Gujarat

આણંદ જિલ્લામાં આજથી એનએફએસએ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે

By GS Team
10 Jul 20201 min read
This article was originally published on 10 Jul 2020
આણંદ જિલ્લામાં આજથી એનએફએસએ રેશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરાશે

આણંદ, તા.10 જુલાઈ 2020, શુક્રવાર

ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ-૨૦૨૦થી જૂન-૨૦૨૦ દરમિયાન કોરોના વાયરસની વ્યાપક અસરના કારણે સમગ્ર રાજ્યમાં અમલી બનેલ લોકડાઉનના સંદર્ભમાં રાજ્યનાં એનએફએસએ તથા નોન એનએફએસએ બીપીએલ કાર્ડ ધારકોને જાહેર કરવામાં આવેલ ''ફૂડ બાસ્કેટ'' અંતર્ગત આણંદ જિલ્લાની ૬૭૪ વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્ય વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. 

દરમિયાનમાં ગુજરાત સરકાર દ્વારા એનએસએફએ ના રેશનકાર્ડ ધારકોને જુલાઈ માસનું આજથી વિતરણ શરૃ કરવાનું નક્કી કરવામાં આવેલ છે. આ વિતરણ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા દરથી કરવામાં આવશે.

ગુજરાત નાગરિક પુરવઠા નિગમનાં આણંદ જિલ્લામાં આવેલ ૮ ગોડાઉન કે જ્યાંથી વાજબી ભાવની દુકાનો સુધી ઘઉં અને ચોખાનો જથ્થો પહોંચાડવામાં આવે છે ત્યાં પણ સેનીટાઈઝેશનની કામગીરી તથા ગોડાઉનના સ્ટાફ અને શ્રમિકોને આરોગ્ય તપાસણીની કામગીરીનું પણ આયોજન કરવામાં આવેલ છે. વિશેષમાં વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત અન્ય રાજ્યનાં કોઈપણ એનએફએસએ રેશનકાર્ડ ધારકની રાજ્યની કે જિલ્લાની કોઈપણ વાજબી ભાવની દુકાન પરથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો મેળવી શકશે તથા આપણા રાજ્ય કે જિલ્લાનાં કોઈપણ એનએફએસએ રેશનકાર્ડ ધારક રાજ્યની કે જિલ્લાની કોઈપણ વાજબીભાવની દુકાન પરથી આવશ્યક ચીજવસ્તુનો જથ્થો મેળવી શકશે જે કોઈપણ દુકાનદાર નકારી શકે નહી જેનો ચુસ્ત અમલ કરવા તમામ વાજબી ભાવના દુકાનદારોને સૂચના આપવામાં આવી હોવાનું જિલ્લા પુરવઠા અધિકારીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.