યાત્રાધામ વિકાસ બોર્ડ તમામ ધર્મસ્થાનોના માટે કામ કરે છે : સરકાર
ગુજરાત સરકારના પવિત્ર બોર્ડની ગ્રાન્ટનો મામલો
બોર્ડ માત્ર હિન્દુ ધર્મસ્થાનોને જ લાભ આપતું હોવાની PILમાં સરકારે આક્ષેપો નકાર્યા
અમદાવાદ,
શુક્રવાર
રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ગ્રાન્ટ અને
સુવિધાઓનો લાભ માત્ર હિન્દુ ધર્મસ્થાનોને જ અપાતો હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની
અરજીમાં રાજ્ય સરકારે આજે સોગંદનામા દ્વારા રજૂઆત કરી હતી કે અરજીમાં કરાયેલો આક્ષેપ
ખોટો છે. અન્ય ધર્મના યાત્રાધામોને પણ સબસિડી, પાણી,
વીજળી અને પરિવહન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
સરકારની રજૂઆત હતી કે બોર્ડ કોઇ એક ધર્મના તીર્થસ્થાનોના વિકાસ
માટે કામ કરતું નથી. ગ્રાન્ટ ફાળવવામાં કે સુવિધાઓ આપવામાં કોઇ ધર્મને ધ્યાને લેવાતો
નથી પરંતુ જે-તે યાત્રાધામના મહત્વને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી અરજદારે કરેવો
આક્ષેપ ખોટો છે. અરજદારની રજૂઆત છે કે ગુજરાતમાં વર્ષ ૧૯૯૫માં પવિત્ર યાત્રાધામ બોર્ડની
રચના કરવામાં આવી હતી. આ યાત્રાધામોમાં માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, સવલતો અને પ્રવાસન
વિકસાવવા આ બોર્ડ કામગીરી કરે છે અને ધર્મસ્થાનોને ગ્રાન્ટ આપે છે. શરૃઆતમાં સોમનાથ, દ્વારકા અને અંબાજી
સહિતના છ ધર્મસ્થાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્યારે બોર્ડ હેઠળ ગુજરાતના ૩૫૮
ધર્મસ્થાનો છે. આ પૈકી તમામ ધર્મસ્થાનો હિન્દુ ધર્મના છે, તેથી મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મસ્થાનોનો
પણ આ બોર્ડ હેઠળ સમાવેશ થવો જોઇએ.