બગોદરા-ધંધુકા હાઇવે પર ગોઝારો અકસ્માત : 1નું મોત, 3ને ઇજા
- સાળંગપુરથી પરત ફરતા અમદાવાદના પરિવારને અકસ્માત નડયો
-ચાલકે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર આઇસર સાથે ટક્કર થતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો
અમદાવાદ જિલ્લાના બગોદરા-ધંધુકા હાઇવે પર દિન પ્રતી દિન અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે ત્યારે તાજેતરમાં હાઇવે પર અકસ્માતમાં ચાર મહિલાના ઘાટના સ્થળે મોત નીપજ્યા હતા. ત્યારે આજે ગુંદી ફાટક પાસે બગોદરા તરફથી આવી રહેલી આઇસર ટ્રક સાથે ધંધુકા તરફથી આવી રહેલી કારના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આઈસર સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર દિવ્યેશભાઇ આત્મારામભાઈ પટેલ (રહે.હિરાવાડી અમદાવાદ )નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ઇજા થઇ હતી. જેમાં રાજ મંદાણીને ગંભીર ઇજા થતા ફેદરા ૧૦૮ની ટીમે પ્રાથમિક સારવાર આપી બગોદરા આરોગ્ય કેન્દ્રમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરે ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પીટલમાં રીફર કર્યા હતા. કોઠ પોલીસને બનાવની જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી આપી તપાસ હાથ ધરી હતી.
પોલીસે આઈસર ચાલકની ફરીયાદ લઈ કાર ચાલક વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.