વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલની 750 વિદ્યાર્થિનીઓની વીજળીક હડતાલ
- વેલકમ હોસ્પિટાલિટી દ્વારા હોસ્ટેલમાં અપાતા ભોજનમાં ઇયળ, જીવાત નીકળતી હોવાની અને કાચું ભોજન અપાતું હોવાની ફરિયાદ
વિદ્યાર્થિનીઓએ કોન્ટ્રાક્ટર સામે સૂત્રોચ્ચાર પોકાર્યા, મોડી રાત સુધી યોગ્ય ભોજનની વ્યવસ્થા નહી થતાં વિદ્યાર્થિનીઓએ હોટલમાંથી જમવાનું મગાવ્યું
વડોદરા, તા.16 સપ્ટેમ્બર 2019, સોમવાર
પોતાના ગામ શહેરમાં અભ્યાસની પુરતી સુવિધાઓ નહી હોવાથી વડોદરા ખાતે અભ્યાસ માટે આવેલી અને અહીની સમરસ હોસ્ટેલમાં રહેતી ૭૫૦ વિદ્યાર્થિનીઓ હોસ્ટેલમાં જમવામાં અખાદ્ય ખોરાક આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે આજે સાંજે અચાનક જ હડતાલ પર ઉતરી ગઇ હતી. સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થિનીઓએ કોન્ટ્રાક્ટર સામે બળવો પોકાર્યો હતો અને રસ્તા પર આવી ગઇ હતી. મોડી રાત સુધી આ સમસ્યાનો ઉકેલ નહી આવતા વિદ્યાર્થિનીઓએ હોટલમાંથી જમવાનું મંગાવીને રાત્રી ભોજન કર્યુ હતું.
શાસ્ત્રી બ્રિજ પાસે પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે 'છેલ્લા ત્રણ ચાર મહિનાથી કોન્ટ્રાક્ટર દ્વારા જમવાનું બરાબર આપવામાં આવતુ નથી. સવારે દુધમાં પાણી મિશ્રણ કરીને અપાય છે. સવારના નાસ્તામાં બટાકા પૌંઆ અપાય છે તે પણ કાચા હોય છે.પૌંઆમાંથી ઇયળ નીકળે છે.વિદ્યાર્થિનીઓ કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી બપોરનું ભોજન હોતુ નથી પરંતુ રાત્રી ભોજનમાં વેઠ ઉતારવામાં આવે છે.રાત્રે જમવામાં શાક અપાય છે જેમાં શાકભાજી કાચા અને સડેલા હોય છે. રોટલી કાચી હોય છે. ઢોકળામાંથી કાકરીઓ નીકળે છે.
અમે આ અંગે કોન્ટ્રાક્ટર વેલકમ હોસ્પિટાલિટીના સંચાલકો ભગીરથ ગોસ્વામી, વિમલ જૈન અને યશ રામાનુજને અનેક વખત ફરિયાદ કરી છે. હોસ્ટેલ વોર્ડન મધુબેન ચૌૈધરીને પણ ફરિયાદો કરી છે પણ કોઇ ઉકેલ આવતો નથી આજે સવારે પણ કાચા પૌંઆ બટાકા અપાયા હતા. અમારી ફરિયાદ સાંભળવામાં આવતી નહી હોવાથી આજે અમારે ફરજીયાત હડતાલ પાડવી પડી છે. આજે સાંજથી ૫૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ હડતાલ પર બેસી ગઇ છે.
કોન્ટ્રાક્ટર ડીએસપીના સંબંધી હોવાનો રોફ જમાવે છે પોલીસે વિદ્યાર્થિનીઓનો પક્ષ લેવાના બદલે કેરિયર ખરાબ થવાની ધમકી આપી
બાઉન્સર જેવા કોન્ટ્રાક્ટરના માણસો પોલીસની હાજરીમાં ગર્લ્સ હોસ્ટેલમાં ગરેકાયદે ઘુસ્યા
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર વિદ્યાર્થિનીઓ પણ એવી રોફ જમાવે છે કે પોતે ડીએસપીનો સંબંધી છે અને તેનું કોઇ કશુ બગાડી નહી શકે. વિદ્યાર્થિનીઓ કહે છે કે આજે અમે હડતાલ પાડી તો કોન્ટ્રાક્ટરે તાત્કાલીક પોલીસ બોલાવી લીધી હતો. બાઉન્સર જેવા કોન્ટ્રાક્ટરના માણસો પણ ગર્લ્સ હોસ્ટેલમાં ગેરકાયદે ઘુસી ગયા હતા. પોલીસ આ બધુ જોઇ રહી હતી છતાં કોન્ટ્રાક્ટરના માણસોને રોક્યા ન હતા. પોલીસે અમારો પક્ષ લેવાના બદલે કોન્ટ્રાક્ટરનો પક્ષ લઇને વિદ્યાર્થિનીઓને કેરિયર ખરાબ થવાની ધમકી આપીને હડતાલ બંધ કરવા માટે સૂચના આપી હતી.
પરંતુ વિદ્યાર્થિનીઓ આજે લડાયક મુડમાં હતી અને અમારો આક્રોશ જોઇને પોલીસ પણ સમજી ગઇ હતી. પહેલા જો પુરૃષ કોન્સ્ટેબલ જ આવ્યા હતા પછીથી બે મહિલા કોનસ્ટેબલ આવી હતી.
પૈસા ૭૫૦ છોકરીઓના ચૂકવાય છે, જમે છે માત્ર ૨૫૦ છોકરીઓ
વિદ્યાર્થિનીઓએ કહ્યું હતું કે હોસ્ટેલમાં સવારનો ચા,દૂધ, નાસ્તો, બપોરનું ભોજન, સાંજના ચા,દૂધ અને રાત્રી ભોજનના પૈસા કોન્ટ્રાક્ટરને ચૂકવવામાં આવે છે. બપોરના ભોજનમાં મોટાભાગની છોકરીઓ હોતી નથી. માંડ ૨૦૦ થી ૨૫૦ છોકરીઓ બપોરના ભોજનમાં હોય છે. એટલે ૭૫૦ના પૈસા ચુકવાય છે જમે છે માંડ ૨૫૦ છોકરીઓ એટલે કોન્ટ્રાક્ટરને બપોરના ભોજનમાં એમ પણ ફાયદો થાય છે તેમ છતાં હલકી કક્ષાનું ભોજન આપવામાં આવે છે
છાસમાંથી ગરોળીનું મરલું બચ્ચું નીકળ્યું હતું
વિદ્યાર્થિનીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે લાસ્ટ વીક છાસમાંથી ગરોળીનું મરેલુ બચ્ચુ નીકળ્યુ હતું. અમે ત્યારે વોર્ડન મેડમ અને કોન્ટ્રાક્ટર યશ રામાનુજને રજૂઆત પણ કરી હતી તેમ છતાં પણ કોઇ અસર થઇ નથી.
સવારે પૌંઆમાંથી ધનેડુ અને ઇયળ નીકળ્યા હતા : વોર્ડન
સમરસ હોસ્ટેલના વોર્ડન મધુબેન ચૌધરીએ કહ્યું હતું કે 'જમવાની ક્વોલિટી નથી એવી ફરિયાદ એક સપ્તાહથી છોકરીઓ કરી રહી છે. હોસ્ટેલમાં ૭૫૦ છોકરીઓ છે. જેમાંથી અડધી છોકરીઓ તો શાંતિથી જમી લે છે. ગયા અઠવાડિયે જમવાનું હલકી કક્ષાનું હોવાની ફરિયાદ આવી હતી ત્યારે કોન્ટ્રાક્ટરે સ્ટાફ ચેન્જ કરવાની વાત કરી હતી. આજે સવારે પૌંઆમાંથી ધનેડુ અને ઇયળ નીકળી હોવાની ફરિયાદ હતી'