સાવધાન, સરકારે જ સ્વીકાર્યુ ત્રીજી લહેર આવે તેવી સંભાવના
એમિક્રોનને કાબૂમાં રાખવો સરકાર માટે પડકારરૂપ
કેન્દ્રીય ગૃહ વિભાગે ગુજરાતને સૂચના આપી કે, કોરોનાની માર્ગદર્શિકાનો કડક અમલ કરાવો
અમદાવાદ : ગુજરાતમાં લોકો હજુ કોરોનાને હળવાશથી લઇ રહ્યા છે ત્યારે ખુદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જ કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર આવે તેવી શક્યતા છે તે જોતાં રાજ્યની હોસ્પિટલો સહિત આરોગ્ય તંત્ર સજ્જ કરાયુ છે.
આવનારા દિવસોમાં ન્યુ યર, હોળી અને ઉતરાયણ જેવા તહેવારો આવી રહ્યા છે જેથી એમિક્રોનનુ સંક્રમણ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં એમિક્રોના કેસો ય વધી રહ્યા છે ત્યારે આરોગ્ય મંત્રીએ કબૂલ્યુ છેેકે, કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
લોકજાગૃતિના અભાવે આજે ય બજારોમાં ભીડ જોવા મળી રહી છે. સરકારી-રાજકીય કાર્યક્રમમાં મેદની એકત્ર કરવામાં આવી રહી છે પરિણામે નિષ્ણાતો આગામી દિવસોમાં કોરોના વધુ વકરે તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
આ દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યોને સૂચના આપી છેકે, કોરોના વકરે તેવી દહેશત છે ત્યારે કોરોનાની માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવામાં આવે. જરૂર પડે તો અલાયદી માર્ગદર્શિકા ઘડવામાં આવે. જિલ્લા કક્ષાએ વધુ નિયંત્રણ લાદવામાં આવે. આમ, ત્રીજી લહેરની આશંકાને પગલે લોકો ચિંતાતુર બન્યા છે.