સુરતમાં દબદબાભેર ગણેશોત્સવનો આરંભ, શહેર વિઘ્નહર્તામય બનશે
Updated: Sep 19th, 2023
- આગામી દસ દિવસ ભગવાન વિનાયકની આરતી, પૂજા સહિતના ધાર્મિક તથા સેવાના કાર્યનો સંગમ થશે
- વહેલી સવારથી મોડી સાંજ સુધી ગણેશજીની પ્રતિમા લેવા માટે પ્રતિમાકાર પાસે ભીડ જામી : આ વર્ષે ઈકો ફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાની સંખ્યામાં વધારો
સુરત,તા.19 સપ્ટેમ્બર 2023,મંગળવાર
આજે સુરતના મુખ્ય માર્ગો સહિત નાના માર્ગો પર પણ શ્રીજીની શોભાયાત્રા મોટી સંખ્યામાં જોવા મળી હતી. શહેરના રસ્તા ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠ્યા હતા. ગણેશ મહોત્સવ અને મહોલ્લા,પોળોમાં શ્રી સ્થાપન માટે સવારે ભકતજનો વાજતેગાજતે પ્રતિમા બનાવનારાઓને ત્યાંથી મુર્હૂત પ્રમાણે પ્રતિમા લઈને સ્થપાના મંડપે કે ઘરે પહોંચ્યા હતા.
આજથી દબદબાભેર સુરતમાં ગણેશોત્સવનો પ્રારંભ થયો છે અને તેના કારણે શહેર વિધ્નહર્તામય બની ગયું હોય તેવા દ્રષ્યો અનેક જગ્યાએ જોવા મળતા હતા.
આમ તો સુરતમાં છેલ્લા દસ દિવસથી શ્રીજીની આગમન યાત્રા થાય છે પરંતુ આજે ગણેશ ચતુર્થી હોવાથી ગઈકાલે મોડી સાંજથી આજે મોડી સાંજ સુધી ગણેશજીની સ્થાપના કરનારા ભક્તો બાપાને ઘરે કે મંડપમાં લાવવા માટે ઉતાવળા બન્યા હતા. શહેરમાં પ્રતિમા બનાવનારને ત્યાંથી પૂજા, આરતી કરીને વાજતે ગાજતે ઘરે કે મંડપમાં લાવવા માટે નિકળી પડ્યા હતા. શહેરમાં અનેક જગ્યાએ પ્રતિમા બનાવનારાઓને ત્યાં ભક્તોની ભીડ જામી હતી. ગણપતિજીની પ્રતિમા લઈ જતી વખતે ગણપતિ બાપા મારિયા, અડધુ લાડુ ચોરીયા જેવા નારાથી સુરતના અનેક વિસ્તાર ગુંજી ઉઠ્યા હતા.
ગત વર્ષની સરખામણીમાં ગણેશ ભક્તોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃત્તિ વધુ જોવા મળી હતી અને મોટી સંખ્યામાં લોકો પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાના બદલે ઈકો ફ્રેન્ડલી માટીની પ્રતિમા લઈ જતા નજરે પડ્યા હતા. આજથી ગણેશોત્સવ શરુ થયો છે ત્યારે ગણેશજીની ભક્તિ સાથે અનેક ગણેશ મંડળો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામા આવશે.