રીક્ષા ચાલકના પુત્ર નિરવે વિજ્ઞાન પ્રવાહમાં 99.98 પર્સન્ટાઈલ સાથે ઝળહળતી સફળતા મેળવી
GSEB Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધો. 12 વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં ન્યૂ વીઆઈપી રોડ પર ખોડિયાર નગરમાં સરકારે બનાવેલી આવાસ યોજનાના મકાનમાં રહેતા રહેતા નિરવ રાણાએ 99.98 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરીને ઉડીને આંખે વળગે તેવી સફળતા પ્રાપ્ત કરી છે.
નિરવ રાણા આર્થિક રીતે સામાન્ય પરિવારમાંથી આવે છે પણ તેના ઉચ્ચાભ્યાસના સ્વપ્નને પૂરુ કરવા માટે માતા પિતાએ કશું બાકી રાખ્યુ નથી. નિરવના પિતા રીક્ષા ચલાવે છે અને તેની માતા ઘરકામ કરવા માટે જાય છે.
નિરવે ધો. 10માં પણ 99.95 પર્સેન્ટાઈલ સાથે 96.33 ટકા પ્રાપ્ત કર્યા હતા. તેની સફળતા અને પરિવારના સંઘર્ષની જાણકારી મળ્યા બાદ અમેરિકામાં રહેતા હેતલબેન પટેલ નામના એક મહિલાએ તેને ધો. 11 અને 12માં વધુ અભ્યાસ કરવા માટે મદદ કરી હતી. શહેરના નિવૃત્ત શિક્ષક ભરતભાઈ રાણાએ પણ તેને પુસ્તકો પૂરા પાડયા હતા.
નિરવ કહે છે કે, મારુ પરિણામ સારુ આવશે તેવી પહેલેથી મને અપેક્ષા હતી. અભ્યાસ માટે રિવિઝન બહુ જરુરી છે તેવુ મને લાગે છે એટલે એક વખત કોર્સ પૂરો થયા બાદ મેં રિવિઝન પર જ ફોકસ કર્યુ હતુ. મને ગણિતમાં 100માંથી 100, કેમેસ્ટ્રીમાં 99 અને ફિઝિક્સમાં 97 માર્કસ મળ્યા છે. ગુજકેટમાં મારા 120માંથી 120 માર્કસ છે. હવે હું કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માંગુ છું. મારી ઈચ્છા ભવિષ્યમાં મારા માતા પિતાને તમામ પ્રકારની સુખ સુવિધા પૂરી કરવા માંગું છું. નિરવના પિતાએ જણાવ્યુ હતુ કે, નિરવ પહેલેથી જ ભણવામાં હોંશિયાર હોવાથી અમે તેને ભણાવવા જે પણ કરવુ પડશે તે કરીશું તેવુ નક્કી કર્યુ હતુ.