ગોધરાના ધારાસભ્યે હાઈકોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી કાઢ્યું
ધારાસભ્યે માથાભારે શખ્સને તડીપાર કરવાના મામલે મીડિયા સમક્ષ વહીવટીતંત્રના હુકમને બિરદાવ્યો હતો
ગોધરા: ગોધરાના વાવડી ખુર્દ ગામના માથાભારે શખ્સ પ્રવિણ ચારણને તડીપાર કરવાનો હુકમ એસડીએમએ ફરમાવ્યો હતો જેને પહેલા બિરદાવનાર ગોધરાના ભાજપના ધારાસભ્યે હાઈકોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી કાઢ્યું છે.
વાવડી ખુર્દ ગામના માથાભારે શખ્સ પ્રવિણને તડીપાર કરવાના હુકમ સામે હાઈકોર્ટે તાજેતરમાં નારાજગી વ્યક્ત કરી તડીપારનો હુકમ કરવા બદલ એસડીએમની ઝાટકણી કાઢી હતી. તડીપારના હુકમને ધારાસભ્ય સી.કે.રાઉલજીએ મીડિયા સમક્ષ બિરદાવીને હાઈકોર્ટમાં જરુરી જવાબ રજૂ કરીશ તેવું નિવેદન આપ્યું હતું. જો કે આજે તેમણે હાઈકોર્ટમાં 'મારા મોબાઈલ પર માથાભારે શખ્સે વારંવાર કોલ કરી ગાળાગાળી કરતા અમારા પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે આ એફઆઈઆરના આધારે તેને તડીપાર ન કરવો જોઈએ' આ પ્રકારનું સોગંદનામું રજૂ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.