એક જ સ્પોટ પર ગંદકી કરનારા માટે પાલિકાની ત્રીજી આંખ પણ નિષ્ફળ
પાલિકાએ કન્ટેનર હટાવી દીધા બાદ પણ કેટલાક સ્પોટ પર હજી પણ કચરો નાખે છે : પાલિકા આ કચરો ઉલેચે પણ ગણતરીની મિનિટોમાં ફરીથી કચરાના ઢગ થઈ જાય છે
કાદરશાની નાળ, નાની બેગમવાડી, મોમનાવાડ, બમરોલી, ભટાર આઝાદ નગર, સગરામપુરા સહિત અનેક વિસ્તારમાં લોકો જાહેરમાં કચરો નાખતા અચકાતા નથી
સુરત, તા. 25 એપ્રિલ 2023 મંગળવાર
સુરત મહાનગરપાલિકાએ જાહેરમાં કચરો નાખતા લોકોને અટકાવવા માટે સીસી કેમેરા નો ઉપયોગ કર્યો છે. પાલિકાએ 100 કરોડથી વધુના ખર્ચે બનાવેલા અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેથી મોનીટરીંગ કરીને કચરો ફેંકનારાઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં પાલિકાએ સીસી કેમેરા નો ઉપયોગ કરીને કચરો ફેંકનારાઓને અટકાવ્યા છે. પરંતુ ન્યુસન્સ રૂપ એવા કેટલાક વિસ્તારમાં પાલિકાની ત્રીજી આંખની કોઈ અસર જોવા મળતી નથી. ન્યુસન્સ ફેલાવનારા સામે આકરાં પગલાં ભરાતા ન હોવાથી શહેરના કેટલાક ન્યુસન્સ પોઈન્ટ પર ફેંકાતો કચરો સ્વચ્છ સુરત મિશન માટે ખતરો બની ગયો છે.

સુરત શહેરને કન્ટેનર ફ્રી સીટી બનાવવા માટે પાલિકાએ કન્ટેનર હટાવી દીધા છે. કન્ટેનર હટાવીને ત્રણ વર્ષ કરતાં વધુ સમય થયો હોવા છતાં કેટલાક વિસ્તારના લોકો હજી પણ એ સ્પોટ પર કચરો નાખી રહ્યાં છે.પાલિકા આ કચરો ઉલેચે પણ ગણતરીની મિનિટોમાં ફરીથી કચરાના ઢગ થઈ જાય છે આવા લોકો સામે પાલિકા કોઈ નક્કર કામગીરી કરતી ન હોવાથી લોકો કચરો ફેંકીને શહેરમાં ગંદકી ફેલાવી રહ્યાં છે.પાલિકા આ કચરો ઉલેચે પણ ગણતરીની મિનિટોમાં ફરીથી કચરાના ઢગ થઈ જાય છે જે સ્વચ્છ સુરત સર્વેક્ષણ માટે ખતરો છે.

સુરત પાલિકાની આ સ્થિતિ અંગે સ્થાયી સમિતિના મહિલા સભ્ય રશ્મી સાબુએ ફોટોગ્રાફ સાથે રજૂઆત કરી છે. જે જગ્યા કચરા માટે ન્સુસન્સ પોઈન્ટ સાબિત થયાં છે તે વિસ્તારમાં ખાસ સુપરવિઝન રાખવા ઉપરાંત આઈસીસીસી મારફતે મોનીટરીંગ કરીને કચરો ફેંકનારા લોકોને દંડ કરીને કાયમી ધોરણે કચરો ફેંકતા અટકાવી શકાય તેમ છે તેવી રજૂઆત કરી છે. જો આઈ સીસીસી અન્ય જગ્યાએ કચરો ફેંકતા લોકોને દંડ કરતું હોય તો કાદરશાની નાળ, નાની બેગમવાડી, મોમનાવાડ, બમરોલી, ભટાર આઝાદ નગર, સગરામપુરા સહિત અનેક વિસ્તારમાં લોકો જાહેરમાં કચરો નાખતા લોકો સામે આકરી કામગીરી કરવી જોઈએ તેવી માગણી કરી છે.
શહેરના કેટલાક ન્યુસન્સ પોઈન્ટ પર ફેંકાતો કચરો સ્વચ્છ સુરત મિશન માટે ખતરો#Surat #CleanSuratMission #Garbage #SuratMunicipalCorporation pic.twitter.com/ffNhwA4eo9
— Gujarat Samachar (@gujratsamachar) April 25, 2023
જે લોકો આ ન્યુસન્સ પોઈન્ટ પર કચરો ફેંકી રહ્યાં છે તેની સામે આકરા પગલાં ભરવા જોઈએ તેવી રજૂઆત થઈ છે. આ વિસ્તારમાં કન્ટેનર હટાવી લીધા છે અને કચરો નહીં ફેંકવા માટે સુચના આપવામાં આવી છે તેમ છતાં કેટલાક તત્વો આ જગ્યાએ કચરો ફેંકી અને શહેરની સુંદરતાને ડાઘ લગાવી રહ્યા છે. લોકો રોજ કચરો ફેંકે છે તેને પાલિકા ઉલેચી પણ લે છે પરંતુ થોડા જ સમયમાં ફરીથી અહીં કચરો ફેંકાઈ રહ્યો છે તે ગંભીર બાબત છે. શહેરના રોડને કચરો પેટી સમજી આડેધડ કચરો ફેંકનારા સામે આકરા પગલાં ભરવામાં આવશે તો જ આ કચરો બંધ થશે તેથી કડક કાર્યવાહી કરવા માટે માગણી થઈ રહી છે.


