરફથી તેમના ચૂંટણી પ્રતિક સાથે ચૂંટણી લડવામાં આવતી નથી પરંતુ બન્ને પાર્ટીના સમર્થકો ચૂંટણી લડતા હોય છે અને પરિણામ પછી બન્ને પાર્ટીઓ તેમના સમર્થકોના દાવા કરે છે.

Tags :