Get The App

જીટીયુ પાસેથી ભરતીની કામગીરી પરત લઈ લેવાતા કોર્પોરેશનમાં ગજગ્રાહ

Updated: Feb 17th, 2024

GS TEAM

Google News
Google News
જીટીયુ પાસેથી ભરતીની કામગીરી પરત લઈ લેવાતા કોર્પોરેશનમાં ગજગ્રાહ 1 - image


આરોગ્ય શાખામાં વિવિધ સંવર્ગની ૭૩ જગ્યા માટે

સ્થાયી સમિતિના નિર્ણય બાદ હજી ગૌણ સેવાને કામગીરી સોંપાય નથી : ફરીથી દરખાસ્ત કરાય તેવી શક્યતા

ગાંધીનગર :  ગાંધીનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં અલગ અલગ પોસ્ટ માટે ૭૩ જગ્યાની ભરતી માટે પ્રક્રિયા શરૃ કર્યા બાદ જીટીયુ પાસેથી આ કામગીરી લઈ લેવાનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા લેવાયો હતો પરંતુ આ મામલે હાલ કોર્પોરેશનમાં ગજગ્રાહ ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે કેમકે સ્થાયી સમિતિના નિર્ણય બાદ હજી સુધી ગૌણ સેવાને પરીક્ષા લેવા માટે જવાબદારી સોંપવામાં આવી નથી.

પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય શાખાની કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા માટે સરકારની ૧૦૦ ટકા ગ્રાન્ટ આધારિત આરોગ્યની ૫ પોસ્ટ હેલ્થ ઓફિસર, ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, ફાર્માસીસ્ટ અને લેબ ટેકનિશિયનની હંગામી ધોરણે ભરતી માટે ગુજરાત ટેકનોલોજી યુનિવસટીને જવાબદારી સોંપવામાં આવી હતી અને આ માટે જીટીયુ દ્વારા જાહેરાત આપીને પ્રક્રિયા શરૃ કરવામાં આવી હતી. જેમાં ૨૧ ઓક્ટોબર ૨૦૨૩થી ૫ નવેમ્બર ૨૦૨૩ સુધીમાં અરજીપત્રકો મંગાવવામાં આવ્યા હતા. વિવિધ જગ્યાઓ માટે ૩૦ હજારથી વધુ અરજીઓ આવી હતી. જેની પરીક્ષા ૧૮ ફેબુ્રઆરી, ૨૪ ફેબુ્રઆરી અને ૨૫ ફેબુ્રઆરીએ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે થોડા સમય અગાઉ આ પરીક્ષાના ખર્ચ પેટે ૧.૧૩ કરોડ રૃપિયા મંજૂર કરવા કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત કરવામાં આવી હતી અને જે દરખાસ્ત ના મંજૂર કરીને આ કામગીરી જીટીયુ પાસેથી લઈ લઈ ગૌણ સેવા પસંદગી મંડળને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેથી આ પરીક્ષા રદ કરવાની કોર્પોરેશનને ફરજ પડી હતી પરંતુ હજી પણ કોર્પોરેશનમાં કેટલાક વ્યક્તિઓ આ પરીક્ષા જીટીયુ મારફતે થાય તે માટે જ મથી રહ્યા છે. સ્થાયી સમિતિના નિર્ણયને બદલવા માટે પણ મથામણ કરવામાં આવી રહી છે અને ફરીથી દરખાસ્ત થાય તે અંગે પણ જોર લગાવવામાં આવી રહ્યું છે. કેમ કે અગાઉ જ્યારે જીટીયુ મારફતે અધિકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવી તેમાં તત્કાલીન અધિકારીઓથી લઈ સત્તાધીશો માલામાલ થઈ ગયા હોવાનું પણ ચર્ચાયું હતું. હાલ આ મામલે કોર્પોરેશનમાં અંદરો અંદર ગજગ્રાહ ચાલી રહ્યો હોવાનું પણ જાણવા મળી રહે છે.

Tags :