વડોદરા,તા.26.ઓક્ટોબર,શનિવાર,2019
સાતમા પગાર પંચના લાભ નહી મળ્યા હોવાથી આંદોલન છેડવાની ચીમકી આપનાર સરકારી વીજ કંપનીઓના કર્મચારી સંગઠનો અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમના સત્તાધીશો હવે આમને સામને આવી ગયા છે.
ગુજરાત ઉર્જા વિકાસ નિગમે ૧ નવેમ્બરથી આંદોલન શરુ કરવા સામે તાજેતરમાં જ પત્ર લખીને આંદોલન કરવા માટે બનાવાયેલી ગુજરાત ઉર્જા વિકાસ સંયુક્ત સંકલન સમિતિને ચીમકી આપીને કહ્યુ હતુ કે, સરકારે વીજ કંપનીઓના કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ મુકેલો છે.જો કર્મચારીઓ આંદોલન કરશે તો કાયદેસરની કાર્યવાહી થશે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
જોકે હવે ગુજરાત ઉર્જા વિકાસ સંયુક્ત સંકલન સમિતિ બનાવનાર કર્મચારી સંગઠન અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંગઠન અને જીઈબી ઓફિસર્સ એસોસિએશન(જીબીઆ)એ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના સત્તાધીશોને પત્ર લખીને કહ્યુ છે કે, અગાઉ પણ કર્મચારી સંગઠનોએ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં કર્મચારીઓની માંગણીઓ પર કાર્યવાહી કરવા માટે કહ્યુ હતુ.
જોકે સત્તાધીશોએ અને સરકારે તેના પર ધ્યાન આપ્યુ નહી હોવાથી હવે અમારે આંદોલન છેડવાની જાહેરાત કરવી પડી છે.જો કર્મચારીઓની માંગણી અને રજૂઆત પર મેનેજમેન્ટ કાર્યવાહી કરશે તો આંદોલન સ્થગિત કરાશે પણ સરકાર અને મેનેજમેન્ટ ઉપેક્ષિત વલણ અપનાવશે તો અગાઉની જાહેરાત પ્રમાણે ૧ નવેમ્બરથી આંદોલન શરુ કરવામાં આવશે.રાજ્યમાં તમામ સ્થળોએ વીજ કંપનીના કર્મચારીઓ ૧ નવેમ્બરે સૂત્રોચ્ચાર કરશે.૮ નવેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને તમામ ઓફિસોમાં આવેદનપત્ર આપશે.૧૪ નવેમ્બરે માસ સીએલ પર જશે. ૨૦ નવેમ્બર પછી કર્મચારીઓ ગમે ત્યારે અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરશે.


