Get The App

વડોદરામાં શિવરાત્રીએ શિવ પરિવારની સુવર્ણ મઢિત પ્રતિમાઓ સાથે 'શિવજી કી સવારી' નીકળશે

સોમવારે બપોરે ૩.૩૦ વાગ્યે રૃણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી યાત્રાનો પ્રારંભ થશે અને સાંજે સૂરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થશે

Updated: Feb 25th, 2019

GS TEAM

Google News
Google News
વડોદરામાં શિવરાત્રીએ શિવ પરિવારની સુવર્ણ મઢિત પ્રતિમાઓ સાથે 'શિવજી કી સવારી' નીકળશે 1 - image

વડોદરા,તા.25 ફેબ્રુઆરી 2019, સોમવાર

વડોદરાના લોકો જેની એક વર્ષથી આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે તે ઘડી આવી પહોંચી છે. તા.૪ માર્ચ સોમવારે શિવારાત્રી છે અને આ વખતે'શિવજી કી સવારી' શુધ્ધ સોનાથી મઢેલી શિવ પરિવારની પ્રતિમાઓ સાથે નીકળવાની છે. શિવ પરિવારની પ્રતિમાઓને સોનેથી મઢવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને આજે તેનું અનાવરણ પણ કરી દેવામાં આવ્યુ છે.  સુવર્ણ મઢિત પ્રતિમાઓ સાથે નીકળતી દેશની આ પ્રથમ ધાર્મિક શોભાયાત્રા છે માટે દેશભરમાં વડોદરાની શિવજી કી સવારી ભવિષ્યમાં એક અખંડ પરંપરાનું રૃપ લઇ લેશે એમ આયોજકોએ કહ્યું હતું.

વડોદરાની સુરક્ષા અને સમૃધ્ધિ માટે બ્રહ્મલીન  સાવલીવાળા સ્વામીજીએ ધારાસભ્ય યોગેશ પટેલ પાસે લેવડાવેલા સંકલ્પો પૈકી વડોદરામાં શિવરાત્રીએ ભવ્ય શિવયાત્રાનો સંકલ્પ આમ તો ચાર વર્ષ પહેલા જ પૂર્ણ થયો હતો. વડોદરામાં છેલ્લા ચાર વર્ષથી પંચ ધાતુમાંથી નિર્મિત પોઠીયા પર સવાર દેવાધિદેવ ભગવાન શ્રીમન મહાદેવ, મા પાર્વતિ તેમના ખોળામાં બાળ ગણેશ અને પોઠીયાની આગેવાની કરી રહેલા શ્રી કાર્તિકજી તથા નારદજીની પ્રતિમાઓ સાથે શિવરાત્રીએ શિવયાત્રા નીકળી રહી છે. આ વર્ષે તા.૪ માર્ચના રોજ શિવરાત્રીએ પણ આ શિવયાત્રા નીકળવાની છે પરંતુ આ વખતની શિવયાત્રા વિશેષ છે. શિવ પરીવારની પંચધાતુની પ્રતિમાઓને શુધ્ધ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. આજે આ સોને મઢેલ પ્રતિમાઓનુ અનાવરણ કરાયુ હતુ અને શિવરાત્રીએ આ સોને મઢેલ શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે.

તા.૪ માર્ચ સોમવારે શિવરાત્રીના પાવન પ્રસંગે બપોરે ૩.૩૦ વાગ્યે રૃણ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી શિવયાત્રાનો પ્રારંભ થશે. યાત્રા ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, ભગતસિંહ ચોક, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, ફાયર બ્રિગેડ થઇને સૂરસાગર પહોંચશે જ્યાં સાંજે ૭.૧૦ વાગ્યે સૂરસાગર મધ્યમાં સ્થાપિત ૧૧૧ ફૂટના સર્વેશ્વર મહાદેવ સમક્ષ મહાઆરતી થશે. મહાઆરતી બાદ યાત્રા ટાવર-કોઠી થઇને સયાજી હોસ્પિટલની બાજુમાં આવેલા કૈલાસપુરી ખાતે પહોંચીને વિરામ કરશે.

દેશનો એકમાત્ર એવો ધાર્મિક કાર્યક્રમ કે જેમાં તમામ રાજકિય પક્ષો જ નહી પરંતુ મુસ્લિમો પણ સાથ આપી રહ્યા છે

યાત્રાનો રથ મુસ્લિમ મિકેનિકે નિઃશુલ્ક બનાવી આપ્યો છે તો રથને કલર પણ મુસ્લિમ કલાકારે નિઃશુલ્ક કર્યો છે


વડોદરામાં શિવરાત્રીએ 'શિવજી કી સવારી'ની પરંપરાને હજુ તો માંડ ચાર વર્ષ થયા છે પરંતુ તેના આયોજનનું સ્વરૃપ એવુ છે કે વડોદરાની 'શિવજી કી સવારી'એ દેશભરમાં ચર્ચા ઉભી કરી છે.  આ યાત્રાનું આયોજન કોઇ મંદિર, મઠ, સંસ્થા દ્વારા નથી થતું. ધારાસભ્ય યોગેશ પટેલ યાત્રાને પ્રારંભ કરવાના માધ્યમ જરૃર બન્યા પરંતુ યાત્રાનું આયોજન સમગ્ર વડોદરા શહેર કરી રહ્યું છે જેના કારણે આ યાત્રાના આયોજન માટે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષો ખભે ખભા મિલાવીને કામ કરે છે. 

આ યાત્રા રાજકીય રીતે કટ્ટર વિરોધીઓને એક મંચ પર તો લાવી રહી છે પરંતુ દિલચસ્પ વાત એ છે કે હિન્દુ ધર્મની યાત્રા હોવા છતાં શિવ પરિવાર જે રથ પર યાત્રાએ નીકળે છે તે રથને તૈયાર કરનાર મુસ્લિમ મિકેનિક છે અને આ મુસ્લિમ મિકેનિકે રથ તૈયાર કરીને તેમાં એન્જિન બેસાડવા સુધીની તમામ કામગીરી નિઃશુલ્ક કરી આપી છે. તો રથને કલરનું કામ અમદાવાદના મુસ્લિમ કલાકારે નિઃશુલ્ક કરી આપ્યુ છે

તા.૨૮મી ફેબુ્રઆરીથી તા.૯ માર્ચ સુધી નવલખી મેદાન પર શિવરાત્રી મેળામાં સેનાના શસ્ત્રોનું પ્રદર્શન પણ જોવા મળશે

કૈલાશ ખેરનો લાઇવ ઇન કોન્સર્ટ અને ભજન સંધ્યા-ડાયરો. જેવા કાર્યક્રમ જાહેર જનતા માટે યોજાશે


શિવરાત્રી નિમિતે યોજાનાર કાર્યક્રમમાં 'શિવજી કી સવારી' પહેલા તા.૨૭મી ફેબુ્રઆરી બુધવારથી જ વિવિધ કાર્યક્રમોની હારમાળા શરૃ થશે.

જેમાં તા.૨૭ ફેબુ્રઆરી બુધવારે કારેલીબાગ, અંબાલાલ પાર્ક ખાતે રાત્રા ૮ વાગ્યાથી ડાયરાનું આયોજન કરાયુ છે જેમાં ઓસમાણ મીર સહિતના કલાકારો પરફોર્મ કરશે. 

તા.૨૮ ગુરૃવારે મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ પર રાત્રે ૮ વાગ્યાથી ગીતા રબારી અને કલાકારો દ્વારા ડાયરો રજૂ થશે. તા.૧ માર્ચ શુક્રવારે તરસાલી, ગંગાસાગર મેદાન પર બ્રિજરાજ ગઢવી અને દિપક જોષીનો ડાયરો રજૂ થશે તો તા.૨ માર્ચ શનિવારે પોલો ગ્રાઉન્ડ પર રાત્રે ૮ વાગ્યાથી કૈલાશ ખેરનો લાઇવ ઇન કોન્સર્ટ યોજાશે આ  તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે નિઃશુલ્ક રહેશે

તો તા.૨૮મી ફેબુ્રઆરીથી તા.૯ માર્ચ સુધી નવલખી મેદાન પર શિવરાત્રી મેળાનું પણ આયોજન કરાયુ છે. આ મેળામાં હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટ અને ખાદી ગ્રામોદ્યોગની ચીજ વસ્તુઓના ૩૦૦થી વધુ સ્ટોલ હશે. આ ઉપરાંત આયોજકો દ્વારા એવા પ્રયત્નો પણ કરાયા છે કે શિવરાત્રી મેળામાં વડોદરા સ્થિત ઇ.એમ.ઇ.ના સહયોગથી ભારતીય સેનાના શસ્ત્રોનું પણ પ્રદર્શન યોજાય કે જેથી શહેરીજનો સેનાના શસ્ત્રોને જોઈ શકે અને તેનાથી પરિચીત થઇ શકે.

સુવર્ણ મઢિત શિવ પરિવારનું કાયમી સરનામુ હવે જાગનાથ મહાદેવ રહેશે

હાલમાં શિવ પરિવારની પ્રતિમાં એસએસજી હોસ્પિટલની બાજુમાં કૈલાસપુરી ખાતે રાખવામાં આવી છે. શિવરાત્રીએ 'શિવજી કી સવારી'ના સમાપન બાદ પ્રતિમાઓને કેલાસપુરી લવાશે અને થોડા વિરામ પછી રાતના ૧૨ વાગ્યા પહેલા કલાલી ખાતે આવેલા પ્રાચિન શ્રી જાગનાથ મંદિર પરિસરમાં આ પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવશે અને પછી આ પ્રતિમાઓ કાયમ માટે ત્યાજ સ્થાપિત રહેશે. શહેરીજના ત્યાં ે સુવર્ણ મઢીત શિવ પરિવારના રોજ દર્શન પ્રદક્ષિણા કરી શક્શે , વળી ત્યાં આ પ્રતિમાઓની રોજ પૂજા અર્ચના અને આરતી પણ થશે.

Tags :