વસંત રજબ કવાટર્સમાં ગેલેરી ધરાશાયી, પાંચ લોકો ઈજાગ્રસ્ત
- બહેરામપુરામાં આવેલા કવાટર્સમાં આફત
- ફાયરની ટીમ પહોંચે એ પહેલાં રહીશોએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડયા
અમદાવાદ, તા. 29 સપ્ટેમ્બર, 2020, મંગળવાર
શહેરના બહેરામપુરા વિસ્તારમાં આવેલા વસંત રજબ કવાટર્સમાં મંગળવારે સવારના સુમારે ગેલેરી ધરાશાયી થતાં કવાટર્સમાં રહેતા પાંચ રહીશો ઈજાગ્રસ્ત થતાં તમામને એલ.જી.હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વર્ષો જુના કવાટર્સમાં બીજા માળની ગેલેરી તુટી પડવાની ઘટનાને પગલે રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી.
ઘટના અંગે ફાયર કંટ્રોલ સૂત્રોના કહેવા મુજબ,મંગળવારે સવારના સાડા નવ વાગ્યે ઘટના અંગેનો કોલ મળતા બચાવ ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. પરંતુ ટીમ પહોંચે એ અગાઉ રહીશોએ ઈજાગ્રસ્તોને ખાનગી વાહનની મદદથી હોસ્પિટલ સારવાર માટે મોકલી આપ્યા હતા. સ્થાનિક સૂત્રોમાંથી મળતી માહીતી પ્રમાણે,બીજા માળની જર્જરીત ગેલેરી ધરાશાયી થવાને કારણે નીચે આવેલા માળની ગેલેરી પણ તુટી પડી હતી.
આ ઘટનામાં લક્ષ્મણભાઈ સોલંકી, સીતાબહેન પરમાર, વિજયભાઈ પરમાર, ખુશી પરમાર અને કાર્તિક સોલંકી એમ પાંચ લોકોને ઈજા પહોંચતા તમામને એલ.જી.હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કવાટર્સની ભયજનક ગેલેરીના ભાગને ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.