mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વોટર સ્ટેશનના કામમાં ઘોબાચારી : માટીના નામે રૃપિયા ૩૯ લાખ ઉલેચવાનો પ્રયાસ

Updated: Oct 20th, 2023

વોટર સ્ટેશનના કામમાં ઘોબાચારી : માટીના નામે રૃપિયા ૩૯ લાખ ઉલેચવાનો પ્રયાસ 1 - image


કોર્પોરેશનની સ્થાયી સમિતિએ દરખાસ્ત પરત કરી

સમિતિ દ્વારા તપાસ કરવામાં આવતા ભાંડો ફુટયો : દરખાસ્ત કરનાર અધિકારી-કર્મચારીઓની પણ હવે તપાસ કરવામાં આવશે

ગાંધીનગર : ચરેડી ખાતે બની રહેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાંથી નિકળતી માટી દૂર નાંખવા જવા માટે વધારાના ૩૯ લાખ રૃપિયા મંજુર કરવા માટે દરખાસ્ત કરાઇ હતી.આ દરખાસ્ત અંગે તપાસ કરતા તેમાં પણ કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું જેના પગલે સ્ટેન્ડીંગ કમિટીએ આ દરખાસ્તને પરત કરી છે. એટલુ જ નહીં, કોર્પોરેશનની તિજોરી ઉપર આર્થિક બોજો પડે તે રીતે અને એજન્સીના હિતમાં દરખાસ્ત કરનાર અધિકારી કર્મચારીઓની તપાસ કરવા માટે પણ સુચના આપવામાં આવી છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આવતા ચરેડી ખાતેના વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું ૨૩ કરોડ રૃપિયાના ખર્ચે કામ ચાલી રહ્યું છે ત્યારે અહીં તપાસ દરમ્યાન ગેરરીતિઓ સામે આવી છે. આવી સ્થિતિ વચ્ચે અહીં કામ કરતી એજન્સીને ફાયદો થાય તે રીતે સ્ટેન્ડીંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી હતી તે નામંજુર કરવામાં આવી હતી.આ અંગે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશવંત પટેલે જણાવ્યું હતું કે, ચરેડી વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનમાં માટી દૂર નાંખવાની કામગીરી પેટે વધારાના ૩૯ લાખ રૃપિયા મંજૂર કરવાની દરખાસ્ત આવી હતી. આસપાસમાં ક્યાય ખુલ્લો પ્લોટ નહીં હોવાને કારણે માટી દૂર નાખવા જવુ પડે તેમ છે તેવો દરખાસ્તમાં ઉલ્લેખ કરાયો હતો પરંતુ આ સ્થળના ૨૦૦ મીટર એરિયામાં પાંચ ખુલ્લા પ્લોટ આવેલા છે. જેમાં માટી નાંખી શકાય તેમ છે.આ ઉપરાંત એજન્સી દ્વારા માટી નાંખવાનો ખર્ચ પણ બેગણો વધારે બતાવવામાં આવ્યો છે.જેથી આ દરખાસ્ત સીધીરીતે જોઇએ તો આ એજન્સીના હિતમાં અને કોર્પોરેશનની તિજોરી ઉપર બોજો પડે તેમ હોવાને કારણે પરત કરવામાં આવી છે. એટલુ જ નહીં, આવી દરખાસ્ત મુકીને કોર્પોરેશનના રૃપિયા પડાવાનો પણ પ્રયાસ થયો હોવાનું ધ્યાને આવતા આ મામલે એજન્સી સામે તપાસ કરવા ઉપરાંત દરખાસ્ત કરનાર અધિકારી-કર્મચારીની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું લાગી રહ્યુ છે ત્યારે આ મામલે પણ ગહન તપાસ કરવા પ કમિશનરને સુચના આપવામાં આવી છે.

 કામ ઉપર નજર રાખતી એજન્સીની ભૂમિકા પણ શંકાસ્પદ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં કરોડો રૃપિયાના વિકાસ કામો થઇ રહ્યા છે. ત્યારે વોટર ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરતી અંકિતા કંસ્ટ્રક્શન અન્ય વિકાસના કામો પણ કરી રહી છે ત્યારે આ કામોના સુપરવીઝન માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંસલ્ટન્સી માટે મલ્ટી મીડીયા કંપનીને છેલ્લા ત્રણ વર્ષથી રોકવામાં આવી છે. પરંતુ આ પ્રકારની દરખાસ્તો ચકાસવાની તસ્દી પણ ેલેવામાં આવી નથી. અગાઉ આ કંપનીને નોટિસો ફટકારવામાં આવી હતી. ત્યારે આ કંપનીની સાથે પીએમસીની પણ ભૂમિકા શંકાસ્પદ જણાઇ રહી છે જે અંગે પણ તપાસ કરવા માટે સુચના આપવામાં આવી છે.

Gujarat