(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર,તા. 23મી માર્ચ 2020, સોમવાર
કોરોના
વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે ગુજરાત વિધાનસભાનું વર્તમાન સત્ર અચોક્કસ મુદત
સુધી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ
વિધાનસભાનું સત્ર મુલતવી રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને સંસદીય બાબતોના મંત્રી
પ્રદીપસિંહ જાડેજાએ તેમના આ પ્રસ્તાવને સમર્થન આપતા ગુજરાત વિધાનસભાનું વર્તમાન
સત્ર અચોક્કસ મુદત સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીના
પ્રસ્તાવને સંસદીય બાબતોના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સમર્થન આપતા સર્વાનુમતે સત્ર
મુલતવી રાખવાનો નિર્ણય કરાયો
ગુજરાત
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી અચોક્કસ મુદત સુધી મુલતવી
રાખવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી કોરોના વાયરસના કેસો સતત
વધી રહ્યા છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત,
કચ્છ સહિતના વિસ્તારોમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગઈકાલ
સુધીમાં ૧૮ કેસ પોઝિટીવ હતા તે આજે વધીને ૩૦ને આંબી ગયા છે.
આ
પૂર્વે ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિનો ચિતાર આપતા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ
ગૃહમાં જણાવ્યું હતું કે વિશ્વમાં કોરોના વાયરસનો વ્યાપ વધી રહ્યો છે. ભારતના
રાજ્યોમાં કોરોના વાયરસને ચેપના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ગુજરાતમાં એક જ દિવસમાં
૧૨ નવા કેસ જોવા મળ્યો છે. ચીન રિકવરીના સ્ટેજમાં પહોંચ્યું છે ત્યારે ભારત ત્રીજા
સ્ટેજમાં પહોંચી ગયું છે. આ સ્ટેજમાં કોરોના વાયરસના કેસો મલ્ટીપ્લાય થાય છે. તેના
સ્રોત સુધી પણ પહોંચી શકાતું નથી. આ ભારત અને ગુજરાત સરકારની ચિંતાનો વિષય છે. આ
સંજોગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જ સૌથી મોટી જરૃરિયાત છે. તેનાથી કોરોના વાયરસના
ચેપની અસર ઓછામાં ઓછી કરી શકાય તેમ છે.
૨૨મી
માર્ચે જનતા કરફ્યુને અદ્ભૂત પ્રતિભાવ આપવા બદલ જનતા જનાર્દનનો આભાર માનતા
મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે ૨૨મી માર્ચની માફક જ ૩૧મી માર્ચ સુધી
જનતા જરૃર ન હોય તો ઘરની બહાર નીકળે નહિ. હવે જે જિલ્લામાં પોઝિટિવ કેસ આવશે તે
જિલ્લામાં લોકોની હેરફેર અને હિલચાલને સ્થગિત કરી દેવાના પગલાં લેવામાં આવશે, એમ મુખ્યમંત્રી વિજય
રૃપાણીએ કહ્યું હતું. ગાંધીનગર, અમદાવાદર, વડોદરા, સુરત,
કચ્છમાં પોઝિટિવ કેસ આવ્યો હોવાથી લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે.
તેથી આવશ્યક કામ સિવાય કોઈએ બહાર નીકળવું નહિ. દૂધ, અનાજ,
દવાઓ અને ડ્રેનેજ, બૅન્કિંગ તથા કોમ્યુનીકેશન
માટેની સેવાઓ ચાલુ રાખવામાં આવી છે.
આ
સાથે જ તેમણે જણાવ્યું હતું કે કોરોના વાયરસની ગમે તેવી મહામારી આવે તો તેની સામે
લડવા માટે ડૉક્ટર, નર્સની ટીમોને તથા અન્ય અધિકારીઓની ટીમોને સજ્જ રાખવામાં આવી છે. બીજી તરફ
ગુજરાત ચેમ્બર સહિતના વેપાર ઉદ્યોગની સંસ્થાઓને વિશ્વાસમાં લઈને ૩૧મી માર્ચ સુધી
લૉકડાઉન ચાલુ રાખવા ઉદ્યોગોને સમજાવી લેવામાં આવ્યા હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું
હતું.
તેમણે
કહ્યું હતું કે વિદેશથી ભારત આવેલા લોકોએ સ્વૈચ્છાએ લોકો સાથે હળવાભળવાનું બંધ કરી
દેવું જોઈએ. તેમ જ કોરોના વાયરસનો ચેપ ફેલાતો અટકાવવા માટે કાર્ય કરતી પોલીસ સાથે
જફામાં ઉતરવાનું આમઆદમીએ ટાળવું જોઈએ. તેમ જ ગુજરાતમાં રહેતા લોકોએ ભાગાભાગી કરીને
વતન સુધી દોડવાની જફા પણ ન કરવી જોઈએ. તેમ કરવામાં શહેરમાં ફેલાયેલો વાયરસ ગામડાં
સુધી પહોંચી જશે અને પછી ખબર નહિ પડે તો તેના વધુ ગંભીર પરિણામો ભોગવવા પડી શકે
છે. તેથી લોકોએ તેઓ જ્યાં છે ત્યાં જ સલામત રહેવું જોઈએ. પરિસ્થિતિની ગંભીરતાને
પારખીને લોકો ૩૧મી માર્ચ સુધી બિનજરૃરી ઘરની બહાર ન નીકળે એમ તેમણે જણાવ્યું હતું.
(દોઢ કોલમ બોક્સ)
ગુજરાત
વિધાનસભામાં ધારાસભ્યો
નજીક
નજીક બેસવાનું ચાલુ રાખ્યું
એક
તરફ સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરતી ગુજરાત સરકારે આજે કોન્ગ્રેસના ધારાસભ્યો
ગેરહાજર હોવા છતાંય તેમના સભ્યોને બાજુ બાજુમાં જ બેસાડયા હતા. દરેક ધારાસભ્ય અલગ
અલગ વિસ્તારમાંથી આવે છે. તેમની સાથે પણ કોરોના વાયરસ આવવાની શક્યતાને નકારી શકાતી
નથી. છતાંય તેમની વચ્ચે એકથી દોઢ મીટરનું અંતર રહે તે રીતે બેસડાવાને બદલે તેમને
તેમની ઓરિજિનલ વ્યવસ્થા મુજબ ચારથી પાંચ ફૂટની સોફા ખુરશી પર બે બે ધારાસભ્યને
બેસાડવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભામાં કોન્ગ્રેસના સભ્યોની
ગેરહાજરીને પરિણામે ખાલી બેઠકો ઘણી હોવા
છતાંય ડિસ્ટન્સ રાખીને બેસવાને બદલે તેમણે સાથે જ બેસીને કોરોનાના સંભવિત સંક્રમણ
થવાની સંભાવનાને ખુલ્લી ચાલુ રહી હતી.


