વડોદરામાં અશાંત ધારાનો એરિયા વધાર્યો,પહેલીવાર આખા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ
બાપોદ,હરણી અને વારસીયા પોલીસ સ્ટેશનમાં પણ અશાંત વિસ્તારો વધ્યા
વડોદરા,તા.22 ઓગષ્ટ,2020,શનિવાર
વડોદરામાં અશાંત ધારા હેઠળ આવતા એરિયા વધારવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પહેલીવાર સમગ્ર હરણી પોલીસ સ્ટેશન વિસ્તારને અશાંત ધારા હેઠળ આવરી લેવામાં આવ્યો છે.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં મિલકતોની તબદીલી રોકવા માટે અશાંતધારો લાગુ પાડવામાં આવ્યો હતો.ગત વર્ષે આ ધારાની મુદત પાંચ વર્ષ માટે વધારવામાં આવી હતી.
આમ છતાં સંવેદનશીલ વિસ્તારો તેમજ તેની આસપાસના વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે પ્રોપર્ટીના સોદા થતા હોવાની અને તેના કારણે અશાંતિ સર્જાય તેવી સ્થિતિ સર્જાતી હોવાના કિસ્સાઓ બનતાં શહેરવાડી વિધાનસભા બેઠકના ભાજપના મહિલા ધારાસભ્યએ તેમની પાસે આવેલી રજૂઆતો ગૃહવિભાગમાં મોકલી હતી.
રાજ્યના ગૃહમંત્રીએ આજે વડોદરામાં બાપોદ પોલીસ સ્ટેશન,કારેલીબાગ પોલીસ સ્ટેશન અને વારસીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમલી અશાંત ધારાના વિસ્તારોમાં વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.જ્યારે,પહેલીવાર સમગ્ર હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો છે.
હરણી પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારો
અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા હરણી પોલીસ સ્ટેશન હેઠળનો વિસ્તાર આ મુજબ છે.
કારેલીબાગ રાત્રિ બજાર થી ઉર્મિ સ્કૂલ બ્રિજ થઇ દેણા હાઇવે -ગોલ્ડન બ્રિજ-પાંજરાપોળ-થઇ ખોડિયારનગર, ન્યુ વીઆઇપી રોડ થી એલ એન્ડ ટી સર્કલ રાત્રિ બજારની અંદર આવતો તમામ વિસ્તાર.
બાપોદ પોલીસ સ્ટેશનનો પણ તમામ વિસ્તાર આવરી લેવાશે
બાપોદ પોલીસ સ્ટેશનના પીઆઇએ કહ્યું હતું કે,બાપોદ પોલીસ સ્ટેશનમાં વાઘોડિયા રોડ થી ખોડિયાર નગર વચ્ચેના તમામ વિસ્તારનો સમાવેશ થાય છે.આ વિસ્તારમાં કેટલોક વિસ્તાર અશાંત ધારા હેઠળ અગાઉ આવરી લેવાયો હતો.પરંતુ નવી દરખાસ્ત મુજબ તમામ વિસ્તાર આવરી લેવા માટે માંગણી મુકાઇ હતી.આજે થયેલી જાહેરાતમાં અમારી દરખાસ્ત મંજૂર કરાઇ હોવાનું મનાય છે.જાહેરનામું આવ્યા બાદ તેની વિગતવાર માહિતી જાણવા મળશે.