ગાંધીનગર : ચેખલાપગીના આધેડનું મોતઃવધુ 11 કેસ
- સે-૨૧માં રહેતાં અમ.કોર્પોરેશનના કર્મી બાદ તેની પત્નિ પણ ચેપગ્રસ્ત
- મુંબઇથી પુંધરા આવેલા ૫૪ વર્ષિય પુરૂષ કોરોનામાં પટકાયા
ગાંધીનગર, તા. 24 મે 2020, રવિવાર
છુટછાટવાળા લોકડાઉન - ૪માં સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઇ રહ્યું હોય તેમ ગાંધીનગર શહેર અને જિલ્લાના આંકડા જોઇને સ્પષ્ટ લાગી રહ્યું છે. ગઇકાલે ૧૧ કેસ આવ્યા બાદ આજે વધુ ૧૧ કેસનો ઉમેરો થયો છે. ગઇકાલે કલોલ અને દહેગામમાં એક - એક કોરોના પોઝિટિવ દર્દીના મોત નિપજ્યા હતા. જ્યારે આજે દહેગામના ચેખલાપગી ગામના આધેડનું મોત થયું છે. મજરા ચાર રસ્તા પાસે શાકભાજીનો વેપાર કરતાં આ ૪૮ વર્ષિય આધેડ ગઇકાલે પોઝિટિવ આવ્યા હતા. તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બીજા દિવસે તેમનું મોત નિપજ્યું હતું. ગાંધીનગરમાં આ સાથે મોતનો આંકડો વધીને ૧૧ સુધી પહોંચી ગયો છે. ત્યારે આજે પણ નવા ૧૧ દર્દીઓ ઉમેરાતા પોઝીટીવ દર્દીનો આંકડો ૨૨૧ સુધી પહોંચી ગયો છે. આજે પોઝિટિવ આવેલાં મોટાભાગના દર્દીઓનું અમદાવાદ કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે લોકડાઉન - ૪માં છુટછાટનો દુરઉપયોગ થઇ રહ્યો હોવાના કારણે નજીકના દિવસોમાં જ ચુસ્ત લોકડાઉન સરકાર અમલી બનાવે તો નવાઇ નહીં.
સેક્ટર-૧૩માં રહેતી કિડની હોસ્પિટલની નર્સ પોઝિટિવ
અમદાવાદ આવશ્યક સેવાઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓને કારણે ગાંધીનગરમાં દર્દીઓની સંખ્યા વધી છે તે દેખીતી છે. આવી સ્થિતિમાં અમદાવાદ કિડની હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર્સ નર્સ પણ સંક્રમિત થઇ છે. મળતી વિગતો પ્રમાણે સેક્ટર-૧૩માં રહેતી અને અમદાવાદ સિવિલ સંકુલમાં આવેલી કિડની હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી ૩૧ વર્ષિય યુવતિને તાવ સહિતની તકલીફ હતી. જેને પગલે તેણીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. આ પોઝિટિવ સ્ટાફ નર્સને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તો પાંચ સભ્યોને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
સે-૨૧માં રહેતાં અમ.કોર્પોરેશનના કર્મી બાદ તેની પત્નિ પણ ચેપગ્રસ્ત
કોરોનાના સંક્રમણ વચ્ચે પણ આરોગ્યની સેવા કથળે નહીં તે માટે મેડિકલ અને પેરામેડિકલ જ નહીં પરંતુ આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ કપરા સમયમાં ખંતથી કામ કરી રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં ફરજ બજાવતાં અને સે-૨૧ છ ટાઇપમાં રહેતો ૨૭ વર્ષિય યુવાન અમદાવાદથી ચેપગ્રસ્ત થયો હતો. ગત મંગળવારે આ યુવાન પ્રોઝિટિવ આવ્યો હતો ત્યારે તેની પત્નિને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવી હતી. જેને સામાન્ય સામાન્ય લક્ષણો જણાયા હતા. જેથી આ રપ વર્ષિય યુવતિનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પણ પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. આમ સેક્ટર-૨૧માંથી વધુ એક પોઝિટિવ દર્દી મળી આવ્યો છે.
ડયુટી માટે આવવા નિકળેલી નર્સનો રીપોર્ટ પોઝિટિવ આવતા અટકાવાઇ
અમદાવાદ મેઘાણીનગરમાં રહેતી અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ઇન્ચાર્જ નર્સ તરીકે ફરજ બજાવતી પ૦ વર્ષિય મહિલાએ એક દિવસ પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. પોતાના પરિવારના અન્ય વ્યક્તિ કોરોનામાં સપડાયા હોવાના કારણે આ નર્સે ટેસ્ટ કરાવ્યો હતો જેનો ગઇકાલે પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો પરંતુ શરતચુકતી આ નર્સને તેણી નેગેટિવ હોવાનું કહી દેવામાં આવ્યું હતું. જેના કારણે આ નર્સ ખુશ થઇ ગઇ હતી અને રાત્રે ૮ વાગ્યાની ડયુટીમાં ગાંધીનગર સિવિલ ખાતે આવવા રવાના થઇ ગઇ હતી. તે દરમિયાનમાં જ સિવિલ સત્તાધિશોને આ નર્સ પોઝિટિવ હોવાનો ખ્યાલ આવતાં તેણીને ફોન કરીને સિવિલમાં નહીં આવવા અને તેણી પોઝિટિવ હોવાનું જણાવાયું હતું.
મુંબઇથી પુંધરા આવેલા ૫૪ વર્ષિય પુરૂષ કોરોનામાં પટકાયા
છુટછાટવાળા લોકડાઉન -૪ શરૂ થવાની સાથે ઘણા લોકોએ જિલ્લા અને રાજ્યમાં અવર જવર કરી છે. જેમના દ્વારા કોરોના વાયરસે પણ એક જિલ્લામાં થી બીજા જિલ્લામાં તેમજ રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવેશ કર્યો છે. લોકડાઉન -૩ પુર્ણ થયાના બીજા જ દિવસે એટલે કે તા.૧૮મીએ મુંબઇથી ૫૪ વર્ષિય આધેડ માણસાના પુંધરા આવ્યા હતા. બે દિવસ પહેલાં તેમને તાવ, કફ, શરદી સહિતની તકલીફો થઇ હતી. જેના પગલે તેમણે આરોગ્ય વિભાગને જાણ કરી હતી. આરોગ્ય વિભાગે તેમના ચેમ્પલ લીધા બાદ ટેસ્ટ કર્યો હતો. જે ગઇકાલે મોડીરાત્રે પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા ૧૭ વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોર્પોરેશન વિસ્તારના ધોળાકુવાનો રીક્ષાચાલક યુવાન કોરોનામાં સપડાયો
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં આવેલા સાત ગામો પૈકી ધોળાકુવામાંથી પહેલો પોઝિટિવ દર્દી મળી આવ્યો છે. આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, ધોળાકુવા ગામના નાના ઠાકોરવાસમાં રહેતા ૨૯ વર્ષિય યુવાન રીક્ષા ચલાવતો હતો અને અમદાવાદ મેમ્કોના ફેરા લગાવતો હતો. છેલ્લા ઘણા દિવસથી યુવાનને તાવ, શરદી, કફ સહિત ગળામાં બળતરા જેવી તકલીફ રહેતી હતી. જેના પગલે તેનો ગઇકાલે ટેસ્ટ કરાવ્યો છે. જે આજે પોઝિટિવ આવ્યો છે. ગામડાના ગીચવિસ્તારમાંથી પોઝિટિવ દર્દી મળતાં તંત્ર એલર્ટ થઇ ગયું છે.
માણસા ભીમપુરાના પોલીસ જવાનની દાદી ચેપગ્રસ્ત
માણસા તાલુકાના ભીમપુરામાં રહેતા અને અમદાવાદ શાહીબાગ પોલીસ કમિશ્નરની કચેરી ખાતે કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં ૩૯ વર્ષિય જવાન ગઇકાલે કોરોનામાં સપડાયો હતો. અમદાવાદ હોસ્ટ પોસ્ટ વિસ્તારમાં નોકરી કરતાં હોવાના કારણે આ જવાન પોઝિટિવ આવ્યો હતો. તો તેના પરિવારજનોને સાવચેતીના ભાગરૂપે કવોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જે પૈકી આ જવાનના ૬૨ વર્ષિય દાદીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ભીમપુરામાં બે દિવસમાં બે કોરોના પોઝિટિવ આવ્યા છે.
સે-૧૪ની યુવતિ અમદાવાદથી આવ્યા બાદ કોરોનામાં સપડાઇ
ગુજરાતના હોટ સ્પોટ એવા અમદાવાદને અડીને આવ્યા હોવાના કારણે ગાંધીનગરમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વધી રહ્યાં છે. આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હોય તેવા કર્મચારીઓ પોતાના જીવના જોખમે અમદાવાદ અપડાઉન કરે છે ત્યારે કેટલાક લોકો લોકડાઉન-૪ની છુટછાટનો ફાયદો લઇને ગાંધીનગર આવે છે અને અહીં ચેપફેલાવે છે. સેક્ટર-૧૪નો કિસ્સો આવો જ છે. અમદાવાદના વાડજ વિસ્તારમાંથી ત્રણ દિવસ પહેલાં ગાંધીનગરના સેક્ટર-૧૪ ખાતે આવેલી ૨૭ વર્ષિય યુવતિને તાવ આવ્યો હતો તેનો ટેસ્ટ કરાવતાં તેણી પોઝિટિવ આવી છે. આ ઘરના ચાર વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
કોલવડા કેર સેન્ટરમાં નોકરી બાદ માણસાનો સેવક ચેપગ્રસ્ત
કોરોનાના પગલે આરોગ્યની સેવાઓ કથળે નહીં તે માટે કોવિડના દર્દીઓ જ્યાં રાખવામાં આવે છે ત્યાં ડેપ્યુટેશન ઉપર સ્ટાફ તેડાવવામાં આવી રહ્યો છે. માણસા સિવિલ હોસ્પિટલમાં સેવક તરીકે ફરજ બજાવતો ૩૦ વર્ષિય યુવાને તા.૫ થી ૧૧ મે દરમિયાન કોલવડાના કેર સેન્ટરમાં ફરજ સોંપવામાં આવી હતી. આ એક અઠવાડીયા દરમિયાન માણસાના યુવાને કોલવડા કેર સેન્ટરમાં ફરજ નિભાવતા તે ચેપગ્રસ્ત થયો હતો. ગઇકાલે તાવ, શરદી સહિતના લક્ષણો તેને દેખાયા હતા. જેથી તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે.
લોકડાઉનમાં સાદરા ફસાઇ ગયેલા કપડવંજના ડેન્ટીસ્ટ કોરોના પોઝિટિવ
પહેલું લોકડાઉન તા.૨૪મી માર્ચે અમલમાં આવ્યું હતું. તે પુર્વે એટલે તા.૧૯મી માર્ચે એક પ્રસંગ માટે કપડવંજ રહેતાં ૪૦ વર્ષિય ડેન્ટીસ્ટ પોતાના વતનમાં સાદરા આવ્યા હતાં. ત્યારબાદ લોકડાઉન -૧, ર, ૩ અને ૪ અમલમાં આવ્યા હતાં. જેના કારણે આ ડેન્ટીસ્ટ ડોક્ટર કપડવંજ જઇ શક્યા ન હતા. ટાવર ચોક નજીક સાદરામાં રહેતા આ ૪૦ વર્ષિય ડેન્ટીસ્ટને તે દરમિયાન કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેના કારણે તેમને લક્ષણો પણ દેખાયા હતાં. ગળામાં બળતરા અને તાવ આવવાના કારણે તેમને ગઇકાલે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે આજે પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
બાવળાની ફાર્મા કંપનીમાં ફરજ બજાવતો રૂપાલનો યુવાન ચેપી
કેડીલા સહિત ફાર્મા કંપનીમાં નોકરી કરતાં કર્મચારીઓ તબક્કાવાર પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે રૂપાલમાં રહેતાં અને બાવળા ખાતે આવેલી ફાર્મા કંપનીમાં નોકરી કરતાં ૨૬ વર્ષિય યુવાન કોરોનાગ્રસ્ત થયો છે. મળતી વિગતો પ્રમાણે બાવળા ખાતેની ફાર્મ કંપનીમાં ગાંધીનગર તાલુકાના રૂપાલ ગામનો ૨૬ વર્ષિય યુવાન નોકરી કરતો હતો. બે દિવસથી તાવ, શરદી, કફ સહિતની તકલીફ હોવાના કારણે તેને ગઇકાલે ટેસ્ટ કરાવ્યો હતો. જે કોરોના પોઝિટિવ આવતાં તેને સારવાર માટે ગાંધીનગર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યો છે. તેની પત્નિ ગ્રામ્ય વિસ્તારમાં હેલ્થ વર્કર તરીકેની ફરજ બજાવે છે.