જીએસટીની વેબસાઇટના ધાંધિયાથી પડતી તકલીફો સામે અંતે આંદોલન
ટેક્સ સલાહકારો, ટેક્સ એડવોકેટ્સ વગેરે કાળી પટ્ટી ધારણ કરશે : ૧૮મીએ મૌન રેલી
વડોદરા,,તા,9,ફેબ્રુઆરી,2020,રવિવાર
જીએસટીની વેબસાઇટના ધાંધિયાથી પત્રકો ભરવામાં પડતી તકલીફો, વારંવાર નોટિફિકેશનોથી થતા ગૂંચવાડા વગેરે મુદ્દેથી ત્રસ્ત થઇને ટેક્સ સલાહકારો, ટેક્સ એડવોકેટ્સ, સીએ વગેરેએ રજૂઆતો કર્યા પછી પણ કોઇ નિવેડો નહીં આવતા આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે.
ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન, ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસ નેશનલ એક્શન કમિટી ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિસ- વેસ્ટ ઝોન, ટેક્સ એડવોકેટ એસોસિએશન, ગુજરાત ઇનકમ ટેક્સ બાર એસોસિએશન, ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન- અમદાવાદની તાજેતરમાં સંયુક્ત મિટીંગ થઇ હતી અને તેમાં બાર એસોસિએશન મારફતે જીએસટી આર-૯, ૯-એ, જીએસટીઆર-૯ સી બાબતે ઊંડાણ પૂર્વક રજૂઆત કરવામાં આવી હતી.
રિટર્ન ભરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તા.૫ ફેબુ્રઆરી સુધી લંબાવી આપવામાં આવી હતી આમ છતાં ટેકનિકલ તકલીફો અને પત્રકો ભરવા પડતી અન્ય મુશ્કેલીઓના અનુસંદાનમાં તા.૪ના રોજ તમામ એસોસિએશનના પ્રમુખ અને મંત્રીઓ મારફતે સ્ટેટ જીએસટી ચીફ કમિશનર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. પત્રકો ભરવામાં તકલીફો પડે છે. તેવું ચીફ કમિશનરે પણ સ્વીકાર્યું હતું. ત્યારબાદ તા.૭ના રોજ આજ મુદ્દા પર તમામ એસોસિએશનની સાથે સ્ટેટ ટેક્સ બાર એસોસિએશને ફરીથી રજૂઆત કરી હતી.
અને સાથે સાથે સ્ટેટ ટેક્સ બાર એસોસિએશનની મેનેજિંગ કમિટીની મિટીંગમાં થયેલા ઠરાવ મુજબ ગુજરાતના તમામ જિલ્લામાં આંદોલનાત્મક કાર્યક્રમ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તા.૧૨ના રોજ કાલી પટ્ટી ધારણ કરી જિલ્લા કક્ષાએ ધારાસભ્ય, સંસદસભ્ય, ક્ષેત્રીય વેપારી મંડળ, મહાજનો, સ્ટેટ અને સેન્ટ્રલ જીએસટી, કલેક્ટરને તમામ સભ્યો સાથે મળી મોટી સંખ્યામાં હાજર રહી રજૂઆતો કરશે. તા.૧૮ના રોજ અમદાવાદ ખાતે રાજ્યના તમામ સભ્યો મારફતે મૌન રેલીનું આયોજન કરવામાં આવશે.