માટીની ૬૦ તાવડી પર મહાત્મા ગાંધીની તસવીરોનું કોતરણી કામ
વડોદરા,તા.29 ઓક્ટોબર,સોમવાર
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિ સૌ કોઈ ઉજવી રહ્યું છે. ત્યારે શહેરના ગાંધીપ્રેમીએ ૧૨X ે૧૨ની ૭૫૦ ગ્રામ વજન ધરાવતી માટીની તાવડી પર ગાંધીજીના ઉંમરના પડાવની તસવીરોનું કોતરણીકામ કરેલું છે.
ગુજરાતમાં પ્રથમ વખત વડોદરામાં ગાંધીપ્રેમી અતુલભાઈએ તેમજ તેમની પત્નિએ ૬૦ માટીની તાવડી પર ગાંધીજીની તસવીરો કંડારી છે જેને કોઠી ચાર રસ્તા પર આવેલા તેમના ઘરે તા.૧ અને ૨ નવેમ્બર બે દિવસ લોકો માટે ખુલ્લુ મુકાશે. અતુલભાઈએ કહ્યું કે, શરુઆતમાં પ્રયોગ માટે ૨૭ માટીની તાવડી પર ગાંધીજીની તસવીર કંડારી હતી. ત્યારબાદ ૬૦ માટીની તાવડી પર પેન્સિલથી ગાંધીજીનું ચિત્ર દોરી કોથળા સીવવાની સોયથી કોતરણી કરી હતી. તમામ તસવીરો પાંચ મહિનામાં તૈયાર કરી હતી.
૧૯૬૯માં ગાંધીજીની ૧૦૦મી જન્મશતાબ્દી નિમિત્તે ગાંધીજી-કસ્તુરબા ઉંમરના પડાવમાં કેવા લાગતા હતા તેનું તસવીરો સાથેનું કેલેન્ડર બહાર પડાયું હતું. આ તસવીરોની સહાયથી ગાંધીજીની તસવીરોની મેં કોતરણી કરી છે. એમ અતુલભાઈનું કહેવું છે. આ તસવીરોમાં અતુલભાઈએ ગાંધીજીના પૌત્રએ ૧૯૪૩માં બનાવેલું ચિત્ર તેમજ બ્રિટીશ કલાકાર અને પત્રકાર કેલેન દ્વારા બનાવેલ ગાંધીજીનું ચિત્ર પણ તાવડી પર કંડાર્યું છે. ગાંધીજીને વાયોલિન પ્રિય હતુ તે ઉપરથી એક કાર્ટુનિસ્ટે ગાંધીજીને વાયોલિન વગાડતા બતાવ્યા હતા. તેને પણ અતુલભાઈએ પોતાના પ્રદર્શનમાં રાખેલ છે.