For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કુડાસણમાં કારનો કાચ તોડી ગઠિયા એક લાખની રોકડ ચોરીને પલાયન

Updated: Nov 24th, 2022

Article Content Image

ગાંધીનગર શહેર આસપાસમાં વધતી ચોરીઓ વચ્ચે

ગુડા આવાસ યોજના પાસે કાર પાર્ક કરીને વેપારી ગયા તે દરમ્યાન ચોરોએ હાથ સાફ કર્યોઃસીસીટીવીના આધારે તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા કુડાસણમાં ગુડા આવાસ યોજના પાસે પાર્ક થયેલી કારનો કાચ તોડીને ગઠિયાઓ તેમાંથી એક લાખ રૃપિયાની રોકડ ચોરીને પલાયન થઇ ગયા હતા વેપારી પહોચ્યા ત્યારે ચોરીનો અંદાજ આવ્યો હતો જેથી આ મામલે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગરમાં આમ તો શિયાળાની કડકડતી ઠંડી દરમ્યાન ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે પરંતુ હજુ સુધી તસ્કર ટોળી ગાંધીનગરમાં સક્રિય થઇ નથી ત્યારે ગઠિયાઓ નાની મોટી ચોરી કરવા મેદાને ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેર નજીક આવેલા કુડાસણના વેપારી ગુડા આવાસ યોજના પાસે તેમની કાર પાર્ક કરીને કામ અર્થે ગયા હતા અને તેમનું કામ પુર્ણ કરીને પરત ફર્યા ત્યારે કારના પાછળના દરવાજાનો કાચ તૂટેલી હાલતમાં જણાયો હતો.જેથી તપાસ કરતા કારમાં રહેલા એક લાખ રૃપિયા ચોરાયા હતા આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતા ગઠિયાઓનો કોઇ અતોપત્તો લાગ્યો ન હતો જેથી આસપાસના સીસીટીવી ફુટેજને આધારે તપાસ શરૃ કરવામાં આવી  છે અને આ મામલે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ કરવાની તજવીજ પણ શરૃ કરવામાં આવી છે. નોંધવું રહેશે કે, હવે લગ્ન સિઝન શરૃ થઇ ગઇ છે ત્યારે પાર્ટીપ્લોટ બહાર પણ પાર્ક થયેલી કારમાંથી કિંમતી માલ સામાનની ચોરી થવાની શક્યતા વધી શકે છે તેથી પોલીસે આ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવાની જરૃરીયાત લાગી રહ્યું છે.

Gujarat