Get The App

ગુજરાતના ખેડૂતો સ્માર્ટ ફોન ખરીદે તો સરકાર રૂ.1500 સહાય આપશે

Updated: Nov 20th, 2021

GS TEAM

Google News
Google News
ગુજરાતના ખેડૂતો સ્માર્ટ ફોન ખરીદે તો સરકાર રૂ.1500 સહાય આપશે 1 - image


બિલ અને ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે

કૃષિની સરકારી યોજનાઓનો લાભ લેવા ગુજરાતના તમામ ખેડૂતો માટે નવી સ્કીમની જાહેરાત, ખરીદ કિંમતના 10 ટકા રકમ અપાશે

ગાંધીનગર : ગુજરાતના ખેડૂતો સ્માર્ટફોન ખરીદ કરે તો રાજ્ય સરકારે 1500 રૂપિયા સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે. કૃષિ ક્ષેત્રે ડિજીટલ સેવાનો વ્યાપ વિસ્તરે તે હેતુથી રાજ્યના કૃષિ વિભાગે ખેડૂતો માટે આ સહાય યોજના બનાવી છે કે જેથી ખેડૂતો સરકારની ઓનલાઇન સુવિધાનો સીધો લાભ મેળવી શકે અને કૃષિ વિભાગની તમામ સહાય યોજનાઓની ઓનલાઇન અરજી પણ કરી શકે.

વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના માટે 15 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ખેડૂતને સ્માર્ટફોનની ખરીદ કિંમતના 10 ટકા સહાય અથવા 1500 રૂપિયા બન્નેમાંથી જે ઓછી રકમ હશે તે અપાશે.

ઉદાહરણ તરીકે કોઇ ખેડૂત 8000 રૂપિયાનો સ્માર્ટફોન ખરીદ કરે છે તો તેને ખરીદ કિંમતના 10 ટકા પ્રમાણે 800 રૂપિયા અથવા તો 1500 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે મળશે. જો કોઇ ખેડૂત 16000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદ કરે છે તો તેને ખરીદ કિંમતના 10 ટકા એટલે કે 1600 રૂપિયા અથવા 1500 રૂપિયા એ બન્નેમાંથી ઓછું હોય તે મળશે.

આ સહાય માત્ર સ્માર્ટફોનની ખરીદી માટે આપવામાં આવશે પરંતુ ફોનની એસેસરીઝ જેવીકે બેટરી બેકઅપ ડિવાઇસ, ઇયરફોન અને ચાર્જર ખરીદવા નહીં મળી શકે. આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર થશે. યોજના હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એકવાર જ સહાય મળશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં ખેડૂતને તેમની જમીનના 8-અમાં દર્શાવેલા ખાતેદારો પૈકી એક ખાતેદારને અપાશે.

રાજ્યના કોઇપણ ખેડૂત આઇ-ખેડૂત પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા ઓનલાઇન અરજી કરી શકશે જેને સબંધિત વિસ્તરણ અધિકારી કે તાલુકા અમલીકરણ અધિકારી દ્વારા નિયમિત ચકાસણી કરી અરજીની પાત્રતા કે બિન પાત્રતા નક્કી કરાશે અને 15 દિવસમાં જિલ્લા ખેતીવાડી અધિકારી મંજૂરી આપશે.

નિયત સમયમાં સ્માર્ટફોન ખરીદ કર્યા પછી અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટઆઉટ સાથે સ્માર્ટફોન ખરીદીનું અસલ બીલ, મોબાઇલનો આઇએમઇઆઇ નંબર, 8-એની નકલ, રદ કરેલો ચેક અને આધાર કાર્ડની નકલ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે.

Tags :