મહામારીમાં સરકારે ધાર્મિક વડાઓની ખુશામત ન કરવી જોઇએ : હાઇકોર્ટ
- લોકોના સ્વાસ્થયની ચિંતા કરવી જોઇએ અને
- તુષ્ટિકરણની નીતિ બદલ રાજ્ય સરકારની ઝાટકણી : રથયાત્રાને અંગે થયેલી પિટિશનમાં હાઇકોર્ટનો વિસ્તૃત ચુકાદો
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
રથયાત્રાને પરવાનગી અંગે હાઇકોર્ટમાં થયેલી પિટિશનોમાં આજે હાઇકોર્ટે વિસ્તૃત ચુરાદો જાહેર કર્યો હતો, ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે તુષ્ટિકરણની નીતિ બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે અને નોંધ્યું છે કે મહામારીના સમયે સરકારે લોકોના સ્વાસ્થયની ચિંતા કરવી જોઇએ અને ધાર્મિક વડાઓની ખુશામતની નીતિ ન અપનાવવી જોઇએ.
રથયાત્રા સમયે સરકારે સ્પષ્ટપણ રથયાત્રાની યોજવાની ના કહી મજબૂત સ્ટેન્ડ લેવાની જરૂર હતી પરંતુ ત્યારે રાજ્ય સરકારે ધાર્મિક વડાઓ અને રથયાત્રાના આયોજકોને મળી તેમનું તુષ્ટિકરણ કરવાની અને તેમને રથયાત્રા ન યોજવા માટે સમજાવવની નીતિ પસંદ કરી હતી.
હાઇકોર્ટે ચુકાદામાં નોંધ્યું છે કે અત્યારે આપણે બરફના પાતળા પડ પર ચાલી રહ્યા છીએ. કોરોનાની અસરકાર રસીના અભાવના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જ કોરોના વાયરસને અટકાવવાની અસરકારક વ્યવસ્થા છે.
સરકાર પ્રાથિકતાથી ત્વરિત અને અસરકાર પગલાં લે તે જ એક અસરકારક સરકારની કામગીરીની નિશાની છે. રથયાત્રાને મંજૂરી આપવા રાજ્ય સરકારે કરેલાં સોગંદનામા અંગે હાઇકોર્ટે નોંધ્યું છે કે રાજ્ય સરકારે રજૂ કરેલાં સોગંદનામાથી અમે વ્યથિત થયા છીએ. સરકાર એક ધર્મનિરપેક્ષ સંસ્થા છે.
આ મહામારીના સમયે પ્રજાહિતમાં કોઇ નિર્ણય કરવાથી કોઇ ધાર્મિક વડાની ધાર્મિક લાગણીઓ દુભાય તો તેની ચિંતા કર્યા વગર સરકારે જાહેર સ્વાસ્થય અંગે નિર્ણયો કરવા જોઇએ.
આવાં સમયે સરકારે ધર્મ કરતા લોકોના સ્વાસ્થય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રથયાત્રા ન યોજવનો સ્પષ્ટ નિર્ણય કરવાની જગ્યાએ સરકાર આયોજકોને રથયાત્રા ન યોજવ માટે મનાવતી રહી હતી. આ સમય કોઇની ખુશામત કે તુષ્ટિકરણનો નથી.