વડોદરા: સાંકરદામાં નશીલા પદાર્થો બનાવવામાં વપરાતું રો-મટીરીયલનું ગોડાઉન ઝડપાયું
વડોદરા,તા. 22 ઓગષ્ટ 2022,સોમવાર
એટીએસ તથા વડોદરા એસ.ઓ.જીએ સંયુક્ત રીતે વડોદરા નજીક સાંકરદા જીઆઇડીસીમાં આવેલ ગોડાઉનમાંથી મેફેડ્રોન ડ્રગ્સનું રો-મટીરીયલ ઝડપી એક શખ્સની અટકાયત કરી હોવાની વિગતો સામે આવી છે.
એટીએસ તથા વડોદરા એસઓજીની ટીમોએ આજે સાંકરદા જીઆઇડીસી ખાતે આવેલ ગોડાઉનમાં દરોડો પાડી મેફેડ્રોન ડ્રગ્સનું લાખો રૂપિયાની કિંમત ધરાવતું રો મટીરીયલ ઝડપી પાડવામાં આવ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે. દરોડા સાથે એફએસએલ પણ સ્થળ પર પહોંચી છે. તેમજ એક વ્યક્તિની અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદ એટીએસએ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ખાતે આવેલી કંપનીમાં દરોડો પાડી 1125 કરોડની કિંમતનો 250 કિલો વજનનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા કંપની સંચાલક સહિત છ આરોપીઓના અદાલતે નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જે તપાસમાં રો મટીરીયલ સાકરદા જીઆઇડીસી ખાતેના ગોડાઉનમાં રાખવામાં આવતું હોવાની કડી પોલીસના હાથે લાગતા તેના આધારે આ દરોડો નેટવર્કના મૂળ સુધી પહોંચવાની દિશામાં પોલીસે સઘન તપાસ આરંભી છે.