Get The App

સિક્યોરીટી પોઇન્ટ બદલવામાં આવતા GISFના ગાર્ડે તેના ઓફિસરને રસ્તામાં આંતરીને લાફો ઝીંકી દીધો

શાહીબાગ રામવાટીકા સોસાયટી પાસેની ઘટનાઃ ધંધુકાનો પોઇન્ટ બંધ થતા ધોલેરાના નવા પોઇન્ટ પર ટ્રાન્સફર આપવામાં આવી હતી

Updated: May 25th, 2023

GS TEAM


Google News
Google News
સિક્યોરીટી પોઇન્ટ બદલવામાં આવતા GISFના  ગાર્ડે  તેના ઓફિસરને રસ્તામાં આંતરીને લાફો ઝીંકી દીધો 1 - image

અમદાવાદ,ગુરૂવાર

ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી  ફોર્સમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિએ જીઆઇએસએફમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીને ધોલેરાનો પોઇન્ટ આપવાના બાબતે દાદાગીરી કરીને શાહીબાગ વિસ્તારમાં રસ્તામાં રોકીને માર માર્યો હતો. જે અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના વસ્ત્રાલ  આલોક- ૫ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઇ સુથાર  શાહીબાગ મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં આવેલી  જીઆઇએસએફની ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. જેમાં તેમનું કામ ગુજરાતમાં કોઇ સિક્યોરીટી પોઇન્ટ બધ થાય તો તે પોઇન્ટના સિક્યોરીટી ગાર્ડને અન્ય જગ્યાએ મુકવાનું હોય છે. ધંધુકાના  ખસ્તામાં રહેતા અજીતસિંહ ગોહિલ  ધંધુકા નર્મદા વસાહત ખાતે  નોકરી કરતો હતો. જો કે ત્યાંનો પોઇન્ટ ૩૧મી માર્ચથી બંધ થયો હતો. જે બાદ અજીતસિંહ ઓફિસે નવા પોઇન્ટની ડયુટી લેવા માટે હાજર રહ્યો નહોતો.  જો કે ત્રણ દિવસ પહેલા શાહીબાગ  ઓફિસમાં આવ્યો હતો. જ્યાં તેણે જીઆઇએસએફના સીઇઓ આર ડી બરંડા સાથે મુલાકાત કરી હતી. જે બાદ  એલ ડી એન્જીનીયરીંગ ખાતે તેને મોકલવાનું નક્કી કરાયું હતું. પરંતુ, એલ ડી એન્જીનીયરીંગના  સિક્યોરીટી ઇન્સ્પેક્ટરે અજીતસિંહને  અહીયા ગાર્ડ તરીકે ન મુકવા માટે કહેતા તેને આર સી ટેકનીકલના પોઇન્ટનો ઓર્ડર કરાયો હતો. જો કે અજીતસિંહ તે ઓર્ડર લેવા માટે આવ્યો નહોતો. જે બાદ બીજા દિવસે આવીને ફરીથી તેણે રજૂઆત કરતા તેને ધોલેરા સેઝ ખાતે ગાર્ડ તરીકેનો ઓર્ડર કરાયો હતો બીજી તરફ સાંજના સમયે દિનેશભાઇ આઇપીએસ મેસ શાહીબાગ ખાતે જતા હતા. ત્યારે અજીતસિંહ અને અન્ય એક વ્યક્તિ આવ્યા હતા અને તેમણે દિનેશભાઇને રોકીને ધમકી આપી હતી કે મારો એલ ડી એન્જીનીયરીંગનો ઓર્ડર કેમ રદ કર્યો? બાદમાં દિનેશભાઇને તમાચો મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે તેમણે શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :