ચિલોત્રો પક્ષી છેલ્લા પાંચ વર્ષથી વડોદરામાં જોવા મળી રહ્યું છે
મોટેભાગે જંગલમાં જ જોવા મળે છે
ઈ.સ.૧૯૫૬માં ડો.સલીમ અલીએે ચિલોત્રો આજવા સરોવર પાસે જોયો હતો ત્યારબાદ સીધુ ૨૦૧૦માં જોવા મળ્યું
વડોદરા, તા. 29 ઓગસ્ટ 2019, ગુરુવાર
મોટેભાગે પંચમહાલના રતનમહલ, જાંબુઘોડા કે શૂલપાણેશ્વરના જંગલોમાં જોવા મળતું ચિલોત્રો પક્ષી હવે છેલ્લા પાંચ વર્ષથી વડોદરામાં પણ વિવિધ સ્થળો જેવા કે નિમેટા નર્સરી, સયાજીબાગ, પેલેસ કમ્પાઉન્ડ, એમ.એસ.યુનિ.માં જોવા મળી રહ્યું છે. યુનિ.કેમ્પસમાં પાંચથી છ ચિલોત્રો પક્ષી દેખાય છે.એમ, ઝુઓલોજી વિભાગના પ્રો.દેવકરે જણાવ્યું હતું.
એમ.એસ.યુનિ.ના ઝુઓલોજી વિભાગના પ્રો.ગીતાએ ચિલોત્રોના માળા બાંધવાની ખાસિયત વિશે જણાવ્યું કે, આ એકમાત્ર પક્ષી છે જે અનોખી રીતે માળો બાંધે છે. મોટા જૂના બખોલવાળા ઝાડની શોધ કર્યા બાદ બખોલમાં માદા ચિલોત્રો પ્રવેશ કરે છે. ત્યારબાદ બંને પોતાની લાળ અને માટીથી બખોલને સીલ કરી દે છે. બખોલમાંથી માત્ર માદા ચિલોત્રોની ચાંચ નીકળે તેટલી જ જગ્યા રાખવામાં આવે છે. બચ્ચાના જન્મ બાદ એકથી દોઢ મહિના સુધી નર ચિલોત્રો જ ખોરાક પૂરો પાડે છે. ખોરાકમાં તેઓ વડના ટેટા, નાની ગરોળી, ઈયળ અને અળસિયા ખાય છે.બચ્ચા મોટા થતા માટીના આવરણને તોડીને બહાર લાવવામાં આવે છે. ઝુઓલોજી વિભાગની વિદ્યાર્થિની મીરા મકવાણાએ ચિલોત્રો ઉપર વર્ષ ૨૦૧૮-૧૯માં રિસર્ચ કર્યું હતુ.
આ વિશે તેણે જણાવ્યું કે, ખ્યાતનામ પક્ષી વિજ્ઞાની ડો.સલીમ અલીએ વડોદરામાં આજવા સરોવરના કિનારે ચિલોત્રાને પ્રથમવાર ૧૯૫૬માં જોયું હતુ. ત્યારબાદ આ પક્ષી સીધુ ૨૦૧૦માં દુમાડ ચોકડી પાસે જોવા મળ્યું હતું. પછી ૨૦૧૨ અને ૨૦૧૪માં વિવિધ વિસ્તારોમાં જોવા મળ્યા હતા. ભારતમાં ચિલોત્રોની ૯ પ્રજાતિઓ છે તેમાંથી ફક્ત રાખોડી ચિલોત્રો જ શહેરમાં જોવા મળી રહ્યો છે. જંગલોના નાશ તેને શહેર તરફ ખેંચી લાવ્યા હોય તે એક મુખ્ય કારણ હોઈ શકે છે. જો કે તેને બદલાતા માહોલને સ્વીકારી લીધો હોય તેમ તેની સંખ્યામાં ઉતરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. જંગલી પશુ-પક્ષીઓ બદલાતા માહોલમાં જીવી શકે છે કે નહીં તે જાણવા માટે મેં ચિલોત્રો પક્ષી પર રિસર્ચ કર્યું હતું.ચિલોત્રોનો મુખ્ય ખોરાક વડના ટેટા છે અને વડોદરા વડની નગરી છે જેને લઈને અહીં તેની સંખ્યા વધી રહી છે.
ચિલોત્રો અન્ય પક્ષીને ઉલ્લુ બનાવવામાં માસ્ટર છે
પક્ષી જગતના શરમાળ પક્ષીઓમાં ચિલોત્રોનો સમાવેશ થાય છે. શરમાળની સાથે તે ખૂબ બુધ્ધિમાન પક્ષી છે. ઉડાણ દરમિયાન જો કોઈ પક્ષી તેને અનુસરે તો તે એવો ગુંચવણભર્યો રસ્તો પસંદ કરે છે કે તેને અનુસરનાર પક્ષી દિશાહિન બની જાય છે. સાંજના સમયે ચિલોત્રો સમૂહમાં જોવા મળે છે આ દરમિયાન તેઓ આકાશમાં ગુલાટી મારતા અને એકબીજા સાથે મસ્તી કરતા જોવા મળે છે. ઘણીવાર મેં એક જ ઝાડ પર મેના, પોપટ અને ચિલોત્રોને માળો બાંધતા જોયા છે. દરમિયાન તેઓ જગ્યા માટે એકબીજા સાથે લડાઈ કરતા પણ નજરે પડયા હતા.એમ મીરાનું કહેવું છે.